વનસ્પતિજન્ય ખોરાકથી આરોગ્યને લાભ
પ્લાન્ટ્સ અને પ્લાન્ટ્સમાંથી મળતા ફૂડ્સમાંથી પોલીફેનોલ્સ નામે મોલેક્યુલ્સ તેમની એન્ટિઓક્સિડન્ટ કામગીરીના લીધે વિવિધ આરોગ્યકારી લાભ આપે છે. પોલીફેનોલ્સ અને ખોરાકમાં રહેલા પ્રોટિન્સના નિર્માણકારી બ્લોક્સનું સંયોજન એન્ટિઓક્સિડન્ટ અસરને વધારે છે. ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના સંશોધકો દ્વારા જર્નલ ઓફ એગ્રિકલ્ચરલ એન્ડ ફૂડ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર કોફીના કપમાં દૂધ ઉમેરવાથી દાહ, બળતરા કે સોજામાં લાભ મળી શકે છે કારણકે કોફીમાં મળતાં પોલીફેનોલ દૂધમાં રહેલાં એમિનો એસિડ સાથે જોડાય છે અને એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી- સોજા-બળતરાવિરોધી અસર આપે છે. પ્લાન્ટ્સ આધારિત ખોરાકમાં રહેલાં પોલીફેનોલ્સ મોલેક્યુલ્સ કેન્સર્સ, કોરોનરી હાર્ટ ડિસીઝ અને સોજા-બળતરા સામે રક્ષણ આપે છે.
સૂકા મેવા ખાવાથી મળતા કાર્ડિયોવાસ્ક્યુલર લાભ
વૃક્ષો પરથી મળતા મેકડામિઆ, બદામ, અખરોટ, જરદાલુ, પિશ્તા અને હેઝલનટ જેવા સૂકા મેવાને નાસ્તામાં લેવાથી શરીરના આરોગ્ય અને ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો માટે કારણભૂત બ્લડ પ્રેશરને નીચું રાખવામાં ઘણો ફાયદો થાય છે. પોષક તત્વોમાં સમૃદ્ધ સૂકા મેવાને નાસ્તાની જગ્યાએ ખાવાથી શરીરનું વજન પણ વધતું નથી. નવા અભ્યાસ મુજબ ટ્રી નટ્સ એમિનો એસિડ L-tryptophanના મેટાબોલિઝમને વધારીને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝના ચોક્કસ જોખમી પરિબળોને ઘટાડે છે. જર્નલ ‘ન્યુટ્રીઅન્ટ્સ’માં પ્રકાશિત અભ્યાસના એક પ્રયોગમાં 131 ઓવરવેઈટ વયસ્કોને 24 સપ્તાહના વજનઘટાડા અને વજન જાળવી રાખવાના પ્રોગ્રામના હિસ્સા તરીકે નાસ્તામાં ટ્રી નટ્સ આપવામાં આવ્યા હતા. આ લોકોને મિજાજ સુધારતા સેરોટોનિન હોર્મોનના પ્રમાણમાં વધારો અનુભવાયો હતો. સેરોટોનિન હોર્મોન મૂડ, નિદ્રા અને પાચન સહિતની શારીરિક કામગીરીને સપોર્ટ કરે છે. મહત્ત્વની વાત તો એ છે કે પોષકતત્વોમાં સમૃદ્ધ સૂકા મેવાને અન્ય નાસ્તાના બદલે ખાવાથી વજન વધવાની સમસ્યા સર્જાતી નથી.