લંડનઃ તણાવ અથવા ચિંતાતુરતાના કારણે બીમારીની રજા લેનારા પોલીસ ઓફિસર્સની સંખ્યામાં ગત વર્ષમાં ૭૭ ટકાનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષમાં આશરે ૧૦,૦૦૦ પોલીસ અધિકારીએ સ્ટ્રેસ અથવા એંગ્ઝાઈટીના કારણે રજા લીધી હતી, જે સંખ્યા ઈતિહાસમાં સૌથી વધુ છે. દેશમાં ૧૨૨,૦૦૦ પોલીસ અધિકારી છે તેને ધ્યાનમાં લેતાં ૧૨માંથી લગભગ એક અધિકારી નોકરીનાં તણાવના લીધે બીમારીની રજા ભોગવે છે.
માર્ચ ૨૦૧૪ સુધીના વર્ષમાં ૫,૪૬૦ ઓફિસરે સ્ટ્રેસ, ડિપ્રેશન, એંગ્ઝાઈટી અને પોસ્ટ-ટ્રોમેટિક ડિસઓર્ડરના કારણે બીમારીની રજા લીધી હતી, જે સંખ્યા માર્ચ ૨૦૧૮ સુધીના વર્ષમાં વધીને ૯,૬૭૨ થઈ હતી. નોટિંગહામશાયર, ડોરસેટ અને એસેક્સના પોલીસ દળોએ ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન વિનંતીનો ઉત્તર આપ્યો ન હતો. આથી, આંકડો ૧૦,૦૦૦થી વધુ હોવાની શક્યતા છે.
ગત વર્ષે આવી રજા લેનારા અધિકારીઓની સૌથી વધુ સંખ્યા ૧૦૮૬ મેટ્રોપોલીટન પોલીસની છે. આ પછી, માન્ચેસ્ટર (૭૨૦), વેસ્ટ મિડલેન્ડ્સ (૬૦૧) આવે છે. વિલ્ટશાયર અને ડરહામમાં સૌથી ઓછા ૭૦ અધિકારીએ આ કારણે રજા લીધી હતી. અપરાધો સતત વધી રહ્યા છે ત્યારે પોલીસની પ્રેશર કૂકર જેવી નોકરીમાં આઘાતજનક ઘટનાઓનો સામનો કરવાનો આવે છે, જેના કારણે અધિકારીઓ ભાંગી પડે છે.