હેલ્થ ટિપ્સઃ હાર્ટ ડિસીઝ ટાળવો છે? તો આટલું અવશ્ય કરો...

Saturday 08th December 2018 06:53 EST
 
 

આજની દોડધામભરી જીવનશૈલીના કારણે હૃદય રોગ સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઇએ? તબીબી નિષ્ણાતો કહે છે કે નો કરી... નો વરી... અને નો કરી...નો જીવનમંત્ર અપનાવી લો.
‘નો કરી...’ એટલે કે ગ્રેવીવાળા વ્યંજનોથી પરેજી. ગ્રેવીવાળા ફૂડમાં ક્રીમ, ઘી, બટર અને શુગર હોય છે. જેમ કે બટર ચિકનમાં ૪૫૦ કેલરી તો છોલે-ભટૂરેમાં ૪૦૦ કેલરી હોય છે. વધારે કરીથી શરીરમાં પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ અસામાન્ય થઈ જાય છે. આવા ભોજનની અસર ધમનીઓ પર થાય છે.
- રોજ આ કરોઃ હાઈ ફાઇબર યુક્ત ભોજન સૌથી સારું છે. જેમ કે ફાડા અથવા સોયાબિન મિશ્રિત લોટની રોટલી, દલિયા, છોતરાવાળી મગની દાળ, ફણગાવેલું અનાજ ખાવ. ફળ-શાકભાજી છાલ સાથે ખાવ. લસણ - આદુ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. બ્લડ ક્લોટ થતાં રોકે છે. એક કપ છાશ બપોરે જમ્યા બાદ પીવો.
‘નો વરી...’ એટલે કે ચિંતાથી મુક્તિ. વધારે તણાવ અને ચિંતાથી શરીરમાં એક પ્રકારની ચરબી બને છે. જેને બેડ કોલેસ્ટ્રોલ કહે છે. તેનાથી નસો સંકોચાઈ જવાનો ખતરો રહે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર સ્ટ્રેસથી વ્હાઇટ બ્લડ સેલ્સ વધારે બને છે. આર્ટરિઝ બ્લોક થવા લાગે છે. હાર્ટ ડિસીઝનો ખતરો વધી જાય છે.
- રોજ આ કરોઃ યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસના સ્ટડી અનુસાર રાતે છ કલાકથી ઓછું સુતા લોકોમાં સ્ટ્રોકનો ખતરો વધારે હોય છે. શરીર માટે ૬થી ૮ કલાક ઉંઘ જરૂરી છે. ૩૦થી ૪૫ મિનિટ રોજ કસરતથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, વજન કાબૂમાં રહે છે.
‘નો હરી...’ એટલે કે કોઈ કામમાં ઉતાવળ નહીં. જે લોકો દરેક કામમાં વધારે પડતી ઉતાવળ કરે છે તેને હરી સિકનેસ કહે છે. આવા લોકોને હાર્ટ ડિસીઝ અને હાઇ બ્લડપ્રેશરનો ખતરો વધારે હોય છે. કામ જલ્દી ન થાય તો ગુસ્સો આવે છે. તેનાથી રક્તપ્રવાહ ઝડપી બને છે. લોહીના દબાણથી હાર્ટની પાતળી નસો ફાટવાનો ખતરો રહે છે.
- રોજ આ કરોઃ પરિવર્તનની સૌથી સારી રીત છે સવારે જલદી ઉઠવું. સમયસર દિવસની શરૂઆતથી મૂડ સેટ થઈ જશે. યોગાસન પણ વ્યવહાર બદલવાની સારી રીત છે. યોગથી કિડનીની ક્ષમતા વધે છે. બ્લડ સર્ક્યુલેશન વધે છે. હાર્ટ રેટ સુધરે છે. હાર્ટ તંદુરસ્ત બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter