તાલીમબદ્ધ કીડીઓ યુરિન સુંઘી કેન્સર શોધશે
સમગ્ર વિશ્વમાં કેન્સર મોતના મુખ્ય કારણોમાં એક છે જેનાથી વર્ષ 2020માં લગભગ 10 મિલિયન લોકો મોતનો શિકાર બન્યા હતા. કેન્સરગ્રસ્ત લોકોને બચાવવા હોય તો વેળાસર નિદાનની પદ્ધતિઓ વિકસાવવી જોઈશે. હાલ ઘણી પદ્ધતિઓ વાઢકાપની છે અથવા અતિ ખર્ચાળ છે જેના કારણે ઘણા લોકો માટે તે અપ્રાપ્ય રહે છે. હવે પ્રાણીઓની સુંઘવાની શક્તિ પર ધ્યાન અપાવા લાગ્યું છે. ‘પ્રોસિડિંગ્સ ઓફ રોયલ સોસાયટી બીઃ બાયોલોજિકલ સાયન્સીસ’ના પ્રકાશિત અભ્યાસપત્ર મુજબ કીડીઓ માનવમૂત્રમાંથી ચોક્કસ પ્રકારના કેન્સરની ગંધ પારખી શકે છે. કેન્સરના લીધે મૂત્રની વાસ બદલાતી હોય છે.
પ્રાણીઓ ખોરાક શોધવા, શિકારી પ્રાણીઓને પારખવા તેમજ જીવનસાથીને ઓળખવા સહિત વિવિધ હેતુસર આસપાસના વાતાવરણમાંથી ગંધ કે વાસને ઓળખી અને શોધી શકે છે. કેન્સરના કોષો ‘વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ’ (VOCs) તરીકે ઓળખાતા ચોક્કસ પ્રકારના રસાયણો છોડે છે.
તીવ્ર ઘ્રાણેન્દ્રિય ધરાવતી કીડી સહિતના પ્રાણીઓને આ VOCsને ઓળખવા તાલીમ આપી શકાય તેમ વિજ્ઞાનીઓ કહે છે. વિજ્ઞાનીઓએ ફોર્મિકા ફુસ્કા પ્રજાતિની કીડીઓને તંદુરસ્ત ઉંદર અને માનવીમાંથી કેન્સરનાં કોષ દાખલ કરાયેલા ઉંદર વચ્ચે ભેદ કરતા શીખવ્યું હતું. શ્વાનોને પણ કોષના સેમ્પલ્સ અથવા શરીરની વાસ થકી કેન્સર અને તેના બદલાયેલા કોષ મેટાબોલિઝમ સાથે સંકળાયેલા રસાયણોને પારખવા તાલીમ આપી શકાય તેમ છે.