• ફાસ્ટ ફૂડ અને લિવરના રોગનું જોખમ
ફાસ્ટ ફૂડનો સ્વાદ કદાચ સારો લાગતો હોઈ શકે પરંતુ, આરોગ્યની દૃષ્ટિએ તેનું પોષકમૂલ્ય શૂન્ય જ છે. ફાસ્ટ ફૂડ નિયમિત ખાવાની આદત પડી ગઈ હોય તો લિવરના આરોગ્ય બાબતે સાવધાન થઈ જવાની જરૂર છે. તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે રોજિંદા આહારમાં ફાસ્ટ ફૂડમાંથી કેલરી મેળવવાનું પ્રમાણ 20 ટકા કે તેથી વધુ હોય તો નોનઆલ્કોહોલિક ફેટી લિવરના રોગ સ્ટીએટોસિસનું જોખમ વધી જાય છે. સ્થૂળતા અથવા ડાયાબિટીસ ધરાવતા લોકોમાં નોનઆલ્કોહોલિક ફેટી લિવરના રોગનું જોખમ સૌથી ઊંચું રહે છે. યુએસ, યુકે સહિત અન્ય દેશોમાં તત્કાળ ખોરાકની પસંદગી તરીકે ફાસ્ટ ફૂડ તૈયાર મળી રહે છે. ક્લિનિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એન્ડ હિપેટોલોજીમાં પ્રસિદ્ધ સંશોધનમાં યુએસના વયસ્કોમાં ફાસ્ટ ફૂડના ઉપયોગની અસર અને લિવરમાં ચરબી જમા થવાના સંબંધ વિશે તપાસ કરાઈ છે.
• કૃત્રિમ પેન્ક્રિઆસ – ડાયાબિટીસના દર્દીઓ માટે નવો વિકલ્પ
યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીની વેલકમ-એમઆરસી ઈન્સ્ટિટયૂટ ઓફ મેટાબોલિક સાયન્સના વિજ્ઞાનીઓએ કિડનીની નિષ્ફળતાના આખરી તબક્કા પરના અને ડાયાલિસિસ પર રહેલા ટાઈપ-ટુ ડાયાબિટીસના દર્દીઓ પર કૃત્રિમ પેન્ક્રિઆસની ટ્રાયલ કરી છે. કૃત્રિમ પેન્ક્રિઆસ ક્લોઝ્ડ-લૂપ સિસ્ટમ છે જેમાં ઈન્સ્યુલિન પમ્પ અને ગ્લુકોઝ મોનિટરનો સમાવેશ થાય છે, જેને સંશોધકોએ વિકસાવેલી એપ સાથે જોડાય છે. આ અભ્યાસના પરિણામો નેચર મેડિસિનમાં પ્રસિદ્ધ થયા છે. હવે સંશોધકો ટાઇપ-ટુ ડાયાબિટીસના અન્ય પેશન્ટ્સ પર તેની અસરકારકતા ચકાસવા માગે છે. જો અસરકારકતા સારી જણાશે તો ટાઇપ-ટુ ડાયાબિટીસના દર્દીઓને સારો વિકલ્પ મળી શકશે.