લંડનઃ NHS હોસ્પિટલો માટે ડાયાબિટીસ ટાઈમબોમ્બ સમાન છે કારણકે તેમના બજેટનો છઠ્ઠો હિસ્સો તો ડાયાબિટીસ રોગીઓની સારવાર પાછળ જ ખર્ચાય છે. હવે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સ્થૂળતાની કટોકટી વધવાના લીધે ૨૦૨૫ સુધીમાં વધુ ૨૦ લાખ લોકો ડાયબિટીસથી પીડાતા હશે. ‘પ્રી-ડાયાબિટીસ’ સાથેની સંખ્યા ૧.૩ મિલિયનથી વધી એક વર્ષમાં બે મિલિયન થઈ જશે.
બ્રિટનમાં વિક્રમી સંખ્યામાં ચાર મિલિયન લોકો ડાયાબિટીસ ધરાવે છે જેમની સારવાર પાછળ કરદાતાઓના વાર્ષિક ૧૪ બિલિયન પાઉન્ડ ખર્ચાય છે. હોસ્પિટલોએ ડાયાબિટીસ રોગીઓની સારવાર પાછળ ૨૦૧૮માં ૫.૫ બિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા જ્યારે ડાયાબિટીસના કારણે કિડનીની નિષ્ફળતા અને અંધાપા જેવી સમસ્યાઓની સારવાર માટે ૩ બિલિયન પાઉન્ડની જરૂર પડે છે. NHS ઈંગ્લેન્ડ દ્વારા જારી કરાયેલા ચેતવણીજનક આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં મોટી સંખ્યામાં લોકોને અસામાન્ય હાઈ બ્લડ સુગર રહે છે જે તેમને ડાયાબિટીક બનાવી શકે છે. આમાંથી ૧૦૦,૦૦૦થી વધુ લોકો ૪૦ વર્ષથી ઓછી વયના છે.
લોકોમાં વધી રહેલી સ્થૂળતા તેમને ડાયાબિટીસથી પીડાતા કરી શકે છે. ઈંગ્લેન્ડના વયસ્કોમાં બે તૃતીઆંશ લોકોનું વજન વધુ છે અને ૨૯ ટકા લોકો મેદસ્વી છે. જેનો અર્થ એ છે કે હોસ્પિટલોમાં છમાંથી એક પથારી પર ડાયાબિટીસ ધરાવતા રોગીની સારવાર ચાલે છે. બ્રિટનમાં અંદાજે એક મિલિયન લોકો એવા છે જેમને તેઓ ટાઈપ-ટુ ડાયાબિટીસથી પીડાતા હોવાની જાણ જ નથી. આનાથી વધુ લોકો સામાન્ય કરતા વધુ બ્લડ સુગર ધરાવે છે પરંતુ, તેઓ ડાયાબિટીક હોવાનાં વર્ગીકરણમાં આવતા નથી. આવા લોકો સ્થૂળતાના કારણે ઝડપથી ડાયાબિટીકના વર્ગીકરણમાં આવી શકે છે.