હેલ્ધી લાઈફસ્ટાઈલ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી લઇને નાનીમોટી અનેક બીમારીઓનું જોખમ ઘટાડે છે. તમારું ભોજન, તમારા મિત્રો, સ્ટ્રેસને મેનેજ કરવાની ક્ષમતા લાઈફસ્ટાઈલનો ભાગ છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે ક્યા પાંચ પરિબળો તમારે અપનાવવા જોઇએ તે માટે માટે વાંચો આગળ... તમે પણ સારી જીવનશૈલી અપનાવીને સદાબહાર સ્વાસ્થ્ય મેળવી શકો છો...
1) પૌષ્ટિક આહાર
ભોજનમાં ફળ અને આખા અનાજનું પ્રમાણ વધારો
હેલ્ધી ડાયેટમાં શાકભાજી, ફળ, નટ્સ, આખું અનાજ અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા પદાર્થ સામેલ હોય છે. જો તમારે સારું સ્વાસ્થ્ય હંમેશ માટે જાળવવું હોય તો માંસ, શુગરવાળા ડ્રિન્કથી બચવું જોઈએ. ફળ અને શાકભાજીમાં તમારા શરીર માટે આવશ્યક વિટામિન અને ખનીજ પૂરતા પ્રમાણમાં હોય છે. દરરોજના ભોજનમાં ફળો અને શાકભાજીનો સમાવેશ આપણને હેલ્ધી બનાવે છે. સાથે જ પાણી ભરપૂર પીવો. પાણી શરીરમાં પોષક તત્ત્વો અને ઓક્સિજન પહોંચાડવા માટે પણ જરૂરી છે.
2) પોઝિટિવિટી
હંમેશા સારું વિચારો, નકારાત્મક વિચારોથી દૂર રહો
તંદુરસ્ત જીવન માટે સકારાત્મક માનસિકતા હોવી જરૂરી જ નહીં, અતિ આવશ્યક છે. અનેક મેડિકલ રિસર્ચના તારણ જણાવે છે કે નેગેટિવિટી (પેટ ભરાયેલું હોવા છતાં) વધુ ખાવાની પ્રવૃત્તિ વધારે છે. વ્યક્તિ ભોજનમાં ખુશી શોધવા લાગે છે, જેનાથી સ્થૂળતા વધે છે. નેગેટિવ વિચારો જ આલ્કોહોલ અને સિગારેટ જેવી લતોનું કારણ બની શકે છે. આથી હંમેશા પોઝિટિવ રહો.
3) સ્ટ્રેસ મેનેજમેન્ટ
દરરોજ યોગ કરો, મિત્રો સાથે વાતો કરો
શારીરિક અને ભાવનાત્મક એમ બન્ને પ્રકારનો માનસિક તણાવ તમારા બ્લડ શુગરના સ્તરથી લઇને બ્લડ પ્રેશરને વધારે છે. માનસિક તણાવથી ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ સૌથી વધુ વધી જાય છે. તેનાથી બચવા માટે યોગ અને મેડિટેશન અપનાવવું જરૂરી છે. મિત્રો સાથે દરરોજ 5-10 મિનિટ વાતો કરવી એ પણ તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલમાં સામેલ હોવું જ જોઈએ. કામની ગમેતેવી વ્યસ્તતા કેમ ના હોય પણ મિત્રો માટે અવશ્ય સમય ફાળવો.
4) નિયમિતતા
ધીમે-ધીમે જમો અને 15 મિનિટ તડકો ખાઓ
એક વાત હંમેશા યાદ રાખશો કે તમારે કેટલું ભોજન આરોગવાનું છે એ મગજ નક્કી કરે છે, પેટ નહીં. ધીમે-ધીમે જમવાથી મગજને પેટને સંદેશો મોકલવાનો પૂરતો સમય મળે છે કે તેણે કેટલું જમવાનું છે. તેનાથી સ્થૂળતાનું જોખમ ઓછું થાય છે. સાથે જ શક્ય હોય ત્યાં સુધી 15 મિનિટ તડકામાં અવશ્ય પસાર કરો. સૂર્યનો પ્રકાશ તમારા શરીરને મેલેનિન વધારવામાં મદદ કરે છે. તેનાથી રાત્રે ઊંઘ સારી આવે છે. અને હા, ખાવાપીવાનું હોય કે સૂવાનું હોય, નિયમિતતા જરૂર જાળવો.
5) કસરત
બેઠાડું જીવન ટાળો, શરીરને સક્રિય રાખો
ચાર અક્ષરનો આ શબ્દ વાંચીને એવું ન વિચારશો કે તમારે જીમ જોઇન કરવાનું છે કે વેઇટલિફ્ટીંગ કરવાનું છે. અહીં કસરતનો અર્થ છે તમારા શરીરને માફક આવે તેવો વ્યાયામ. બેઠાડું જીવન ટાળશો અને શરીરને શક્ય તેટલું સક્રિય રાખશો તો અનેક શારીરિક-માનસિક આધિ-વ્યાધિ ટાળી શકશો. શક્ય હોય તો ગાર્ડનમાં કે ખુલ્લી જગ્યામાં વોક લેવા જાવ, બ્રિસ્ક વોક કરો. આમાં મુશ્કેલી હોય તો ઘરમાં જ કે બેકયાર્ડમાં વોક લો. હાથપગની કસરત કરો. જો ઉભા રહેવામાં તકલીફ થતી હોય તો બેઠાં બેઠાં જ હાથ-પગ લાંબા ટૂંકા કરો. જે કંઇ કરો તે નિયમિતતા સાથે કરો. આનાથી તમારા સ્નાયુને જકડાઇ જતા અટકાવી શકશો.