લંડનઃ બ્રિટિશ સરકાર મહિલાઓને સર્વાઈકલ કેન્સર માટે નિયમિત જીવનરક્ષક તપાસ કરાવવા સતત અનુરોધ કરી રહી છે ત્યારે ૧૦૦,૦૦૦ સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટના પરિણામોનો બેકલોગ હોવાનું કૌભાંડ નેશનલ ઓડિટ ઓફિસની તપાસમાં બહાર આવ્યું છે. પ્રોસીજરમાં ફેરફાર થવાના કારણે કેટલીક મહિલાઓ ચાર મહિના જેટલા સમયથી પરિણામોની રાહ જોઈ રહી છે. ગયા વર્ષે માત્ર ૩૩ ટકા પેશન્ટ્સને નિયમાનુસાર બે સપ્તાહ પછી તેમના પરીક્ષણોના પરિણામ મળી શક્યાં હતાં.
આ તારણોથી NHS સ્ક્રીનિંગ કાર્યક્રમોની મોટી ભૂલો બહાર આવી છે, જેનો અર્થ એમ થાય છે કે હજારો મહિલાઓને સ્તન કે સર્વાઈકલ સ્ક્રીનિંગ માટે બોલાવાઈ જ નથી. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા નવા જાગૃતિ અભિયાન પછી પણ આ સ્થિતિ છે. દર વર્ષે આશરે ૩,૨૦૦ બ્રિટિશ મહિલાને સર્વાઈકલ કેન્સરનું નિદાન થાય છે, જેમાંથી ૧,૦૦૦ આ રોગથી મોતને ભેટે છે. નિષ્ણાતો કહે છે કે સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ વિના દર વર્ષે વધુ ૨,૦૦૦ મહિલા મોતનો શિકાર બની હોત.
નેશનલ ઓડિટ ઓફિસ રિપોર્ટ મુજબ સ્તન, આંતરડા અને સર્વાઈકલ કેન્સર સંબંધિત કોઈ કાર્યક્રમો કેટલા લોકોનું પરીક્ષણ થવું જોઈએ તેના નેશનલ કવરેજ ટાર્ગેટ્સને પહોંચી શક્યા નથી. રિપોર્ટ એમ પણ કહે છે કે ૯૮ ટકા મહિલાને ૧૪ દિવસમાં સ્ક્રીનિંગ પરિણામો મળવા જોઈએ, જે લક્ષ્ય નવેમ્બર ૨૦૧૫થી પાર પડ્યું નથી.
બીજી તરફ, NHS ઈંગ્લેન્ડનું કહેવું છે કે સર્વાઈકલ કેન્સરના ૯૫ ટકા કેસીસ માટે જવાબદાર હ્યુમન પેપિલોમા વાઈરસ (HPV)ના નવા પરીક્ષણો શરુ કરાયાના લીધે આ બેકલોગ સર્જાયો છે, જેમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં ૧૫૦,૦૦૦થી વધુ પેશન્ટે પરિણામોની રાહ જોવી પડી હતી અને નવેમ્બરમાં આ આંકડો ૯૮,૦૦૦નો હતો. મહિલાએ હવે સ્મીઅર ટેસ્ટ અગાઉ HPVનો ટેસ્ટ કરાવવો પડે છે, જે માટે નવા સાધનો અને લેબોરેટરી સેટ-અપ્સની જરૂર રહે છે.