• પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ સોલ્ટ સેન્સિટિવ
સમગ્ર વિશ્વમાં અંદાજે 1.28 બિલિયન વયસ્ક લોકો હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જો ઊંચા બ્લડ પ્રેશરમે નિયંત્રણમાં ન લેવાય તો હૃદય, બ્રેઈન અને કિડનીનાં રોગોનું જોખમ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOના જણાવ્યા મુજબ 30-79 વયજૂથના અંદાજે 1.3 બિલિયન લોકોને હાઈપરટેન્શન છે. લોહીના ઊંચા દબાણનું જોખમ વધારતા જાણીતા પરિબળોમાં વય, વંશીયતા, વજન, તમાકુ અને આલ્કોહોલનું સેવન, જાતિ, વર્તમાન આરોગ્યની હાલતનો સમાવેશ થાય છે. હાઈપરટેન્શનનું સામાન્ય પરંતુ, ઓછું જાણીતું કારણ સોલ્ટ સેન્સિટિવિટી છે જેમાં શરીર વધારાના મીઠાંને કિડની મારફત બહાર કાઢવામાં નિષ્ફળ રહે છે. નવા અભ્યાસ મુજબ પુરુષોની સરખામણીએ તમામ વય અને વંશીયતાની સ્ત્રીઓ વધુ સોલ્ટ સેન્સિટિવ હોય છે જેના કારણે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા પર અસર પડે છે. સ્ત્રીઓ મેનોપોઝમાં આવે તે પછી મીઠાંને શરીરમાં જાળવી રાખવાનું પ્રમાણ વધે છે. આપણા શરીરને ચેતાતંત્રના ઈમ્પલ્સ- આવેગ, સ્નાયુઓના આંકુચન અને સંકોચન તેમજ પાણી અને મિનરલ્સની યોગ્ય સમતુલા જાળવવા પ્રતિ દિન આશરે 500 મિલિગ્રામ સોલ્ટની જરૂર રહે છે. જોકે, લોકો આ જરૂરિયાત કરતાં વધુ મીઠું ઉપયોગમાં લે છે.
• જંગલી ધતૂરામાં ઈજા મટાડવાના ગુણ
આજકાલ ત્વચાની સારસંભાળ લેવા મુખ્યત્વે મહિલાઓ સહિત ઘણા લોકો પ્રકૃતિ તરફ નજર દોડાવે છે. અમે્રિકન સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યુલર બાયોલોજીની વાર્ષિક સભા Discover BMB સમક્ષ રજૂ કરાયેલા સંશોધનમાં જણાવાયું છે કે Xanthium Strumarium વૈજ્ઞાનિક નામ ધરાવતા કોકલબર (cocklebur)- જંગલી ધતૂરાના છોડના ફળમાં એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ-એજિંગ અને દાહ-સોજાવિરોધી ગુણો છે જે તેને ચામડીના રક્ષણ માટે ઉપયોગી બનાવે છે. વૈજ્ઞાનિકોને જણાયું હતું કે ધતૂરાના અર્કથી અલ્ટ્રા વાયોલેટ બી (UVB) કિરણોથી થતાં નુકસાનને ઘટાડી શકાય છે અને 3D ટિસ્યુ મોડેલ્સમાં ઘાને ઝડપી સાજા થવામાં મદદ મળતી હોવાનું પણ જણાયું છે. મુખ્યત્વે દક્ષિણ યુરોપ, મધ્ય એશિયા અને ચીનના વિસ્તારોમાં ઉનાળામાં ઉગતા નકામા રોપા જેવા કોકલબર પ્લાન્ટ છ ફૂટની ઊંચાઈ સુધી પહોંચે છે. ચીનમાં સદીઓથી આ જંગલી ધતૂરાનો પરંપરાગત ઔષધિ તરીકે માથાના દુઃખાવા અને નાસિકાના સોજા કે દુઃખાવા (રિનાઈટિસ) માટે ઉપયોગ થતો આવ્યો છે.