ઠંડીના દિવસોમાં શિયાળાના શક્તિવર્ધક વસાણાની જેમ ગોળ પણ ખૂબ ગુણકારી છે. આથી જ મોટા ભાગના શિયાળુ પાકમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ થાય છે. ઠંડીના સમયે ગોળનું નિયમિત સેવન તમને અનેક રોગથી બચાવી શકે છે. માનવશરીરને ગોળ કઈ કઈ રીતે લાભદાયી થશે તેની ઉપર એક નજર કરીએ.
• ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે એનિમિયાથી પીડાતા લોકો, મહિલાઓ અને બાળકો માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે.
• ગોળથી શરીરની અંદર રહેલાં ખરાબ ટોક્સિન્સ દૂર થાય છે. એટલું જ નહીં તે શરીર સિવાય લોહીમાં રહેલા ખરાબ ટોક્સિન્સને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. શરીરની ખરાબી સાફ થતાં તમે રોગમુક્ત રહો છો અને તમારી ત્વચા પણ સુંદર અને ચમકીલી બને છે.
• જો તમને વધારે થાક કે કમજોરીનો અનુભવ થતો હોય તો પણ ગોળનું સેવન લાભકર્તા સાબિત થશે. તે શરીરનું એનર્જી લેવલ વધારે છે અને તમને થાકથી દૂર રાખે છે.
• ગોળની તાસીર ગરમ હોય છે તેથી ગોળનું સેવન તમને શરદીથી બચાવવામાં મદદરૂપ થાય છે.
• ગોળમાં એન્ટિ-એલર્જીક તત્ત્વ છે. જે દમના રોગીઓ માટે પણ ખૂબ લાભદાયી થાય છે.
• જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય તેણે જમ્યા બાદ ગોળનો નાનકડો ગાંગડો જરૂર ખાવો જોઈએ. ગોળ પાચનક્રિયા પણ મજબૂત બનાવે છે, તેથી ગેસની તકલીફ પણ દૂર થતી હોય છે.
• રોજ ગોળના એક ગાંગડાની સાથે થોડું આદુ પણ ખાઈ શકો છો. ગોળ અને આદુનું સેવન તમને પગના દુખાવામાં ખૂબ રાહત આપે છે.
• શરદીની સમસ્યા હોય તો પણ તમે તુલસી, આદુ અને ગોળનો રસ પી શકો છો. આનાથી શરદીમાં રાહત થાય છે.
• જો તમને શરદી અને ઠંડીના કારણે કાનમાં દુઃખાવો થતો હોય તો ગોળ અને ઘી મીક્સ કરીને રોજ જમવામાં લેવાથી આ તકલીફ દૂર થાય છે. • ગોળ શરીરમાં વહેતા લોહીને તો સાફ કરે જ છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે. જે લોકોને એસિડિટીની તકલીફ હોય તેઓ રોજ એક ગ્લાસ દૂધમાં ગોળ નાખીને તે પીવે તો પેટમાં ઠંડક અનુભવાય છે અને એસિડિટી દૂર થાય છે. આમ ગોળ ઠંડીના સમયે આશીર્વાદ સમાન સાબિત થાય છે.