લંડન: ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે એ-બ્લડ ગ્રૂપ હોય તેમને કોરોના થવાની શક્યતા વધુ છે. જ્યારે ઓ-બ્લડ ગ્રૂપ હોય તો તેમને કોરોનાનો ખતરો ઓછો છે. ઈટલી, ડેન્માર્ક, સ્પેન, જર્મની, બ્રિટન જેવા દેશોના વૈજ્ઞાનિકોએ ૨૦૦૦ કોરોના સંક્રમિત દર્દીઓના રિપોર્ટનો સ્ટડી કરીને અહેવાલ તૈયાર કર્યો છે. જે પ્રમાણે જેમને કોરોના થયો હતો એમાંથી મોટા ભાગના દર્દીઓનું બ્લડગ્રૂપ ‘એ’ હતું. જેમનું બ્લડ ગ્રૂપ ‘ઓ’ હતું તેમને કોરોનાનો ખતરો ઓછો હતો. એટલું જ નહીં, તેમની રિકવરી પણ ઝડપથી આવતી હતી.
અગાઉ ચીને પણ આવો એક અહેવાલ આપ્યો હતો. જેમાં ‘ઓ’ ગ્રૂપ ધરાવતા લોકોને કોરોનાનો ખતરો વધુ હોવાનું કહેવાયું હતું. એક પ્રાઈવેટ બાયોટેક ફર્મ ૨૩એન્ડમીએ ૭.૫ લાખ કોરોના સંક્રમિત દર્દીઓના સેમ્પલ પરથી તારણ આપ્યું હતું. એ સ્ટડીમાં જણાયું હતું કે ‘ઓ’ બ્લડ ગ્રૂપ હોય તેમને કોરોનાનો ખતરો ૯થી ૧૮ ટકા ઓછો હતો. સ્ટડી પ્રમાણે ‘ઓ’ સિવાયના તમામ બ્લડ ગ્રૂપને કોરોનાનું જોખમ એકસરખું હતું.