અમદાવાદ: માત્ર 20 મિલી બ્લડ સેમ્પલથી કેન્સરનું આગોતરું નિદાન?! હા... માત્ર 20 એમએલ લોહીથી જુદા જુદા આઠ જાતના કેન્સરના ખતરાનું આગોતરું નિદાન કરતો ટેસ્ટ હવે ભારતમાં લોન્ચ થઇ ગયો છે. જિનોમિક્સ આધારિત આ ટેસ્ટ એક સાથે આઠ પ્રકારના કેન્સરની સંભાવના દરદીમાં છે કે નહીં તેની આગોતરા ચેતવણી આપી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સીસે સોમવારે ભારતમાં ‘કેન્સર સ્પોટ’ નામના આ ટેસ્ટની શરૂઆત કરી છે. લંગ, પેનક્રિયાસ, લીવર, ઓવરી, ગોલ બ્લેડર, કોલન કે રેક્ટલ કેન્સર અને અન્નનળીમાં થતાં કેન્સરનું આગોતરું નિદાન આ ટેસ્ટથી શક્ય છે.
એક અભ્યાસના તારણ અનુસાર, ભારતમાં દર નવ વ્યક્તિમાંથી એક વ્યક્તિને કેન્સરની શક્યતા રહેલી છે. આ બ્લડ સેમ્પલ આધારિત ટેસ્ટમાં ભારતમાં પ્રવર્તમાન લગભગ બધા પ્રકારના કેન્સરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરલ કે ગળાના કેન્સર માટે તમાકુનું વ્યસન જવાબદાર છે એટલે તે સામેલ નથી, એમ સ્ટ્રેન્ડના ફાઉન્ડર ડો. રમેશ હરિહરને જણાવ્યું હતું.
કેન્સરના ડીએનએને ઓળખવામાં મદદરૂપ
કેન્સરના કોષ વિકસે અને મરે ત્યારે લોહીના પ્રવાહમાં પોતાના ડીએનએ છોડતા રહે છે. ‘કેન્સર સ્પોટ’ નામનો આ ટેસ્ટ જિનોમ સિકવન્સીંગ અને મિથેઈલેશન દ્વારા લોહીમાં કેન્સરના કોષના ડીએનએને ઓળખી કાઢી આગોતરા ચેતવણી આપે છે. અહીં નોંધવું જોઈએ કે દર્દીને કેન્સર થવાની સંભાવના છે કે કેમ અથવા તો તે પ્રથમ તબક્કામાં છે કે બીજા તબક્કામાં છે તેની જાણકારી આ નવા ટેસ્ટથી શક્ય બનશે, એમ ડો. હરિહરને ઉમેર્યું હતું.
સારવાર ઝડપી બનશે
કેન્સરની સારવારમાં જેટલી ઝડપથી તેનું નિદાન થાય એ જરૂરી છે. સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સના કેન્સર સ્પોટ બ્લડ ટેસ્ટમાં કેન્સરની શક્યતા અંગે 80 ટકા કરતાં વધુ ચોકસાઇ સાથે જ્યારે પ્રથમ કે બીજા તબક્કાની જાણકારી અંગે 90 ટકા કરતાં વધારે ચોકસાઇ સાથે સચોટ નિદાન શક્ય છે.