લંડનઃ ઉંમર વીતી ગયા પછી ફેમિલી શરૂ કરવાની આશામાં સ્ત્રીબીજ ફ્રીઝ કરાવતી ૩૬થી વધુ વયની મોટા ભાગની સંતાનવિહોણી મહિલાઓને ગર્ભવતી થવા માટે મોડું થયું હોવાનું જણાવવા નિષ્ણાતોએ અનુરોધ કર્યો હતો. મહિલા ૩૬ વર્ષની થાય તે પહેલા તે બીજને ગર્ભમાં અંકુરિત થવાની શક્યતા ૮.૨ ટકા હોય છે. પરંતુ, ૩૬થી ૩૯ વચ્ચે તે માત્ર ૩.૩ ટકા જ રહે છે.
ઈમ્પિરિયલ કોલેજ લંડન અને ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલના ડોક્ટરોએ જર્નલ BJOGમાં જણાવ્યું હતું કે જે મહિલાઓ વધુ રકમ ખર્ચી શકે અને ઓછી સફળતાને સ્વીકારી શકે તેમણે જ સ્ત્રીબીજ ફ્રીઝ કરાવવા જોઈએ.
તેમણે ગણતરી કરી હતી કે ગર્ભવતી બનવાની સારી તક મેળવવા પૂરતા બીજ ઉત્પન્ન થાય તે માટે લગભગ ૧૫,૦૦૦ પાઉન્ડ ખર્ચવા પડશે. તે સાથે જ ફર્ટિલિટી ટ્રીટમેન્ટના ખર્ચ પહેલા બીજની વાર્ષિક સ્ટોરેજ ફી પેટે ૨૦૦થી ૪૦૦ પાઉન્ડ ચૂકવવા પડે.