હેલ્થ ટિપ્સઃ હૃદયને તંદુરસ્ત રાખવા માટે છ અકસીર ઉપાય

Saturday 21st September 2019 15:11 EDT
 
 

હૃદય એ શરીરનો મહત્ત્વનો ભાગ છે. આજકાલ અપૌષ્ટિક ખોરાકને લીધે ઘણા લોકો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીનો ભોગ બને છે. હૃદયની બીમારી એટલા માટે ગંભીર છે કે તે રોગ વકરીને ગંભીર ન બને ત્યાં સુધી રોગીને તેની જાણ થતી નથી. આથી જ હૃદયરોગથી બચવા નાની નાની બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે આપણે જાણીશું હૃદયસંબંધી તકલીફોમાં રાહત મેળવવા કેવા પગલાં લેવા જરૂરી છે.
દિનચર્યામાં બદલાવઃ નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક હૃદય સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે એવો ખોરાક લેવો જેમાં મોનોસેચ્યુરેટેડ અને પોલી સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ હોય, તે શરીરમાં કોલેસ્ટેરોલની માત્રા ઓછી કરે છે ને હૃદય સ્વસ્થ રાખે છે. ઉપરાંત નિયમિત વ્યાયામ પણ હૃદય માટે એટલો જ જરૂરી છે. મોટા ભાગે બહારનો તેમજ વધુ તેલ-મસાલાવાળા ખારોક ખાવાનું ટાળો.
તણાવથી બચોઃ આજકાલની ભાગદોડભરી જીવનશૈલીથી દરેક માણસ કંટાળેલો હોય છે. ઓફિસ હોય કે પરિવાર, માણસ કોઈને કોઈ કારણથી તણાવમાં રહે છે. વધારે પડતો તણાવ હૃદય માટે હાનિકારક છે. આથી શક્ય એટલું તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. તણાવથી બ્લડ પ્રેશર પર અસર થાય છે અને બ્લડ પ્રેશરથી હૃદય પર આથી જ હૃદય સંબંધિત રોગથી દૂર રહેવું હોય તો તણાવથી દૂર રહેવું જરૂરી છે.
બ્લડ પ્રેશર રાખો કંટ્રોલમાંઃ હૃદયની બીમારીઓનું સૌથી મોટું કારણ બ્લડ પ્રેશર છે. જો શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થતું હોય તો ઘણા ખરા રોગની સંભાવના ઓછી થઈ જાય છે. બ્લડ પ્રેશરને ૧૨૦/૮૦ MMHGની આસપાસ રાખવું. બ્લડ પ્રેશર ઓછું કરવા માટે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવું. આ ઉપરાંત હાઇ કે લો બ્લડ પ્રેશરનું નિદાન થાય તો તબીબી માર્ગદર્શન હેઠળ જરૂરી પગલાં લઇને બ્લડ પ્રેશરને અંકુશમાં રાખી શકાય છે.
વજન પ્રમાણસરઃ વધારે પડતું વજન શરીરમાં હૃદયની બીમારીની સાથે સાથે બીજી અનેક બીમારીને આમંત્રણ આપે છે. આથી જ સ્વસ્થ રહેવા માટે વજનમાં કન્ટ્રોલ રાખવું જરૂરી છે. તમારો બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) હંમેશા ૨૫ની નીચે હોવો જોઈએ. ઓછા તેલવાળો ખોરાક, રેસાયુક્ત ફળો તેમજ અનાજ - સલાડનો તમારા રોજિંદા ભોજનમાં સમાવેશ કરી વજનને નિયંત્રણ કરી શકો છો.
ફાઇબરયુક્ત આહારઃ સ્વસ્થ હૃદય માટે ભોજનમાં ફાઇબરયુક્ત ખાદ્ય પદાર્થોને ખાસ સામેલ કરો. ભોજનમાં સલાડ, શાકભાજી અને ફળોનો વધારે ઉપયોગ કરવો. આ ઉપરાંત ડ્રાયફ્રૂટનો પણ તમારા આહારમાં સમાવેશ કરો. તે તમારા ભોજનમાં એન્ટિ- ઓક્સિડન્ટનું કામ કરશે. આ ઉપરાંત ખરાબ કોલેસ્ટેરોલ ઘટાડવામાં અને સારું કોલેસ્ટરોલ વધારવામાં સહાય કરશે. સાથે સાથે જ તમારી પાચનશક્તિમાં પણ સુધારો જોવા મળશે.
વ્યાયામ પણ જરૂરી છેઃ હૃદયરોગથી બચવા માટે બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલને અંકુશમાં રાખવું જરૂરી છે. નિયમિત વ્યાયામથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ અંકુશમાં રહેવાથી ગંભીર રોગો થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. આમ સ્વસ્થ હૃદય માટે વ્યાયામ પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. રોજ થોડું ચાલીને તમે વજન નિયંત્રણમાં રાખીને હૃદયની બીમારીથી બચી શકો છો. આથી જ આગ્રહ છે કે બને તેટલી કસરત કરો. જીમ જાવ, જોગિંગ કરો અને બને તેટલું ચાલો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter