હાલમાં હૃદયરોગની શક્યતા કે જોખમને ટાળવા માટે ઓછાં સોડિયમ કે મીઠાં સાથેના આહારની સલાહ આપવામાં આવે છે. જોકે, હવે સંશોધકો આહારમાં મીઠું ઓછું કરવાની ઉપયોગીતા સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. નવા મેટા-એનાલિસિસમાં સંશોધકોએ હૃદય નિષ્ફળ જવાના દર્દીઓની સંભાળમાં ઓછાં સોડિયમના ડાયેટની સરખામણી નવ ટ્રાયલના ડેટા સાથે કરી હતી. સંશોધનનું તારણ એવું હતું કે મીઠાં પર નિયંત્રણ રાખવાથી લાભના બદલે નુકસાન વધુ થાય છે. મીઠામાં 40 ટકા સોડિયમ અને 60 ટકા ક્લોરાઈડ હોય છે. શરીરને ચેતાતંત્રના આવેગો, સ્નાયુઓના સંકોચન અને આંકુચન તેમજ પાણી અને મિનરલ્સનું યોગ્ય પ્રમાણ જાળવવામાં થોડા પ્રમાણમાં સોડિયમ આવશ્યક રહે છે. જોકે, સોડિયમ વધુ લેવાય તો હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે જે સ્ટ્રોક અને હાર્ટ ડિસીઝનું મુખ્ય કારણ છે. ધ ડાયેટરી ગાઈડલાઈન્સ ફોર અમેરિકન્સમાં દૈનિક 2300 મિ.ગ્રાથી ઓછું સોડિયમ એટલે કે એક ટીસ્પૂન ટેબલ સોલ્ટ લેવાની સલાહ અપાઈ છે.આમ છતાં, અમેરિકનો રોજના 3400 મિ.ગ્રા.થી વધુ સોડિયમ લે છે.