• પોપકોર્ન કેટલો આરોગ્યપ્રદ નાસ્તો?ઃ
સામાન્યપણે સિનેમા હોલ્સમાં નાસ્તા તરીકે ખવાતા પોપકોર્ન ખરેખર આરોગ્યપ્રદ નાસ્તો ગણી શકાય કારણકે તેમાં ફાઈબર એને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા વિવિધ પોષક તત્વો હાજર છે. પોપકોર્ન ખરેખર તો મકાઈ એટલે કે આખું ધાન જ છે જેમાંથી ચાવીરૂપ વિટામીન્સ A, B, અને E , મિનરલ્સ મેગ્નેશિયમ અને પોટાશિયમ અને ફાઈબરના પોષક તત્વો મળે છે. મીઠાં વગરના એક કપ પોપકોર્નમાંથી 30 કેલરી ઊર્જા મળે છે. તેમાં 1 ગ્રામથી ઓછી ચરબી, શૂન્ય મિલિગ્રામ કોલેસ્ટરોલ, 1 મિલિગ્રામથી ઓછું સોડિયમ, 6.23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 1.21 ગ્રામ ફાઈબર તેમજ 1 ગ્રામથી ઓછું પ્રોટિન મળે છે. પોપકોર્ન અવશ્યપણે આરોગ્યપ્રદ ખોરાક છે પરંતુ, વધારાના મીઠાંના લીધે પ્રવાહી ખેંચાવાથી પેટ ફૂલી જાય છે. પોપકોર્ન બનાવવામાં વપરાતાં તેલની અસર પણ તેના લાભ પર થઈ શકે છે. જો મોનોસેચ્યુરેટેડ ફેટ્સ (MUFA) ધરાવતા ઓલિવ, કેનોલા, સીંગતેલ, સફ્લાવર અને તલના તેલનો ઉપયોગ કરાયો હોય તો લાભ વધી જાય છે. તમે તેલનો ઉપયોગ કર્યા વિનાના પોપકોર્નનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
• અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ સાથે બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરનો સંબંધઃ
આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની સીધી અસર આપણા આરોગ્ય પર થાય છે. શરીરને રોજિંદી કામગીરી માટે ચોક્કસ પોષક તત્વોની જરૂર રહે છે. આરોગ્યપ્રદ આહારથી કાર્ડિયોવાસ્કુલર રોગો સહિતના રોગો માટે વ્યક્તિનું જોખમ ઘટી જતું હોય છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ખાવાથી નકારાત્મક આરોગ્ય અસરો સર્જાય છે જેમાં, બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરથી મોતનું જોખમ પણ સંકળાયેલું છે. બીજી તરફ, eClinical Medicineજર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોના તારણો અનુસાર અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ખાવાથી સમગ્રતયા કેન્સર થવાનું જોખમ ઊંચુ રહે છે. તમામ પ્રકારના કેન્સર અને ખાસ કરીને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરથી મોતનું જોખમ વધે છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સમાં હાઈડ્રોજનેટેડ ઓઈલ્સ, ફેટ્સ, સુગર્સ, અને મોડિફાઈડ સ્ટાર્ચ જેવા પાંચ અથવા વધુ પદાર્થો થકી ઈન્ડસ્ટ્રીયલ ફૂડ તૈયાર થાય તેનો સમાવેશ થાય છે.