ન્યૂ યોર્કઃ અમેરિકામાં ૧૧ વર્ષ સુધી પથારી પર પડ્યા પડ્યા પોતાની જ સારવાર કરી હોવાનો એક વિદ્યાર્થીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તમામ ડોક્ટરોએ તેની સારવાર કરવાથી હાથ ઊંચા કરી લીધા તો આ યુવાને પોતે જ મેડિકલ રિસર્ચ વાંચી વાંચીને પોતાનું ઓપરેશન કરાવ્યું અને સાજો પણ થઈ ગયો.
અમેરિકાની રોકહર્ટ્સ યુનિવર્સિટીમાં ભણતો ડોઉ લિન્ડ્સે ૧૯૯૯માં ૨૧ વર્ષની વયે બેભાન થઈને પડી ગયો હતો. ડોક્ટરો પણ સમજી નહોતા શકતા કે તેને શું થયું છે. તેની માતા અને માસીને પણ આવી બિમારી હતી. ડોક્ટરોએ તેની બિમારીને થાઈરોઈડ સંબંધિત ગણાવી હતી, પરંતુ સારવાર ના કરી શક્યા. આખરે ડાઉએ પોતે જ એન્ડોક્રિનોલોજી પર સંશોધિત અઢી હજાર પાનાનું દળદાર પુસ્તક વાંચ્યું. ૨૦૧૦માં તેને ખબર પડી કે, તેની એડ્રિનલ ગ્લેન્ડ્સમાં ટ્યૂમર છે. તો તેણે વિજ્ઞાની મિત્રોની મદદથી પોતાનું ઓપરેશન કરાવ્યું અને ટ્યૂમર દૂર કર્યું. હવે તે સંપૂર્ણ સાજો છે અને ડોક્ટરો પણ આ કિસ્સાથી અચંબિત થઈ ગયા છે. હવે ડાઉ લિન્ડ્સે અમેરિકામાં મોટિવેશનલ લેક્ચર્સ પણ આપે છે.