લંડનઃ ત્રીજા ભાગના બ્રિટિશરોના માથે અકાળે મૃત્યુનું જોખમ તોળાઈ રહ્યું છે. આ લોકો કોઈ જ કસરત કરતા ન હોવાના કારણે તેમના માથે આ જોખમ મંડરાઇ રહ્યું હોવાનું એક નવા અહેવાલમાં જાણવા મળ્યું છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને (બીએચએફ) તેના અહેવાલમાં ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે આળસુની જેમ રહેતા મોટા ભાગના બ્રિટિશરોમાં કાર્ડિયોવાસ્કયુલર ડિસીઝનું જોખમ ૩૫ ટકા વધી જાય છે.
સંશોધકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે જેઓ પૂરતી કસરત કરે છે તેઓ પણ આ બીમારીથી બચી શકે એમ નથી કેમ કે તેઓ નોકરીના સ્થળે તો મહદ્ અંશે બેસીને જ કામ કરતા હોય છે. આમ બેઠાડું જીવન વધી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિએ દર સપ્તાહે ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ મધ્યમ કક્ષાની કસરત કરવી જોઈએ. આ દોઢસો મિનિટમાં સાઇકલ ચલાવવી કે ઝડપથી ચાલવા જેવી કસરત પણ સામેલ હોવી જોઈએ. આ કસરત ઉપરાંત પગ, કાંડા અને ધડ મજબૂત બને એવી કસરત અઠવાડિયામાં બે દિવસ કરવી જોઈએ.
૪૭ ટકા વસતી તો કસરત પણ ન કરે એટલી આળસુ
જોકે બ્રિટનના કેટલાય વિસ્તારમાં મોટી વયના લોકો પણ સત્તાવાર ગાઇડલાઈનને અનુસરતા નથી. ઇંગ્લેન્ડના નોર્થ-વેસ્ટમાં લગભગ ૪૭ ટકા એટલે કે ૨૬.૪૦ લાખ લોકો શરીર માટે આવશ્યક લઘુતમ કસરત પણ કરતા નથી. એ આંકડો નોર્ધર્ન આયર્લેન્ડમાં ૪૬ ટકા, વેલ્સ અને નોર્થ-ઇસ્ટમાં ૪૨ અને લંડનમાં ૪૦ ટકા છે. સ્કોટલેન્ડમાં શારીરિક નિષ્ક્રિયતા લગભગ ૩૭ ટકા જેટલી છે. જ્યારે સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં ૩૫ ટકા અને સાઉથ-ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ૩૪ ટકા નિષ્ક્રિયતા જોવા મળે છે.
પુરુષો વર્ષે ૭૮ દિવસ તો મહિલા ૭૪ દિવસ બેસી રહે છે
બીએચએફના અંદાજ મુજબ યુકેમાં સરેરાશ પુરુષો તેમના જીવનનો પાંચમો ભાગ એટલે કે લગભગ વર્ષે ૭૮ દિવસ બેસવામાં જ કાઢી નાખે છે. જ્યારે મહિલાઓ વર્ષે ૭૪ દિવસ બેઠાડું જીવન જીવતી હોય છે. વધુ તારણ એવું છે કે યુકેમાં સરેરાશ એક પુખ્ત વ્યક્તિ લગભગ ૩૦ કલાક એટલે કે વર્ષે ૬૪ દિવસ ટેલિવિઝન સામે બેસી રહેવામાં જ ગાળતી હોય છે!