નવી દિલ્હી, તા. ૧૩ઃ કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં ડરનો માહોલ ફેલાયો છે. દર્દીઓની સંખ્યા દિવસ-રાત વધી રહી હોવાથી સામાન્ય લોકો ખૂબ ચિંતાતુર છે. આવા સમયે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દેનાર સ્પેનિશ ફ્લુની બીમારીની યાદ તાજી થઇ જવી સ્વાભાવિક છે.
સ્પેનિશ ફ્લુના કેસ સૌપ્રથમ ૧૯૧૮માં અમેરિકામાં જોવા મળ્યા હતા. આ પછી સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લેનાર સ્પેનિશ ફ્લુ કુલ વસ્તીના ૧.૭ ટકા લોકોને ભરખી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે તે સમયે દુનિયા આજની માફક એકબીજા સાથે જોડાયેલી નહોતી અને એક દેશથી બીજા દેશ જવા માટે માત્ર સમુદ્રી માર્ગો જ ઉપલબ્ધ હતા. તેમ છતાં આ બીમારી ખૂબ ઝડપથી ફેલાઈ હતી. આ બીમારીનું નામ સ્પેનિશ ફ્લુ ભલે હોય, પરંતુ તેની શરૂઆત સ્પેનમાં થઈ નહોતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સ્પેન તટસ્થ રહ્યું હતું. આ બીમારી તેના સુધી પહોંચી ત્યારે તેણે તેના સમાચાર દબાવવાના બદલે જાહેર કર્યાં હતા. આથી તેનું નામ ફ્લુ સાથે જોડાયું હતું. વિશ્વયુદ્ધમાં સામેલ દેશોએ પોતાના સૈનિકોનું મનોબળ તૂટે નહીં અને પોતે કમજોર ન જણાય માટે ફ્લુના સમાચાર છૂપાવી રાખ્યા હતા.
એક થિયરી પ્રમાણે ફ્રાંસ કે અમેરિકા ખાતે આવેલા બ્રિટિશ આર્મી બેઝથી સ્પેનિશ ફ્લુની શરૂઆત થઈ હતી. જોકે, તાજેતરની એક નવી થિયરી પ્રમાણે ૧૯૧૭ના અંતમાં નોર્ધર્ન ચીન ખાતેથી સ્પેનિશ ફ્લુનો ઉદ્ભવ થયો હતો. ફ્રાંસ અને બ્રિટિશ સરકારે એક લાખ ચીની મજૂરોને નોકરી પર રાખ્યા હોવાથી તે બીમારી તેમની સાથે પશ્ચિમી યુરોપમાં પહોંચી હતી અને ત્યાંથી અલાસ્કા સુધી વિસ્તરી હતી. આશરે બે વર્ષ સુધી સ્પેનિશ ફ્લુએ કાળો કેર વર્તાવ્યો હતો અને આશરે ચારથી પાંચ કરોડ લોકો તેના કારણે મૃત્યુ પામ્યા હતા.
સ્પેનિશ ફ્લુના કારણે મૃત્યુ પામનારાઓના આંકડાઓ અંગે આજે પણ વિભિન્ન મત પ્રવર્તે છે પરંતુ તેના કારણે તે સમયની કુલ વસ્તીના ૧.૭ ટકા લોકો મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન છે. આ બીમારીની શરૂઆત સૈનિકોથી થઈ હોવાનું માનવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સૈનિકોના બંકરો આસપાસ ખૂબ જ ગંદકી રહેતી જેથી તે સૈનિકોમાં ફેલાઈ અને સૈનિકો પોતાના દેશ પરત ફર્યા ત્યારે બીમારીને પોતાને દેશ સાથે લેતા ગયા.