વોશિંગ્ટનઃ દુનિયાભરમાં ભલે ભારે બરફ વર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું હોય, પરંતુ ૬૭ વર્ષના ડો. ક્રેગને આનાથી કોઇ ફરક પડતો નથી. તેમનું ડેઇલી રુટિન જૈસે થે છે. બહાર કેટલી ઠંડી છે અથવા બરફ વર્ષા થઈ રહી છે કે નહીં તે વાત સાથે તેમને કોઇ નિસ્બત નથી.
અમેરિકાના કોલોરાડો સ્ટેટના બ્રેકેનરિજમાં રહેતા ડોક્ટર ક્રેગ પેરિન્જાક્વેટ શિયાળામાં દરરોજ સવારે ૬ વાગે પોતાના ઘરેથી જૂની માઉન્ટેન બાઈક લઈ નીકળે છે. તેઓ બ્રેકેનરિજ સ્કી રિસોર્ટ પહોંચે છે, અને ક્લાઇમ્બિંગ શરૂ કરી દે છે.
ડો. પેરિંજાક્વેટે ૩૦ કરતાં વધુ વર્ષ સુધી એક ફેમિલી અને મેડિકલ ફિઝિશિયન તરીકે કામ કર્યું છે. લોકો તેમને ડો. પીજેના લાડકા નામે ઓળખે છે. વિન્ટર હોય કે મોન્સુન તેઓ સવારે અપહિલ ક્લાઈમ્બિંગ કરવાનું રુટિન છોડતા નથી. તેઓ ૨.૫ કિમી ક્લાઈમ્બિંગ કરે છે અને તેમાં ૩૫ મિનિટ જેટલો સમય લાગે છે. ડો. પીજે આ રુટિનને બે પ્રકારનો આનંદ ગણાવે છે.
તેઓ કહે છે કે, ‘એક તો આ સૌથી સુરક્ષિત, સરળ કાર્ય છે. બની શકે કે લોકો રોજ આમ કરવાથી કંટાળો અનુભવે, પરંતુ મને આ કામ ગમે છે. હવા, બરફ અને આકાશ રોજ તાજગીથી ભરપૂર હોય છે.’ કોરોનાકાળમાં આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણી લોકપ્રિય થઈ રહી છે. એવામાં અપહિલ સ્કીઈંગની લોકપ્રિયતા વધી છે. વિશ્વભરમાં લોકો રિસોર્ટના ઢોળાવ પર સ્કીઈંગ માટે પહોંચે છે. ડોક્ટર પીજે ગત ૩૦ વર્ષથી આ રુટિન ફોલો કરી રહ્યાં છે.
એક સમયે માઈકલ જેક્સનના ટૂર ડોક્ટર રહી ચૂકેલા ડો. પીજે ખુદ એક મ્યૂઝિશિયન છે અને ધ પાઈન બિટલ્સ નામના એક સ્થાનિક બેન્ડમાં સ્ટેન્ડ અપ બેઝ વગાડે છે. સાથે સાથે જ ડો. પીજે પોતાનો મોટા ભાગનો સમય માનવીય સેવા પાછળ આપે છે. તેમણે હોંડુરાસ અને નેપાળમાં લાંબો સમય પસાર કરીને લોકોની નિઃશુલ્ક સારવાર કરી છે. તેઓ જનકલ્યાણ માટે એટલા પ્રતિબદ્ધ છે કે તેમણે એક નેપાળી બાળકને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યું અને ક્લિનિક બનાવવા માટે પૈસા પણ આપ્યા હતા. આ જ રીતે તેમણે સુદાનની હોસ્પિટલમાં પણ લોકોની સારવાર કરી હતી. ગત વર્ષે તેઓ ક્યાંય ન જઈ શક્યા, ઘરે જ હતા, પરંતુ દવાઓ અને મેડિકલ ઈક્વિપમેન્ટ્સના શિપમેન્ટ પાછળ ૬૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.