જો આપને થાક, અનિંદ્રા, સાંધામાં દુખાવો, કોઈ કામમાં મન ન લાગવું અને બેચેની અનુભવાઈ રહી છે તો તમે હોર્મોટિક સ્ટ્રેસના શિકાર થઈ શકો છો. ગત બે વર્ષમાં આવેલી કોરોના મહામારી બાદ આ પ્રકારના લક્ષણ ઝડપથી વધી રહ્યા છે. ઓફિસમાં કામ કરનારમાં પણ આ પ્રકારની સ્થિતિ વધુ જોવા મળી રહી છે. હોર્મોટિક સ્ટ્રેસને દૂર કરવા માટે ઘણા લોકો તાત્કાલિક સારવારના રૂપમાં શાવર કે સોના બાથ લઈ રહ્યા છે, પરંતુ તે તમામ ઉપાય આપને લાંબા સમય સુધી તેનાથી છુટકારો નહીં આપી શકે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીની એજિંગ મેટાબોલિઝ્મ એન્ડ ઇમોશન સેન્ટરની ડાયરેક્ટર ડો. અલીસા ઇપેને હોર્મોટિક સ્ટ્રેસ પર ઊંડું સંશોધન કર્યું છે. હાલમાં આ રિસર્ચ ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રકાશિત થયું છે. રિપોર્ટ મુજબ આ એક પ્રકારનો શોર્ટ ટર્મ બાયોલોજિકલ સ્ટ્રેસ છે. તેને વહેલી તકે ઠીક કરવાની જરૂર છે. સમય પસાર થઈ ગયા બાદ તેને ખતમ કરવો વધુ કઠિન થઈ જાય છે.
ડો. ઇપેન અનુસાર હોર્મોટિક સ્ટ્રેસ એક પ્રકારની પ્રક્રિયા છે, જે આપણને ભવિષ્યના પડકારોથી લડવાની ક્ષમતા પણ આપે છે. તેમણે નિષ્કર્ષ રજૂ કર્યો કે જીવનશૈલીમાં કેટલાક વ્યવહારોને અપનાવીને તેના પર નિયંત્રણ મેળવી શકાય છે. બ્રીધિંગ ટેક્નિકથી સૌથી વધુ ફાયદો થાય છે. એમાં તમે જેટલા વધુ ઊંડા શ્વાસ લેશો, તણાવનું સ્તર એટલું ઓછું થઈ જાય છે. તેનાથી સકારાત્મક બાયોલોજિકલ રિસ્પોન્સ સામે આવે છે. ડીપ એક્સસાઇઝ અને ભોજનમાં કેટલાક ફાઇટોકેમિકલ્સને મેળવી દો તો તે કારગર સાબિત થઈ શકે છે.
સ્લિપિંગ પિલ્સ ચિંતા અને ગભરાટ વધારી શકે
ઘણા લોકો માનસિક તણાવ ઘટાડવા અને આરામ માટે હાથવગા ઉપાય તરીકે ઊંઘની ગોળીઓ લઇ લેતા હોય છે, પરંતુ આ બાબત તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. આનાથી આપને રાતની ઊંઘ તો સારી આવી જાય છે, પરંતુ તેની આદત પડી જવાનું પૂરતું જોખમ છે. એક વખત આદત પડી ગયા બાદ તેમાંથી છૂટવું મુશ્કેલ બને છે. સ્લિપિંગ પિલ્સ વગર ઊંઘી શકાતું નથી. તેનાથી આપના વ્યવહારમાં પણ પરિવર્તન આવી શકે છે. દિલોદિમાગમાં ચિંતા અને ગભરાટ પણ થઈ શકે છે. આથી આવા ટૂંકા ગાળાના ઉપાયોને ટાળો.