• કોલોન કેન્સરમાં સર્જરી પહેલા કીમોથેરાપી મદદરૂપ
ઘણી વખત કેન્સરનો ઉથલો મારે છે ત્યારે કીમોથેરાપી કોલોન કેન્સરની સારવારમાં રાહત આપી શકે છે. સ્થાનિક ટિસ્યુઝમાં આગળ વધેલા પરંતુ, દૂરના ટિસ્યુઝ સુધી નહિ પ્રસરેલા કોલોરેક્ટલ કેન્સરોમાં પહેલા સર્જરી અને તે પછી કીમોથેરાપી (એજુવન્ટ-adjuvant) સારવાર અપાય છે. આના ઘણા લાભ હોવાં છતાં, 20-30 ટકા દર્દીઓમાં કેન્સર ફરી ઉથલો મારે છે. નવા કંટ્રોલ્ડ અભ્યાસના તારણ અનુસાર માત્ર પોસ્ટસર્જરી કીમોથેરાપીની સરખામણીએ સર્જરી પહેલા અને પછી કીમો સારવાર (નીઓએજુવન્ટ) અપાય તો વધુ લાભકારી નીવડી શકે કે કેમ તેનો પ્રયોગ કરાયો હતો.
જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ સ્ટાન્ડર્ડ એજુવન્ટ કીમોથેરાપી ઉપરાંત, સર્જરી પહેલા અપાતી છ સપ્તાહની નીઓએજુવન્ટ કીમોથેરાપીના પરિણામે કેન્સર ઉથલો મારવાના જોખમમાં 28 ટકા ઘટાડો થયો હતો. નીઓએજુવન્ટ કીમોથેરાપીથી ટ્યૂમરના કદ અને ફેલાવામાં અસરકારક ઘટાડો થાય છે.
•••
• ફેફસાના કેન્સરની ચોકસાઈપૂર્ણ આગાહી શક્ય
કેન્સર માટેના સ્ક્રીનિંગના એક વર્ષમાં ફેફસાનું કેન્સર થશે કે નહિ તેની આગાહી કરતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ઉપકરણ Sybil વિકસાવાયું છે જેની ચોકસાઈ 94 ટકા જેટલી છે. આ જ સાધન છ વર્ષના ગાળા માટે 81 ટકાની ચોકસાઈ સાથે આગાહી કરી શકે છે. Sybil થી ફેફસાના કેન્સરનો ખોટો પોઝિટિવિટી દર પણ 14 ટકાથી ઘટી 8 ટકાનો થઈ શકે છે. આમ છતાં, વિવિધ વંશીય જૂથોમાં આ ઉપકરણ કેટલું મદદરૂપ નીવડે તેનું વધુ મૂલ્યાંકન કરવાની જરૂર છે. યુકેમાં લંગ કેન્સરના કેસીસમાં 48 ટકા કેસ સ્ત્રીઓ અને 52 ટકા કેસ પુરુષોના રહે છે. કેન્સરના તમામ કેસમાં લંગ કેન્સરનું પ્રમાણ 13 ટકા (2016-2018) છે. લંગ કેન્સર માટે સૌથી જોખમી પરિબળ સિગારેટ સ્મોકિંગ છે.