લંડનઃ વ્યક્તિના આરોગ્યની સુખાકારી અને તંદુરસ્તી માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી. જાગ્યા ત્યારથી સવાર અને પહેલું સુખ તે જાતે નર્યાનો જીવનમંત્ર અપનાવવા માટે મોટી ઉંમરે પણ કસરતો કરીને શરીરની તંદુરસ્તી જાળવી શકાય છે. વ્યક્તિ ૭૦ કે ૮૦ વર્ષની ઉંમરે પણ હળવી કસરતો કરીને મસલ્સને જાળવી શકે છે અને યુવાનની જેમ હરીફરી શકે છે. જે વ્યક્તિએ તેનાં જીવનકાળમાં ક્યારેય કસરતો કરી નથી તે પણ મોટી ઉંમરે કસરતો કરીને યુવાનની જેમ મસલ્સમેન બની શકે છે. બર્મિંગહામ યુનિવર્સિટીનાં સંશોધકોનાં અભ્યાસ મુજબ જેમણે અગાઉ ક્યારેય કસરતો કરી નથી તેવા વૃદ્ધ લોકો મોટી ઉંમરે જિમમાં જઈને કે ઘરે કસરત કરીને એથ્લીટ્સની જેમ મસલ્સ મેન બની શકે છે. ઘરનાં પગથિયા ચડઉતર કરવાથી કે ઘરમાં ચાલવાથી કે ગાર્ડનમાં વોક કરવાથી પણ વ્યક્તિ તંદુરસ્તી જાળવી શકે છે.
સંશોધકોનું કહેવું છે કે નાની-મોટી કસરત કરવાથી શરીરમાં પ્રોટીનનું સર્જન થાય છે અને શરીરનાં હાડકાં તેમજ મસલ્સ મજબૂત બને છે. શરીરની ફિટનેસ જળવાય છે. મોટી ઉંમરે કસરત કરવાથી મસલ્સની નબાઈ દૂર કરી શકાય છે તેવું અભ્યાસમાં પુરવાર થયું છે. દર અઠવાડિયે ૧૫૦ મિનિટ ચાલવાથી કે દોડવાથી કે સાઈકલિંગ કરવાથી તેમજ અન્ય એરોબેટિક કસરત કરવાથી શરીર કસાયેલું બને છે. અઠવાડિયામાં બે દિવસ પગ, પગના થાપા, કમર, પીઠ, પેટ, છાતી, ખભા અને હાથની હળવી કસરતો પણ શરીરને કસાયેલું રાખે છે.