લંડનઃ લેન્સેટમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય અભ્યાસના અનુમાન અનુસાર વિશ્વભરમાં ૨૦૫૦ સુધીમાં ૧૩.૧ કરોડ લોકો પાગલપણાના શિકાર હશે. હાલ આશરે ૪.૭ કરોડ લોકો પાગલપનના શિકાર છે. લંડનમાં અલ્ઝાઈમર્સ એસોસિયેશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા અભ્યાસ અનુસાર જો લોકો જીવનમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે તો પાગણપણાના પ્રત્યેક ત્રણ કેસમાંથી એક કેસને અટકાવી શકાય છે. જોખમી પરિબળોના ૩૫ ટકાને કાબુમાં લઈ શકાય છે જ્યારે ૬૫ ટકા પરિબળ વ્યક્તિના નિયંત્રણની બહાર હોય છે.
વાચન-લેખનની ઓછી આદત, સાંભળવામાં પરેશાની, ધૂમ્રપાન અને ઓછી શારીરિક સક્રિયતા સહિતના કારણે પાગલપણાનું જોખમ વધી શકે છે. અભ્યાસના મુખ્ય લેખક અને યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર ગિલ લિવિંગ્સ્ટને જણાવ્યું હતું કે પાગલપણાની સારવાર તો પછીથી થતી હોય છે પરંતુ માનસિક બદલાવ તો ઘણા વર્ષ અગાઉથી શરુ થઈ જાય છે.
અભ્યાસ સાથે સંકળાયેલા ૨૪ આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો અનુસાર કોઈ પણ વ્યક્તિમાં પાગલપણાનું જોખમ વધવા કે ઘટવાનું સોથી મોટુ કારણ તેમની જીવનશૈલી હોય છે. અડધી ઉંમરમાં શ્રવણની સમસ્યા (૯ ટકા), શિક્ષા અપૂર્ણ રહેવી (૮ ટકા), ધૂમ્રપાન (૫ ટકા), ડિપ્રેશન (૪ ટકા), શારીરિક સક્રિયતાનો અભાવ (૩ ટકા), એકલતા (૨ ટકા), હાઈ બ્લડ પ્રેશર (૧ ટકા), સ્થૂળતા (૧ ટકા) અને ટાઈપ-ટુ ડાયાબિટીસ (૧ ટકા) સહિતના ૩૫ ટકા જોખમી પરિબળો પર કાબુ કરી શકાય છે.