અસ્થમા અથવા દમ ફેફસાં સંબંધિત સામાન્ય પરિસ્થિતિ છે જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, ઉધરસ તેમજ છાતીમાં ભારેપણાનો અનુભવ થાય છે. ધૂમ્રપાનની આદતથી આ પરિસ્થિતિ વધુ વણસે છે કારણકે ધૂમાડાથી શ્વસન માર્ગોમાં જલન થવાથી તેમાં સોજા આવે છે, માર્ગ સાંકડો બને છે અને તેમાં શ્લેષ્મ (લીંટ -કફ) ભરાઈ જાય છે.
આયુર્વેદના મત અનુસાર વધુપડતો કફ લીંટ પેદા કરે છે અને વધુપડતો વાત(વાયુ) શ્વસનમાર્ગમાં લીંટને સૂકવી નાખે છે તેના કારણે આ માર્ગ સાંકડો બને છે. અસંતુલિત પ્રતિકાર શક્તિ મૌસમના બદલાવા સાથે એલર્જી ઉભી કરે છે. જેના પરિણામે છીંકાછીંક, નાકથી સૂસવાટા જેવો અવાજ તેમજ નાક ભરાઈ જવાના હુમલાઓ જોવાં મળે છે. આગળ વધવાથી આના પરિણામે અસ્થમા (દમ), કફ, શરદી, એલર્જીઓ તેમજ શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સ્થિતિઓ સર્જાય છે.
આ વર્ષે યુકે અસ્થમા દ્વારા લેવાયેલા સર્વેમાં જણાયું હતું કે આશરે ૪,૦૦૦,૦૦૦ લોકોને આ શિયાળામાં ફ્લુ અને શરદીના કારણે અસ્થમાના હુમલાઓનું જોખમ રહેશે. NHS અનુસાર રાહત આપતા અથવા અટકાવતા ઈનહેલર્સના ઉપયોગ સિવાય અસ્થમા માટે કોઈ કાયમી ઉપચાર નથી.
જોકે, આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આયુશક્તિના ડો. સ્મિતા નરમ નિમ્નલિખિત આયુર્વેદિક ઉપચારો સૂચવે છેઃ
આહારઃ ડેરી ઉત્પાદનો, ઘઉં અને ગ્લૂટેન, ચીઝ અને ફળોનો ઉપયોગ તદ્દન બંધ કરી દો. મગ અને તાજા શાકભાજીમાંથી બનાવેલા ગરમ સૂપનો વપરાશ કરો. તમારા આહારમાં આદુ, લસણ અને મરી જેવાં ગરમ પદાર્થોનો ઉપયોગ વધારો જેનાથી કફનું ઉત્પાદન ઘટાડવામાં મદદ મળશે. શક્ય હોય તો આખો દિવસ આદુવાળું ગરમ પાણી પીઓ.
ઘરેલુ ઉપચારઃ દિવસભર આદુવાળું ગરમ પાણી પીઓ
આ સાથે લખેલા ૧૦ પદાર્થ મેળવી ચાહ બનાવોઃ
• ૧૦ તુલસીના પાન
• ૨ મરચાના ટુકડા
• ૧ ઈંચ આદુનો ટુકડો
• ૨ ઈંચનો તજનો ટુકડો
• ૨૦ ફૂદીનાના પાન અને
• ૧ લવિંગ
આ બધી સામગ્રીને દોઢ કપ પાણીમાં મેળવો અને એક કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળો. તેને ગાળીને તેમાં થોડું મધ ભેળવો. આ ચાહને હુંફાળી પીઓ. તમે દિવસમાં ૩-૪ વખત આ ચાહ પી શકો છો. તમારી છાતી અને પીઠ પર થોડો બામ લગાવો. શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય તો તકલીફ દુર કરવા ગરમ શેક લો.
અસ્થમા જીવલેણ બની શકે છે અને યુકેમાં દર રોજ આશરે ત્રણ વ્યક્તિનું તેનાથી મોત થાય છે. ફ્લુના વાયરસ પણ શ્વસનમાર્ગોમાં સોજા વધારી શકે છે જેનાથી માર્ગો સાંકડા બને છે. આનાથી બ્રેન્કોસ્પાઝમ અથવા સામાન્યપણે અસ્થમાના હુમલા તરીકે ઓળખાતી સ્થિતિને ઉત્તેજન મળી શકે છે.