લંડનઃ વયના વધવા સાથે તમારા આનંદ અને ખુશી પણ વધતાં જાય છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુવાનો કરતાં વૃદ્ધો વધુ સુખી હોય છે. ઇમોશનલ પર્સેપ્શન ઉપરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જેમ જેમ આપણી વય વધતી જાય છે તેમ તેમ આપણી આસપાસના લોકો ગુસ્સે થાય છે, તેની નોંધ લેવાનું આપણે બંધ કરી દઈએ છીએ. આ જ લક્ષણ બાળકોમાં પણ જોવા મળે છે. જ્યારે આધેડ વયના લોકો તેમનામાં ભય, ગુસ્સાનું સ્તર સૌથી ઊંચું સ્તર હોય છે ત્યારે સૌથી ઓછાં ખુશ હોય છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેકલીન હોસ્પિટલના પ્રોફેસર લૌરા જર્મીને જણાવ્યું હતું કે, અમને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે વધતી વય સાથે લોકોમાં ગુસ્સો અને ભય ઘટતા જાય છે અને પ્રસન્નતા વધતી જાય છે. મતલબ કે વધતી વય સાથે લોકો વધુ હકારાત્મક બનતાં જાય છે. આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે, આપણે જીવનના જુદા જુદા તબક્કામાં જીવીએ છીએ.
અભ્યાસ કઈ રીતે થયો?
લોકોમાં સામાજિક મુદ્દે કેવા ફેરફાર થાય છે અને આપણી વય સાથે આપણી લાગણી કેટલી મજબૂત બને છે કે નબળી બને છે તે અંગે થયેલો આ અભ્યાસ આ પ્રકારનો સૌથી મોટો અભ્યાસ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦થી ૮૫ વર્ષના ૧૦,૦૦૦ બ્રિટિશ નાગરિકોનો ઓનલાઇન ટેસ્ટ લીધો હતો. નિષ્ણાતોએ આ અભ્યાસમાં ભાગ લેનારાઓનાં જુદા જુદા વયજૂથના લોકો ગુસ્સો, ભય અને આનંદની લાગણીને કઈ રીતે મૂલવે છે એ અંગે અભ્યાસ કર્યો હતો.
આ અભ્યાસમાં ભાગ લેનારાઓને ચહેરાઓના ફોટોગ્રાફ દેખાડાયા હતા, જેમાં કયો ચહેરો વધુ પ્રસન્ન લાગે છે? કયો ચહેરો વધુ ગુસ્સાવાળો લાગે છે? કે પછી કયો ચહેરો વધુ ભયગ્રસ્ત લાગે છે એ પૂછવામાં આવ્યું હતું.
અભ્યાસમાં કયાં તારણ નીકળ્યાં?
બાળપણમાં આપણી લાગણી સમજવાની ક્ષમતા વિકસતી હોય છે, જ્યારે પુખ્તતાની વયે ગુસ્સા સામે પ્રતિક્રિયા આપવાનું આપણું વલણ સૌથી વધુ આક્રમક હોય છે. ગુસ્સા જેવી નકારાત્મક લાગણી સામેની સંવેદનશીલતા પુખ્તતા દરમિયાન અને તેની શરૂઆત દરમિયાન સૌથી વધુ હોય છે.
• તમામ ત્રણેય લાગણીઓ ૩૦ વર્ષની વયે એકદમ ટોચે હોય છે. એ બાદ ભય અને ગુસ્સાને અલગ જોવાની આપણી ક્ષમતા વધુ સારી બને છે.
• આ અભ્યાસમાં એમ પણ જણાયું હતું કે આપણી નકારાત્મક લાગણીઓ પ્રતિની સંવેદનશીલતા ઘટે છે અને આપણી હકારાત્મક લાગણી વધતી જાય છે.
• પ્રોફેસર જર્મીન કહે છે કે, લાગણીઓના ભાવ સમજવાની ક્ષમતા વય સાથે ઘટે છે એ પુરવાર થઈ ચૂક્યું છે, પરંતુ અહીં અમે એ નોંધ્યું છે કે પ્રસન્નતામાં તફાવત શોધવાની ક્ષમતામાં બહુ ઓછો ઘટાડો થયો છે.
• આ અભ્યાસના તારણમાં જણાયું છે કે આપણી વયના વધવા સાથે આપણો સામાજિક સંજોગો પ્રત્યેનો અભિગમ વધુ હકારાત્મક બની જાય છે, કેમ કે આપણે એ વયે ગુસ્સે થતાં લોકોને અવગણવા માંડીએ છીએ.