લંડનઃ આપણી કોમ્યુનિટીઓ શા માટે કોવિડ-૧૯થી ભારે ખતરામાં છે તે શોધવામાં વૈજ્ઞાનિકોને મદદ મળે તે અભ્યાસ માટે જોડાવા બ્રિટિશ એશિયનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના વડપણ હેઠળ ‘The Covidence UK’ સ્ટડીનો આરંભ ૧ મેથી કરાયો છે અને સમગ્ર યુકેમાંથી ઓછામાં ઓછાં ૧૨,૦૦૦ લોકોને રિક્રુટ કરવાનું ધ્યેય છે. બાર્ટ્સ ચેરિટીના ભંડોળવાળા આ સંશોધનમાં કિંગ્સ કોલેજ લંડન, ધ લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીન, ધ યુનિવર્સિટી ઓફ એડિનબરા, ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ અને સ્વાનસી યુનિવર્સિટી પાર્ટનર તરીકે જોડાયેલી છે.
આ અભ્યાસમાં ૧૬થી વધુ વયની કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. તમારે માત્ર ઈન્ટરનેટની મદદથી મહિનામાં એક કલાક માટે તમારા આરોગ્ય અને લાઈફસ્ટાઈલ વિશેના સર્વેમાં માહિતી આપવાની રહેશે. તમારે સંશોધકોને તમારા મેડિકલ રેકોર્ડ્ઝ મેળવવાની પરવાનગી પણ આપવાની રહેશે. જોકે, આ માહિતી અનામી રહેશે અને ભાગ લેનારાઓની પ્રાઈવસી જળવાઈ રહેશે. યુકેની વસ્તીમાં એશિયનોનું પ્રમાણ ૭ ટકા હોવાં છતાં અભ્યાસમાં જોડાનારા લોકોમાં એશિયનો માત્ર ૧.૭ ટકા છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર એવિડન્સ બેઝ્ડ મેડિસીનના નિષ્ણાતો અનુસાર કોરોના વાઈરસથી એશિયન કોમ્યુનિટીઝમાં મોતનું ભારે પ્રમાણ છે. તેઓ કહે છે કે,‘બ્લેક એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME) ગ્રૂપ્સમાં ઊંચા મૃત્યુદરનું જોખમ દર્શાવતા પુરાવાઓ છે પરંતુ, આ BAME ગ્રૂપ્સમાં મૃત્યુની સમાનતા નથી.’ ઈંગ્લેન્ડની હોસ્પિટલોમાં મૃત્યુના તેમના એનાલિસીસમાં જણાયું છે કે અપેક્ષા કરતા ભારતીયોમાં મોતનું પ્રમાણ ૧.૫ ગણું ઊંચુ છે જ્યારે બ્રિટિશ પાકિસ્તાનીઓ અને બાંગલાદેશીઓમાં અનુક્રમે ૨.૮ ગણું અને ત્રણ ગણું ઊંચુ છે.
લંડનમાં ક્વીન મેરી યુનિવર્સિટીના રેસ્પિરેટરી સ્પેશિયાલિસ્ટ અને કોવિડન્સ યુકે અભ્યાસના વડા પ્રોફેસર એડ્રિઆન માર્ટિનેઉએ એશિયનોને અભ્યાસમાં જોડાવાનો અનુરોધ કરી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘કોવિડ ૧૯થી આટલા બધા એશિયનો શાથી મોત પામે છે તે જાણવામાં અમને મદદ કરો. કોરોના વાઈરસ વિશે અનેક પ્રશ્નોના ઉત્તર નથી. તે જાણવામાં તમારી મદદ જોઈએ છે. મહિનામાં એક વર્ષ સર્વેમાં જોડાઈ તમે કોવિડ-૧૯ પર વિજય મેળવવાનો ઉત્તર શોધવામાં અમને મદદ કરી શકો છો. અમે જાણીએ છીએ કે કેટલીક કોમ્યુનિટીઓ કોવિડ-૧૯ સામે અસલામત છે. આમ શા માટે છે તે આપણે ઝડપથી શોધવું પડશે જેથી, જોખમ ઘટી શકે અને જિંદગીઓ બચાવી શકાય.’
અભ્યાસમાં સામેલ થયેલા એક્ટર નીતિન ગણાત્રાએ તેમના ચાહકોને ‘ યોર સાયન્ટિસ્ટ્સ નીડ યુ’નો સંદેશ આપ્યો છે. નીતિને કહ્યું છે કે,‘ કોવિડ-૧૯ આપણા સમયનું સૌથી મોટું આરોગ્ય યુદ્ધ છે.આપણે શક્તિહીન નથી. આપણા વૈજ્ઞાનિકોને સારવાર શોધવામાં અને રોગને હરાવવાનાનો માર્ગ શોધવામાં મદદ કરી શકે છીએ. તમે બધા આ કરી શકો છો! આપણા વિજ્ઞાનીઓને માસિક ઓનલાઈન માહિતી આપીને તમે ડેટા ડિટેક્ટિવ્ઝના આર્મીનો હિસ્સો બનશો અને વાઈરસ વિસે વધુ જાણવા અને તેને હરાવવાનું શીખવામાં મદદરુપ બનશો.’
લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના પ્રોફેસર સૈફ શાહીને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ યુકેમાં શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત અને વંશીય લઘુમતીઓના વયસ્કોને કોવિડ-૧૯નો ચેપ લાગવાની, વધુ તીવ્ર ચેપની અસરોનો અનુભવ અને તેનાથી મોતની શક્યતા વધુ હોવાનું સ્પષ્ટ થયું છે. આ ઉપરાંત, કોવિડ-૧૯થી મૃત્યુ પામનારા બહુમતી હેલ્થકેર વર્કર્સ અશ્વેત અને વંશીય લઘુમતી વસ્તીના જ છે. આની પાછળના કારણો અસ્પષ્ટ છે પરંતુ, વંશીયતા અને કોવિડ-૧૯ની લિન્કને સમજાવવી જાહેર આરોગ્ય માટે ભારે પ્રાધાન્ય ધરાવે છે.’
વધુ વિગતો અને અભ્યાસમાં જોડાવા www.qmul.ac.uk/covidence ની મુલાકાત લેવા વિનંતી છે.
Facebook: @COVIDENCEUK, Instagram: @covidenceuk, Twitter: @CovidenceUK સહિત સોશિયલ મીડિયા પર આનો પ્રસાર કરો.