સિડનીઃ એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં સૌથી ખતરનાક સ્કિન કેન્સરના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ જશે અને વિશ્વમાં તેના 68 ટકા દર્દીઓ બચી નહીં શકે. આ કેન્સરને મેલેનોમા કહે છે.
સ્કિન કેન્સરના દર પાંચમાંથી એક દર્દી મેલેનોમાનો હોય છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં મહિલાઓને 50 વર્ષની ઉંમર પહેલાં અને પુરુષોને 50 વર્ષની ઉંમર બાદ આ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. ડર્મેટોલોજી જર્નલમાં પ્રકાશિત રિસર્ચ મુજબ ઘણા આફ્રિકન અને એશિયન દેશોની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં નવા દર્દીઓ ૩૬ ગણા વધારે જણાયા છે જ્યારે આ કેન્સરે ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ લોકોના જીવ લીધા છે. કેન્સર અંગે રિસર્ચ કરતી એક ઇન્ટરનેશનલ એજન્સીના અંદાજ મુજબ ૨૦૨૦માં મેલેનોમાના નવા ૩.૨૫ લાખ દર્દી સામે આવ્યા અને ૫૭ હજાર મોત થયાં.
આ જીવલેણ બીમારીથી બચવા માટે શરીરનો તડકા સાથે સીધો સંપર્ક ટાળવો જોઇએ. લેમ્પ સહિતનાં ઉપકરણોમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવું જોઇએ. આમ કરવાથી કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય છે.