આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમતી લોકો એ વાતે સંમત છે કે કાચું ઓલિવ ઓઇલ ઘણું સ્વાસ્થવર્ધક છે. આ તેલ વિશ્વની આરોગ્યપ્રદ વસ્તીના આહારનો મુખ્ય ભાગ છે. ઓલિવ ઓઇલમાં રહેલ ફેટી એસિડ તથા એન્ટિઓક્સિડન્ટ્સ સ્વાસ્થ્યના કેટલાક મુખ્ય ફાયદાઓ સાથે હૃદયરોગની શક્યતા પણ ઘટાડે છે. ઓલિવ ઓઇલ શેમાંથી બને છે?
ઓલિવ ઓઇલ એ ઓલિવ વૃક્ષના ફળને દબાવીને કાઢવામાં આવતું તેલ છે. શ્રેષ્ઠ ગુણવત્તાનું ઓલિવ ઓઇલ બનાવવા માટે કુદરતી પ્રક્રિયા દ્વારા ઓલિવની પસંદગી કરવામાં આવે છે, જે તેનાં સુગંધ અને સ્વાદ દ્વારા પારખવામાં આવે છે. અલબત્ત, થોડીક નબળી ગુણવત્તા ધરાવતા ઓલિવમાંથી તેલ કાઢવા માટે કેટલાક કેમિકલ ઉમેરવામાં આવે છે.
ખરેખર કાચું ઓલિવ ઓઇલ સ્વાદમાં અલગ હોય છે. તેમાં ફિનોલિક એન્ટિઓક્સિડન્ટ્સ વધુ હોય છે, તેથી તે ખુબ લાભદાયી છે. આ ઉપરાંત, રિફાઇન્ડ ઓલિવ ઓઇલ પણ હોય છે, જેને સામાન્ય રીતે કોઇક સોલ્વન્ટમાં ગરમ કરીને અથવા તો સોયાબીન તથા કેનોલના તેલ સાથે ભેળવવામાં આવે છે. આથી ઓલિવ ઓઇલ ખરીદતાં પહેલાં તેનું લેબલ ચકાસવું તેમ જ વિશ્વાસપાત્ર બ્રાન્ડનું જ ખરીદવું આવશ્યક છે. ઘણા ઓલિવ ઓઇલના પેકિંગ પર ‘એક્સ્ટ્રા વર્જિન’નું લેબલ તો હોય છે, પરંતુ તેમાં ક્યારેક નબળી ગુણવતાનું તેલ ભેળવાયું હોય તેવું બની શકે છે તેથી સાવચેતી જરૂરી છે. કાચું ઓલિવ ઓઇલ 100 ટકા કુદરતી તેમજ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં પોષક તત્વો પણ અઢળક હોય છે.
ઓલિવ ઓઇલમાં રહેતા પોષક તત્વો
એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ ઘણું જ પોષક છે. તેમાં સામાન્ય રીતે વિટામિન ઇ, વિટામિક કે અને થોડાક પ્રમાણમાં કેટલાક લાભદાયી ફેટી એસિડ્સ હોય છે. એન્ટિએક્સિડન્ટ્સ અનેક ગંભીર બીમારીઓ સામે લડવા માટે મદદરૂપ છે. તેલના મુખ્ય એન્ટિએક્સિડન્ટ્સમાં એન્ટિઇન્ફ્લેમેટરી ઓલિઓકેથલ તેમ જ ઓલ્યિુરોપિન છે, જે એલ.ડી.એલ (ખરાબ) કોલેસ્ટેરોલને એન્ટિએક્સિડન્ટ્સ દ્વારા સુરક્ષિત કરે છે.
ઓલિવ ઓઇલ એન્ટિ ઇન્ફલેમેટરી પણ છે. એવું માનવામાં આવે છે કે ક્રોનિક બીમારીઓ જેવી કે, હૃદયરોગ, કેન્સર, પાચનની સમસ્યા, મધુપ્રમેહ, આર્થરાઇટિસ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. કાચું ઓલિવ ઓઇલ હૃદયરોગનું જોખમ ઘટાડે છે તથા તેને અટકાવવામાં મદદ કરે છે.
આ ઉપરાંત ઓલિવ ઓઇલનો ઉપયોગ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી છે. બ્લડ પ્રેશર દર્દીઓ પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓલિવ ઓઇલ બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે.