• નોન-વ્હાઈટ પેશન્ટ્સમાં રેટિના સર્જરીને ઓછી સફળતા
આંખના રેટિના-દૃષ્ટિપટલ મૂળ સ્થાનેથી ખસી ગયાની સર્જરી કરાયા પછી વ્હાઈટ પેશન્ટ્સની સરખામણીએ અશ્વેત અને હિસ્પેનિક જાતિઓના લોકોને ધાર્યું પરિણામ મળતું નથી. સંશોધકોએ રેટિનલ ડિટેચમેન્ટની સર્જિકલ સારવાર પછી શ્વેત દર્દીની સરખામણીએ અશ્વેત અને હિસ્પેનિક દર્દીઓની દૃષ્ટિ ખરાબ રહેતી હોવા બાબતે વંશીયતા કારણભૂત હોવા સંદર્ભે તપાસ કરી હતી. રેટિનલ ડિટેચમેન્ટ સામાન્યપણે વૃદ્ધાવસ્થા અથવા ઈજાના કારણે થતું હોય છે અને તેનો સૌથી સામાન્ય પ્રકાર રેગ્માટોજેનસ રેટિનલ ડિટેચમેન્ટ (RRD) છે જેમાં રેટિનામાં નાનકડો ઉઝરડો પડે અથવા ભંગાણ પડે છે. આવી પરિસ્થિતિમાં સૌથી સામાન્ય સારવાર સર્જરી જ રહે છે. કેનેડિયન જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસ જણાવે છે કે નોન-વ્હાઈટ પેશન્ટ્સને સર્જરી પછી દષ્ટિ મળવાની સફળતાનું પ્રમાણ ઓછું રહે છે. નોન-વ્હાઈટ પેશન્ટ્સની સર્જરીના પરિણામો શા માટે ઓછાં સફળ નીવડે છે તે જાણી શકાય તો સારવારમાં સુધારો લાવી શકાય,
• હૃદયની તંદુરસ્તી માટે અખરોટ ખાવ
અખરોટ ખાવાથી હૃદય તાજુંમાજું રહે છે તે પ્રસિદ્ધ હકીકત છે ત્યારે ટેક્સાસ ટેક યુનિવર્સિટી અને જુનિઆટા કોલેજના સંશોધકોએ આપણા જઠર અને આંતરડામાં રહેલા સુક્ષ્મ માઈક્રોબાયોમ્સ પર તેની કેવી અસર થાય છે તેનું વિશ્લેષણ કરવા અભ્યાસ હાથ ધર્યો હતો. અખરોટથી હાર્ટને થતા લાભની શરૂઆત પેટના માઈક્રોબ્સ થકી થતી હોય તે જાણવામાં સંશોધકોને રસ હતો. તેમણે લોકોના ત્રણ જૂથ માટે અલગ અલગ ડાયેટ્સ નક્કી કર્યા હતા જેમાંથી એક જૂથને આખા અખરોટનું વધુ પ્રમાણ અપાયું હતું. દરેક જૂથના લોકોના બાયોલોજિકલ સેમ્પલ્સ લેવાયાં હતાં. તારણો અનુસાર જે લોકોના આહારમાં અખરોટ હતા તેમના જઠર અને આંતરડામાં એલ- હોમોર્જિનાઈન (L-homoarginine) એમિનો એસિડનું ઊંચુ પ્રમાણ જણાયું હતું. એલ- હોમોર્જિનાઈનનું પ્રમાણ ઓછું હોય તેવા લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું જોખમ વધારે રહે છે. અભ્યાસના પરિણામો અમેરિકન સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યુલર બાયોલોજીની વાર્ષિક સભા Discover BMB સમક્ષ રજૂ કરાયા હતા.