સ્માર્ટફોનની એપથી જીવલેણ સ્ટ્રોકની ચેતવણી
આજકાલના યુગમાં સ્માર્ટફોન વળગણ બની ગયેલ છે પરંતુ, તેના અનેક લાભ પણ છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નીઆના ડો. રાડોસ્લાવ રેશેવના જણાવ્યા મુજબ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી સ્માર્ટફોનની એપ ચહેરાની એકલયતા, હાથમાં નબળાઈ અને બોલવામાં પડતી તકલીફ સહિત સ્ટ્રોકના લક્ષણો પારખી શકે છે. સંશોધકોએ એપ થકી સ્ટ્રોકના 240 પેશન્ટ્સના વીડિયોઝનું વિશ્લેષણ કર્યું હતું અને એપ દ્વારા ત્વરિત અને ચોક્કસ નિદાન કરાયું હતું. મશીન લર્નિંગની આ ઉભરતી ટેકનોલોજી સ્ટ્રોકના લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં પેશન્ટ્સને મદદરૂપ બનશે. દર વર્ષે આશરે 100,000 બ્રિટિશરો સ્ટ્રોકનો શિકાર બને છે તેમાંથી 35,000 જેટલા મોતને ભેટે છે. મગજને મળતો લોહીનો પુરવઠો અટકી જવાથી તેને ઓક્સિજન મળતો બંધ થાય છે અને સ્ટ્રોક આવે છે. મોટા ભાગના કિસ્સામાં લોહી ગંઠાઈ જવાથી બ્લડ ક્લોટ્સના કારણે આમ થાય છે પરંતુ, નબળી પડી ગયેલી રક્તવાહિનીઓ ફાટી જવાથી પણ બ્લડ સપ્લાયને અસર થાય છે. હાઈ બ્લડ પ્રેશર, ઊંચા કોલેસ્ટરોલ, ડાયાબિટીસ અને હૃદયના અનિયમિત ધબકારા સાથેના લોકોને સ્ટ્રોકનું વધુ જોખમ રહે છે. સ્ટ્રોકમાં ચહેરો ઉતરી જવો, હસવામાં તકલીફ, નબળાઈ અથવા સંવેદના ન રહેવાથી હાથ ઉઠાવવામાં તકલીફ તેમજ બોલવામાં અસ્પષ્ટતા સહિતના લક્ષણો જોવા મળે છે.
એસ્પિરીનના હળવા ડોઝથી પણ વયોવૃદ્ધોને સ્ટ્રોકનું જોખમ
લોકો કોઈ પણ તાવ, દુઃખાવા કે આરોગ્ય સમસ્યા માટે પીડાશામક એસ્પિરીનની ગોળી ગળી લેતા હોય છે પરંતુ, તાજેતરના અભ્યાસ મુજબ વયોવૃદ્ધ લોકોમાં નિયમિત એસ્પિરીનનો હળવો ડોઝ પણ મગજમાં બ્લીડિંગ અથવા ઈન્ટ્રાક્રેનિઅલ હેમરેજિક સ્ટ્રોકનું જોખમ 38 ટકા જેટલું વધારે છે. સ્ટ્રોકના જોખમ અને એસ્પિરીનના નિયમિત હળવા ડોઝ વચ્ચે સંબંધ દર્શાવતો અભ્યાસ JAMA Geriatricsમાં પ્રસિદ્ધ કરાયો છે જેમાં ડોક્ટર્સને સલાહ અપાઈ છે કે સ્ટ્રોક અટકાવવા એસ્પિરીન પ્રીસ્ક્રાઈબ કરતા પહેલા પેશન્ટ્સની કાર્ડિયોવાસ્કુલર અને હેડ ટ્રોમાના જોખમોનાં પરીક્ષણો કરાવી લેવાં જોઈએ. મગજમાં લોહી પહોંચતું અટકે ત્યારે સ્ટ્રોક આવે છે જેને ઈશ્કેમિક સ્ટ્રોક કહેવાય છે અને મગજમાં અચાનક રક્તસ્રાવ થાય તેને હેમરેજિક સ્ટ્રોક કહેવાય છે. અન્ય અભ્યાસો એમ જણાવે છે કે એસ્પિરીનનો હળવો ડોઝ કદાચ સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે પરંતુ, પરીક્ષણો દર્શાવે છે કે નિયમિત હળવા ડોઝ લેવાથી ઈન્ટ્રાક્રેનિઅ અને ઈન્ટ્રાસેરેબ્રલ હેમરેજ એટલે કે ખોપરી અને મગજમાં રક્તસ્રાવનું જોખમ વધી શકે છે. વૃદ્ધ લોકોમાં રક્તવાહિની અતિ પાતળી અને નાજૂક બની જવાથી હેમરેજની સંભાવના વધી જાય છે. આ જ રીતે, પડવા-આખડવા કે અન્ય અકસ્માતોથી તેમને ફ્રેક્ચર્સ અને ટ્રોમાનું જોખમ વધી જાય છે.