• ટાઈપ 2 ડાયાબિટીસમાં મેટફોર્મિનનો વિકલ્પ મળશે?
વિશ્વભરમાં ટાઈપ 2 ડાયાબિટીસ (T2D)નો ફેલાવો વધી રહ્યો છે ત્યારે જર્નલ ડાયાબિટીસમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ જૂની એન્ટિસાઈકોટિક ડ્રગ્સ વર્તમાન મેટફોર્મિન દવાનો વિકલ્પ બની શકે તેમ સૂચવાયું છે. ડાયાબિટીસની વર્તમાન મેડિસિન્સ લઈ શકતા ન હોય અથવા જેમના માટે તેની અસરકારકતા ઓછી થઈ હોય તેવા લોકો માટે એન્ટિસાઈકોટિક મેડિસિન્સ બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરી શકે છે. એન્ટિસાઈકોટિક્સ દવાઓ ઊંદરોમાં હાઈપર ગ્લેસેમિઆ સાથે સંકળાયેલા એન્ઝાઈમ્સની કામગીરીને અસર કરતી જણાઈ હતી. કેનેડાની યુનિવર્સિટી ઓફ આલ્બર્ટાના સંશોધકો T2D ના પેશન્ટ્સ માટે હાલ ઉપયોગમાં લેવાતી મેડિસિન્સના વિકલ્પોની ખોજ કરી રહ્યા છે.
• આંતરડા - જઠરના બેક્ટેરિયા અને પાર્કિન્સન્સ વચ્ચે સંબંધ
આંતરડા અને જઠરમાં રહેલા બેક્ટેરિયાના બંધારણ અને પ્રમાણની અસમતુલા પાર્કિન્સન્સ (કંપવા) રોગ થવામાં ફાળો આપતા હોવાનું માનવો પરના અભ્યાસમાં જણાયું છે. બર્મિંગહામની યુનિવર્સિટી ઓફ અલાબામા ખાતે ન્યૂરોલોજી એન્ડ જિનેટિક્સના પ્રોફેસર ડો. હૈડેહ પાયામીના વડપણ હેઠળ નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રસિદ્ધ અભ્યાસ દર્શાવે છે કે પાર્કિન્સન્સ રોગ ધરાવતા લોકોમાં જઠર-આંતરડાના માઈક્રોબાયોટા (બેક્ટેરિયા)નું બેલેન્સ જોવા મળતું નથી. ચેતાતંત્રની રીતે તંદુરસ્ત વ્યક્તિઓની સરખામણીએ આવા લોકોમાં બેક્ટેરિયાની પ્રજાતિઓ, વર્ગ, ચેતામાર્ગ અને તેમની કામગીરીમાં 30 ટકા જેટલો તફાવત હોય છે.
કંપવાના દર્દીઓમાં સોજા - બળતરા સાથે સંકળાયેલી તકવાદી પેથોજન્સની પ્રજાતિઓનું અતિ પ્રમાણ જોવા મળે છે. આ પરિણામો અત્યાર સુધી પ્રાણીઓના અભ્યાસોના તારણોને પ્રમાણિત કરે છે અને આ રોગને આગળ વધવામાં બેક્ટેરિયાની કામગીરીના વધુ પરીક્ષણોની તક આપે છે.