લંડનઃ NHS હોસ્પિટલોમાં પથારીઓમાં દર્દીઓને પીઠમાં પડતાં છાલાં (BED SORES) ના લીધે જંગી વળતર ચુકવવું પડે છે. ગયા વર્ષે બેડસોરના દાવાઓમાં વળતર તરીકે ૧૦.૩ મિલિયન પાઉન્ડની વિક્રમી ચુકવણી કરવી પડી હતી. આ ઉપરાંત, કાનૂની ખર્ચ તરીકે વધારાના ૧૦.૫ મિલિયન પાઉન્ડ ચુકવવાના થયા હતા. આ કુલ રકમ સાપ્તાહિક ધોરણે આશરે ૪૦૦,૦૦૦ પાઉન્ડ થવા જાય છે.
દર્દીઓ પથારીઓમાં લાંબા સમય સુધી હલનચલન કરી ના શકે, ઊભા ન થઈ શકે કે તેમનું વજન ફેરવી ન શકે ત્યારે પીઠ તેમજ હાથ-પગમાં છાલાં પડી જાય છે, જે વકરી શકે છે. NHSની હોસ્પિટલોમાં ગયા વર્ષે દર્દીના અવયવને કાપી નાખવા પડે તેવા ૧૦ કેસ સહિત સંખ્યાબંધ કેસમાં સમાધાન કરાયું હતું. સરેરાશ વળતરનો ચેક આશરે ૩૭,૦૦૦ પાઉન્ડનો હતો.
ફ્લોરેન્સ નાઈટિંગલે ૧૫૦થી વર્ષ પહેલાં કહ્યું હતું કે છાલાં સાથેનો દર્દી નર્સિંગ સુશ્રુષામાં નિષ્ફળતા છે કારણકે આવી હાલત ન થાય તે માટે દર્દીને નિયમિત પથારીમાં ફેરવતાં રહેવું પડે છે. સતત સૂઈ રહેવાની સ્થિતિમાં પીઠ પર દબાણના કારણે ત્વચામાં રક્તપ્રવાહ ખોરવાય છે, જેથી તેને ઓક્સિજન અને પોષકદ્રવ્યો ન મળવાથી છાલાં કે કાણાં જેવું થાય છે, જે ઘણી વખત છેક હાડકાં સુધી પહોંચી જાય છે.