• જર્નલ ‘ધ બીએસજે’નો રિપોર્ટ દર્શાવે છે...
જો તમે નિયમિત કસરત કરો છો તો મૃત્યુનું જોખમ ૩૦ ટકા સુધી ઘટી જાય છે. એક તબીબી અભ્યાસમાં દાવો કરાયો છે કે જેઓ સપ્તાહમાં લગભગ ૧૫૦થી ૩૦૦ મિનિટ એરોબિક એક્ટિવીટી કરો છે તેમની આરોગ્ય સંબંધિત કારણથી મૃત્યુની આશંકા ૩૦ ટકા સુધી ઘટી જાય છે. જ્યારે જે લોકો માંસપેશીઓને મજબૂત બનાવવા કસરત કરે છે, તેમનામાં આ આશંકા ૧૧ ટકા ઘટે છે. સારી વાત એ છે, કે જે લોકો માંસપેશીઓની કસરતની સાથે એરોબિક એક્ટિવિટી પણ કરે છે, તેમનાં મૃત્યુની આશંકા ૪૦ ટકા સુધી ઘટે છે.
• જર્નલ ‘ધ લેન્સેટ’નો રિપોર્ટ સૂચવે છે...
કસરત પૈસાની કમાણી જેટલી જ ખુશી આપે છે. યેલ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ૧૨ લાખ લોકો પર કરેલી શોધમાં જણાવ્યું કે જે લોકો નિયમત કસરત કરે છે તેઓ વર્ષમાં સરેરાશ ૧૮ દિવસ દુઃખી રહે છે. જ્યારે જે લોકો નિયમિત કસરત નથી કરતા તેઓ ૩૫ દિવસ સુધી દુઃખી રહે છે. આ અભ્યાસમાં એ હકીકત પણ સામે આવી છે કે, જે લોકો નિયમિત કસરત કરે છે તે લોકો વર્ષેદહાડે ૨૫ હજાર ડોલરની કમાણી કરતા લોકો જેટલી જ ખુશી અનુભવે છે. મતલબ કે, કસરતને પણ ધન માનવામાં આવી છે.
• જર્નલ ‘ફ્રન્ટિયર ઇન ફિઝિયોલોજી’ દર્શાવે છે...
કસરત શરૂ કરવાની કોઇ ઉંમર નથી. જો કોઇ વ્યક્તિ ૫૦ વર્ષની વયે પણ કસરત શરૂ કરે છે તો તેમાં એક એથ્લીટ જેટલી જ મસલ્સ બિલ્ડ કરવાની તાકાત હોય છે. બર્મિંગહામ યુનિવર્સિટીએ ૬૦ વર્ષથી વધુના બે જૂથ પર અભ્યાસ કરીને આ તારણ રજૂ કર્યું છે. એક જૂથમાં એવા વૃદ્વો રખાયા હતા કે જેમણે છેલ્લા ૨૦ વર્ષમાં સપ્તાહમાં ઓછામાં ઓછી બે વખત કસરત કરી હતી. બીજા જૂથમાં એવા વૃદ્વો રખાયા હતા જેમણે આ અગાઉ ક્યારેય નિયમિત કસરત કરી નહોતી. આ બંને જૂથમાં માંસપેશીઓ મજબૂત કરવાની ક્ષમતા સમાન જોવા મળી.