૧૦૨ વર્ષના દાદીમાએ કોરોના વાઇરસને હરાવ્યો

Friday 23rd April 2021 05:00 EDT
 
 

ભાવનગરઃ શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત પહોંચી ગયા છે. માત્ર રાજ્યમાં જ નહીં, સંભવત સમગ્ર દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં આટલી મોટી ઉંમરના દર્દીએ કોરોનાને પરાજ્ય આપ્યો હોય. આ ઘટનાથી તબીબી જગત પણ આશ્ચર્યચકિત છે. રાણીબહેનને હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે તબીબો અને નર્સીંગ સ્ટાફે તાળીઓ વગાડીને તેમને ઉષ્માસભર વિદાય આપી હતી.
ભાવનગર શહેરના તળાજા રોડ પર રહેતા રાણીબહેન કોજાણી (૧૦૨)ની તબિયત નરમ હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેમને ગત બીજી એપ્રિલે શહેરની સર તખતસિંહ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોવાથી તેમને નવ દિવસ સુધી ઓક્સિજન પર રાખવા પડ્યા હતા. તબિયતમાં સુધારો થયા બાદ ઓક્સિજન હટાવી લેવાયો હતો અને ત્રણ દિવસ બાદ તેઓ સ્વસ્થ થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાણીબહેનની સારવાર કરનાર તબીબી ટીમનું કહેવું છે કે આટલી ઉંમરે પણ તેઓ દરેકને ખુશ જોવા ઇચ્છે છે. તેમના ચહેરા પર ક્યારેય કોરોનાનો ડર જોવા નહોતો મળ્યો. તેઓ હસતા હસતા ઘરે જવા રવાના થયા હતા.
લાખોમાં એકાદો કેસ
સર તખતસિંહ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ કહે છે કે ૧૦૦ વર્ષ કરતાં પણ મોટી ઉંમરે કોરોનાને માત આપનારા લાખોમાં એકાદ-બે જ હોય છે. રાણીબહેનની ઉંમર વધુ ઉંમરના હોવાના કારણે સારવાર કરવાનું થોડુંક મુશ્કેલ હતું, પણ તબીબોની સેવાભાવના અને રાણીબહેનના દૃઢ મનોબળના કારણે જ આ શક્ય બન્યું છે. આ કેસથી તબીબી ક્ષેત્ર આશ્ચર્યચકિત છે.
૭૦ વર્ષથી મોટી વયનાને ભારે પડે છે કોરોના
તબીબોનું કહેવું છે કે ૭૦ વર્ષથી મોટી વયના જે લોકોને ચેપ લાગે છે તેમને કોરોના ભારે પડતો હોવાનું જણાયું છે. જોકે રાણીબહેને ૧૦૨ વર્ષની વયે પણ કોરોનાને હરાવ્યો છે. તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે તબીબી ટીમની સેવા અને રાણીબહેનના જુસ્સાના કારણે જ આ શક્ય બન્યું છે. તબીબો માને છે કે મેડિકલ જગતમાં આ આશ્ચર્યજનક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter