શું શિયાળામાં ખરેખર વધુ ઊંઘની જરૂર ખરી?
આપણા આરોગ્ય માટે ઊંઘ મહત્ત્વનું પરિબળ છે અને યોગ્ય ઊંઘ શરીરની તંદુરસ્ત કામગીરી અને સાજા થવાની પ્રક્રિયાને આગળ વધારે છે. દરેકને ઊંઘની જરૂર રહે છે પરંતુ, અંગત જરૂરિયાત જુદીજુદી હોઈ શકે છે. માનવીની ઊંઘની જરૂરિયાત મૌસમને આધારિત અલગઅલગ પ્રકારની રહે છે. ફ્રન્ટિયર્સ ઈન ન્યૂરોસાયન્સમાં પ્રકાશિત તાજેતરના અભ્યાસ અનુસાર કુદરતી ઊંઘના ચક્રના મહત્ત્વના ઘટક રેપિડ આઈ મૂવમેન્ટ (REM) શિયાળાના મહિનાઓની ઊંઘ દરમિયાન વધુ હોવાનો લોકોનો અનુભવ છે. ઋતુઓમાં ઊંઘની પેટર્નને કયા પરિબળો અસર કરે છે તે સમજવા સંશોધકો કાર્યરત છે. REM સ્લીપમાં સ્વપ્ના વધુ આવે છે અને તે પછી ધીરેધીરે ગાઢ નિદ્રામાં સરી પડાય છે. ઉનાળાની સરખામણીએ શિયાળામાં ઊંઘનું પ્રમાણ વધુ રહે છે. યોગ્ય પ્રમાણમાં REM સ્લીપ મળે તે માટે લોકોએ શિયાળાના મહિનાઓમાં તેમની ઊંઘની પદ્ધતિ વિશે વધુ સાવધ રહેવાની જરૂર પડી શકે તેમ સંશોધકો માને છે.
વધુ પડતાં નાઈટ્રેટ્સ લેવાથી ડાયાબિટીસનું વધતું જોખમ
જીવનશૈલીની ખરાબ આદતો અને ખોરાક પર ધ્યાન નહિ અપાવાથી આજકાલ ડાયાબિટીસનો રોગ વધી રહ્યો છે અને તેના પરિણામે આરોગ્યની અન્ય સમસ્યાઓ પણ સર્જાય છે ત્યારે સંશોધકોએ ટાઈપ 2ડાયાબિટીસ થવામાં ભૂમિકા ભજવતા પરિબળોની તપાસ આદરી છે. PLOS Medicine માં પ્રકાશિત તાજેતરના અભ્યાસ મુજબ ટાઈપ 2ડાયાબિટીસનું જોખમ વધારવામાં નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સનો ફાળો મોટો રહેલો છે. યુકે તેમજ અન્ય દેશોમાં પ્રોસેસ્ડ માંસ, બેકન, હેમ અને સોસેજ જેવાં ખાદ્યપદાર્થોની જાળવણી અને તેમને ગુલાબી રાખવા માટે તેમજ આવા ખાદ્યપદાર્થોની શેલ્ફ લાઈફ વધારવા માટે પણ નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સ એડિટિવ્ઝ તરીકે ઉમેરવામાં આવે છે. આહાર અને જળસ્રોતોમાં નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સના તત્વો મળતાં હોય છે. આ અભ્યાસમાં આ તત્વોના ઉપયોગના લાભ અને ગેરલાભ પર ભાર મૂકાયો હતો. યુકેમાં આશરે 50 લાખ લોકોને ડાયાબિટીસ છે અને તેમાંથી 90 ટકા ટાઈપ 2ડાયાબિટીસથી પીડાય છે. સંશોધકોએ ફ્રાન્સમાં 100,000 થી વધુ લોકો પાસેથી છેક 2009થી મેળવાતા રહેલા હેલ્થ ડેટાની ચકાસણી કરી હતી.