લાઇફસ્ટાઇલ સુધારવી છે એવું નક્કી કર્યા પછી શું કરવું એ ન સમજાતું હોય તો મોટામોટા દાવા કરતા ટ્રેન્ડી ડાયેટના રવાડે ચડવાને બદલે રોજ દિવસમાં બે શાક, બે ફળ, બે લીટર પાણી અને દિવસમાં બે ટાઇમ 30 મિનિટનો વોક ઉમેરી દો. સ્વાસ્થ્ય જાળવવાનો આ સિમ્પલ અને સરળ ફંડા તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એ નિષ્ણાત પાસેથી જાણીએ...
જો તમારા પેટ ફરતે ચરબીનાં ટાયર જામવાની શરૂઆત થઈ ગઈ હોય, બેઠાડુ જીવનશૈલીને કારણે કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ બોર્ડર લાઇન પર દસ્તક દઈ રહ્યાં હોય અને ફેમિલી ડોકટરે અલ્ટિમેટમ આપી દીધું હોય કે હવે જાગી જાઓ. આ સુચનાઓની ઉપેક્ષા કરવાનું ભારે પડી શકે છે. લાઇફમાં હેલ્ધી બદલાવ નહીં કરો તો મુસીબત થશે. જો આવા સમયે અનહેલ્ધી ઈટિંગ હેબિટ છોડવાનું અઘરું પડતું હોય તો આજકાલ ટ્રેન્ડમાં છે એ 2+2+2+2નો ડાયેટ મંત્ર ફોલો કરવા જેવો ખરો. આ મેથડ બહુ લોકપ્રિય થઈ છે એનું મુખ્ય કારણ છે એની સિમ્પ્લિસિટી. કશું જ કોમ્પ્લિકેટેડ વિચારવાની કડાકૂટ કરવાની જરૂર નથી.
શું છે આ અનોખી પદ્ધતિ?
આ એક સિમ્પલ ડાયટરી ઇકવેશન છે. ચાર વખત જે બેનો આંકડો છે એ દરેક બેનો આંકડો અલગ અલગ ચીજને રિપ્રેઝન્ટ કરે છે જે તમારે રોજિંદા જીવનમાં રોજેરોજ ઉમેરવાની છે. એમાં છે 2 પ્રકારનાં શાક, 2 પ્રકારનાં ફળ, 2 લીટર પાણી અને રોજ 2 વાર મિની એકસરસાઇઝ. આજકાલ હેલ્થ કોન્શિયસ બનતા જતા લોકો આ મેથડ ફોલો કરીને પોતાની લાઇફસ્ટાઇલ હેલ્ધી બનાવી રહ્યા છે અને વજનને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. દરેક ભોજનની થાળીમાં ઓછામાં ઓછા બે પ્રકારનાં શાક હોવાં જોઈએ. દિવસમાં બે પ્રકારનાં સીઝનલ ફળ મિની બ્રેકફાસ્ટમાં લેવાં જ જોઈએ. રોજ ઓછામાં ઓછું બે લીટર પાણી પીવું જોઇએ અને 30 મિનિટનો વોક દિવસમાં બે વાર અચૂક લેવો જ જોઇએ. બે વત્તા બે વાળા આ સમીકરણથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદો થશે એ વિશે નિષ્ણાત પાસેથી સમજીએ.
બે શાક શા માટે?
શાકમાં ફાઇબર ભરપૂર હોય છે અને એમાં શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર મળી રહે છે. લીલી શાકભાજી તો હંમેશાં ખાવી જ જોઈએ. કઈ રીતે એ ભોજનમાં સમાવી શકાય એ વિશે ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે બે શાક ખાવા માટે સલાડ, લીલાં શાક અને સૂપ સૌથી સારા ઓપ્શન છે. શાકમાં તમે તમારાં મનપસંદ શાક ખાઈ શકો છો. કાચા સલાડમાં કાકડી, ટમેટાં, ગાજર, કોબી, કેપ્સિકમ વગેરે મરજી મુજબ લઇ શકાય. કોઈ પણ શાક ઓછા તેલમાં બનાવીને કે બાફીને લઈ શકાય છે. શાક ઓછાં ભાવતાં હોય તો સૂપ સારો ઓપ્શન છે. શાકની સાથે દાળ પણ લેવી જરૂરી છે. દૂધી-ચણાની દાળ, મગની દાળ અને તૂરિયાં કે પાલક બનાવીને ખાવાથી શાકનાં ન્યુટ્રિશન્સ અને ફાઇબર અને દાળના પ્રોટીનનો ફાયદો મળે છે.
બે ફળ શા માટે?
આ પદ્ધતિમાં દરરોજ બે ફળ ખાવાનું સૂચન કરવામાં આવ્યું છે. 250થી 300 ગ્રામ ફ્રૂટ દરરોજ ખાવું જરૂરી છે એમ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે ફળમાંથી જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ, ફાઇબર અને એન્ટિઓકિસડન્ટ મળે છે જે તમારી હેલ્થ સારી કરે છે અને વજનને વધતું અટકાવવામાં મદદરૂપ થાય છે. તમને ભાવતાં કોઈ પણ બે મોસમી ફળો તમે ખાઇ શકો છો. જો શક્ય હોય તો કાળજી લો કે આયર્ન રિચ ફ્રૂટ સાથે વિટામિન સી રિચ ફ્રૂટનું કોમ્બિનેશન ગોઠવાય. આ એક સારું હેલ્ધી કોમ્બિનેશન બનશે. જેમ કે કલિંગર અને અનાનસ અથવા સ્ટ્રોબેરી સાથે સંતરું કે મોસંબીનું કોમ્બિનેશન કરવું સારું છે. બને તો રોજ એકનાં એક બે ફ્રૂટ ખાવાને બદલે એમાં પણ વેરાયટી ઉમેરવી જરૂરી છે.
2 લીટર પાણી શા માટે?
આપણા શરીરમાં 60 ટકા પાણી છે એટલે પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે એમ જણાવતાં નિષ્ણાતો કહે છે કે દરેકે શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. આથી જ આ મેથડમાં બે લીટર પાણી પીવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બે લીટર પાણી પીવાના ફાયદા એ છે કે તમારામાં એનર્જી લેવલ જળવાય રહે છે, શરીરમાંથી ટોકિસક વેસ્ટ ભાર નીકળી જાય છે, શરીરનું તાપમાન જળવાય છે, ખોરાક દ્વારા મળેલાં ન્યુટ્રિઅન્ટ્સ આખા શરીરમાં બરાબર ટ્રાવેલ કરી શકે છે અને ખોટી ભૂખ પણ કાબૂમાં રહે છે.
બે ટાઇમ વોક શા માટે?
હેલ્ધી લાઇફસ્ટાઇલમાં જેટલું મહત્ત્વ ડાયેટનું છે એટલું જ મહત્ત્વ એકસરસાઇઝનું પણ છે. હેલ્થ સારી રાખવા માટે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એકિટવિટી કરવી જરૂરી છે, જેનાથી શરીરમાં લચીલાપણું રહે છે અને હાડકાં અને સાંધાનું રક્ષણ થાય છે. બધા જ કરી શકે એવી સહેલી એકિટવિટી છે વોક એટલે આ સિમ્પલ મેથડમાં બે વાર 30-30 મિનિટ ચાલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી હાર્ટ ફંકશન સારું થાય છે અને મોર્નિંગ, ઈવનિંગ કે નાઇટ વોક કરવાથી કેલરી બર્ન થાય છે અને મૂડ પણ સારો રહે છે. શક્ય હોય તો બ્રિસ્ક વોક કરો. જોગિંગ કરો તો ખાલી પેટે કરવું વધુ હિતાવહ છે અને બપોરે તથા રાત્રે જમ્યા બાદ તમે લટાર મારવા જાવ તો સ્લો વોક કરી શકો છો. એનાથી બ્લડશુગર લેવલ જળવાઈ રહે છે. હંમેશાં સવારની ફ્રેશ એરમાં કરેલું મોર્નિંગ વોક વધુ સારું ગણાય છે. પણ હા, સમયનો અભાવ હોય તો ગમે ત્યારે તમે બે વાર 30- 30 મિનિટ ચાલો એ જરૂરી છે. અને જો આ રીતે પણ સમય ના ફાળવી શકતા હો તો એક સાથે નહીં પણ 10 મિનિટ કે 15 મિનિટ ફોન પર વાત કરતાં કે કોઈ નાનું મોટું કામ કરતાં કે ઘરમાં જ ટીવી જોતાં ચાલી લો. મૂળ વાત છે ચાલવું. આ મેથડ હેલ્ધી લાઇફસ્ટાઇલની શરૂઆત માટે સારી છે, પણ જો તમારે વધુ વજન ઘટાડવાનું હોય કે પછી હેલ્થ-રિલેટેડ બીજા પ્રોબ્લેમ્સ પણ હોય અને એ દૂર કરવા માટે ડાયેટિંગ કરવાનું તમને કહેવામાં આવ્યું હોય તો આ મેથડ પૂરતી નથી એવું જણાવતાં નિષ્ણાતો કહે છે કે વેઇટલોસ માટે ફ્રૂટ-વેજિટેબલ સાથે ઓવરઓલ ડાયેટ, કેલરી ઇન્ટેક, પોર્શન સાઇઝ, પર્સનલ હેલ્થ, મેટાબોલિઝમ રેટ વગેરે પર ધ્યાન આપવું જરૂરી છે.
હંમેશાં જ્યાં જાઓ ત્યાં પાણીની બોટલ સાથે રાખો. દિવસમાં સવારે બ્રેકફાસ્ટમાં એક ફ્રૂટ અચૂક લો અને બીજું ફ્રૂટ સાથે રાખો અને જ્યારે ભૂખ લાગે ત્યારે કોઈ તળેલા-મસાલેદાર બિનઆરોગ્યપ્રદ નાસ્તાની જગ્યાએ ફ્રૂટ ખાઓ અથવા રો વેજિટેબલ્સ જેમ કે, કાકડી, ટમેટાં, ગાજરની સ્ટિકસ વગેરે ખાઓ. તમે આખા દિવસ દરમિયાન શું ખાઓ છો અને કેટલું ખાઓ છો એ પ્રત્યે સજાગ રહેશો તો તન અને મન હેલ્ધી રહેશે.