લોકપ્રિય સેન્ડવિચમાં ફિશ સ્ટફિંગ જીવલેણ નીવડી શકે
સ્મોક્ડ સાલમોન અથવા ટ્રાઉટ માછલીનાં પૂરણ સાથેની સેન્ડવિચીઝ ભારે લોકપ્રિય છે અને લાખો લોકો તે ખાવાનો આનંદ માણે છે પરતુ, આવી સેન્ડવિચ જીવલેણ નીવડી શકે તેવી ચેતવણી અપાઈ છે. આવી માછલી લિસ્ટેરિયા નામના જીવલેણ બેક્ટેરિયાથી પ્રદૂષિત હોવાની શક્યતા રહે છે જેના કારણે લિસ્ટેરિયોસિસ ઈન્ફેક્શન થઈ શકે છે. સગર્ભા મહિલા, નબળી તંદુરસ્તી અથવા ઈમ્યુનોસપ્રેશન્ટ દવાઓ લેતા અને 6થી વધુ વયના લોકો માટે વધુ જોખમી બની શકે છે. લિસ્ટેરિયા બેક્ટેરિયા અગાઉથી રંધાયેલા પેકેજ્ડ મીટ, શેલફિશ સોફ્ટ ચીઝ સહિતના અન્ય ખોરાકને પણ ચેપી બનાવી શકે છે. જોકે, ગરમીના કારણે લિસ્ટેરિયા ખતમ થઈ જાય છે એટલે તમામ ખાદ્યપદાર્થો બરાબર રંધાયેલા હોય તેની ચોકસાઈ રાખવાની ચેતવણી યુકે ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સીએ આપી છે. લિસ્ટેરિયોસિસથી સગર્ભા મહિલાને કસુવાવડ, સ્ટીલબર્થ તેમજ નવજાત શિશુને ગંભીર બીમારી સહિતની સમસ્યા સર્જાય છે. નબળી ઈમ્યુન સિસ્ટમ્સ ધરાવતા લોકોમાં સેપ્સીસ અને મેનિન્જાઈટિસ જેવાં વધુ ગંભીર ચેપ લાગી શકે છે. કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, HIV સાથેના તેમજ ઓરલ સ્ટેરોઈડ્ઝ લેતા લોકો પણ જોખમી ગ્રૂપમાં આવે છે.
•••
બધા લોકો રક્તદાન કરી શકતા નથી
જિંદગીઓ બચાવતું રક્તદાન એ મહાદાન અવશ્ય છે પરંતુ, બધા લોકો રક્તદાન કરી શકતા નથી. કેટલીક મેડિકલ કંડિશન્સ એવી છે જે લોકોને રકતદાન કરતા અટકાવે છે, તેમના માટે રક્તદાન કરવું કે પેશન્ટ માટે લોહી મેળવવું હિતાવહ રહેતું નથી. NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) અનુસાર બધા રક્તદાતા તંદુરસ્ત અને ફિટ, 17થી 65 વયજૂથના અને 50થી 158 કિ.ગ્રા. વચ્ચે વજન ધરાવતા હોવા જોઈએ. તેમણે થોડા મહિનાઓ પહેલા હિપેટાઈટિસ બી અને સીનો વાવર હોય તેવા દેશોની મુલાકાત લીધી હોવી ન જોઈએ. આ ઉપરાંત, લ્યુકેમિયા, લીમ્ફોમા અને મલ્ટિપલ માયેલોમા સહિત મોટા ભાગના કેન્સર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હાર્ટની સમસ્યા, HIV પોઝિટીવ, હિપેટાઈટિસ બી અને સીના કેરિયર હોય, જેમણે 1 જાન્યુઆરી 1980 પછી બ્લડ, પ્લેટલેટ્સ અથવા પ્લાઝમા કે અન્ય બ્લડ પ્રોડક્ટ્સ મેળવી હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય, ડાયાબિટીસ માટે ઈન્સ્યુલિન લેતા હોય, બોડી બિલ્ડીંગ માટે પ્રીસ્ક્રાઈબ ન કરાયેલી ડ્રગ્સ તેમજ ઈન્જેક્ટેબલ ટેનિંગ એજન્ટ્સનો ઉપયોગ કરાયો હોય તે સહિતની કંડિશન્સ ધરાવતા લોકો પણ રક્તદાન કરી શકતા નથી. NHSBTકહે છે કે તેને દરરોજ આશરે નવા 400 એટલે કે વાર્ષિક 135,000 રક્તદાતાની જરૂર રહે છે જેથી જેઓ રક્તદાન કરી શકતા ન હોય તેની ખોટ પૂરી કરી શકાય.