‘કોરોના વેક્સિન અચૂક લો, તે તમારા જ નહીં, તમારા પરિવાર અને સમાજના હિતમાં પણ છે...’

નીલેશ પરમાર Wednesday 27th January 2021 04:11 EST
 
 

કોવિડ-૧૯નું આગમન થયું ત્યારે લોકોને એ ચિંતા હતી કે આ મહામારીના સંક્રમણથી બચવું કઇ રીતે? આ પછી લોકો એ વાતે ચિંતા કરતા હતા કે કોરોનાથી બચાવતી વેક્સિન ક્યારે આવશે? અને હવે જ્યારે કોરોના વેક્સિન આવી ગઇ છે (અને સરકાર વિનામૂલ્યે આપી રહી છે...) ત્યારે લોકોને એ વાતે ચિંતા છે કે આ વેક્સિન લેવી જોઇએ કે નહીં?! તેની સાઇડ ઇફેક્ટ કેવી અને કેટલી હશે? તે નુકસાન તો નહીં કરેને?! ભારત હોય કે બ્રિટન, દુનિયાભરમાં કોરોના વેક્સિનના મામલે જાતભાતની અટકળો ચાલી રહી છે. વેક્સિનની બનાવટ, તેની ક્લિનિકલ ટ્રાયલ્સ, તેની સંભવિત આડઅસરો, વેક્સિન કોણે લેવી જોઇએ, કોણે ના લેવી જોઇએ વગેરે મુદ્દે જેટલા મોઢા એટલી વાત છે. આ સંજોગોમાં ગુજરાત સમાચારે દૂધનું દૂધ અને પાણીનું પાણી તારવવાનું નક્કી કર્યું. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ડોક્ટર કપલ સિનિયર ઓન્કોલોજીસ્ટ ડો. ભાવેશ પારેખ અને સિનિયર ડાયાબેટોલોજીસ્ટ તથા એન્ડોક્રિનોલોજીસ્ટ ડો. ઉર્વિ પારેખનો સંપર્ક કર્યો અને સહુ કોઇને મૂંઝવતા સામાન્ય પ્રશ્નોના ઉત્તર મેળવ્યા. આ પ્રશ્નોત્તરી વાંચ્યા પછી સહુ કોઇને સ્પષ્ટ થઇ જશે કે કોરોના વેક્સિન શું છે? અને મારે - તમારે તે લેવી જોઇએ કે નહીં? ડો. પારેખ દંપતીએ નીલેશ પરમાર સાથે કરેલી વાતચીતના અંશોઃ

• કોરોના વેક્સિન ખરેખર છે શું? તેની રચના ક્યા પ્રકારે છે? કેટલાક કહે છે કે તેની બનાવટમાં પ્રાણીજ અંશોનો ઉપયોગ થયો છે તો વળી કેટલાક કહે છે કે આ રસી તમારા શરીરમાં કોરોના ફેલાવે છે.
આ બધી વાતો તર્કહીન છે. સાચી વાત તો એ છે કે આ વેક્સિન કોરાના સામે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી)નો વિકાસ કરીને કોરોનાને ફેલાતો અટકાવે છે. વેક્સિન જુદા-જુદા પ્રકારે વિકસાવાઇ છે. કેટલીક વેક્સિન વાઇરસના m-rnaમાંથી બને છે જ્યારે અમુક વેક્સિન વાઇરસના માનવકોષની અંદર પ્રવેશ માટે વપરાતા કેપ્સીડ પ્રોટીનથી બનેલી છે. રસીમાં વાઇરસની માત્રા ખૂબ જ ઓછી અને રોગપ્રતિકારક શક્તિ વધે તેટલા પૂરતી જ હોય છે. તેનાથી કોરોનાનું સંક્રમણ લાગતું નથી. આપણે ત્યાં જાણીતી કહેવતો છે કે લોઢું લોઢાને કાપે અને ઝેરનું મારણ ઝેર. બસ, આ જ સિદ્ધાંત પર મોટા ભાગની રસી સિદ્ધાંત પર કામ કરતી હોય છે. કોરોના વેક્સિનનું પણ આવું જ છે.
• વેક્સિન માત્ર ઇમ્યુનિટી વધારે છે કે કોરોના વાઇરસને શરીરમાં પ્રવેશતો અટકાવે છે?
વેક્સિન આપણા શરીરમાં કોરોનાનો પ્રવેશ અટકાવતી નથી, પણ આપણા શરીરને તેની સામે લડવા સજ્જ બનાવે છે. વેક્સિન કોરોના વાઇરસના m-rna અથવા કેપ્સીડ પ્રોટીનને શરીરમાં ઉમેરે છે. જેનાથી કોરોના સામેની ઇમ્યુનિટી વધે છે. આથી જ્યારે તમે ફરીથી કોરોના વાઇરસથી સંક્રમિત થાવ તો તમારું શરીર કોરોના વાઇરસ સામે લડી લેવા સજ્જ થઇ ગયું હોય છે.
• અલગ અલગ દેશોએ કોરોના વેક્સિન વિકસાવી છે તો તેમાં ફરક શું છે?
અલગ અલગ દેશોના વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના જુદા જુદા પાસાં - વિભાગો પર ધ્યાન કેન્દ્રીત કરીને વેક્સિન વિકસાવી છે કે વિકસાવી રહ્યા છે. કોઇ વેક્સિન વાઇરસના m-rnaથી વિકસાવાઇ છે તો કોઇ કેપ્સીડ પ્રોટીનની બનેલી છે. અમુક વેક્સિન વળી DNAમાંથી વિકસાવાઇ છે, જે હજુ ટ્રાયલના તબક્કે છે. ટૂંકમાં કહીએ તો, વેક્સિન વિકસાવવાની પદ્ધતિ અલગ અલગ હોઇ શકે, પણ તેનું લક્ષ્ય તો એક જ છે - કોરોના વાઇરસનો ખાત્મો.
• કોરોના વેક્સિન કોઇ પણ હોય, દરેકમાં બે ડોઝ ફરજિયાત લેવા સૂચવાયું છે. આવું શા માટે?
આ વેક્સિનનું બંધારણ એવું છે કે તેને અમુક માત્રાથી વધારે પ્રમાણમાં આપી શકાય નહીં. ડોઝને બે ભાગમાં આપવાથી શરીરમાં તબક્કાવાર ઇમ્યુનિટી વધવાની સાથોસાથ પૂરતા પ્રમાણમાં એન્ટી બોડીઝ વધે છે.
• લોકોના મનમાં એક આશંકા એવી પણ પ્રવર્તે છે કે કોઇ પણ વેક્સિનના સંશોધનમાં વર્ષો લાગી જતા હોય છે, જ્યારે કોરોના વેક્સિન એક જ વર્ષમાં શોધાઇ ગઇ છે તો તેની વિશ્વસનિયતા કેટલી? શું તેના જરૂરી ટેસ્ટીંગ થયા હશે? અસરકારતા કેટલી? આડઅસરનું જોખમ કેટલું?
કોરોનાની વેક્સિન ભલે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં વિકસાવી લેવામાં આવી હોય, પરંતુ તેનો મતલબ એવો નથી કે તેનું યોગ્ય ટેસ્ટિંગ - પરીક્ષણ થયું નથી. કોઇ પણ મેડિસીન હોય કે વેક્સિન તેના પરીક્ષણ માટે નિયત આંતરરાષ્ટ્રીય માપદંડ હોય છે, દુનિયાના દરેક દેશ તેને અનુસરતા હોય છે. કોરોના વેક્સિન ઝડપભેર વિકસી છે તેનું કારણ એ છે કે વિજ્ઞાને આ પૂર્વે અનેક રોગોની રસી વિકસાવવામાં ખૂબ પ્રગતિ કરી છે. આ અનુભવ કોરોના વેક્સિન વિકસાવવામાં ઉપયોગી થયો છે. કોરોનાની રસીના પણ - બીજા કોઇ પણ મેડિકલ રિસર્ચની જેમ જ - ત્રીજા તબક્કા સુધીના સફળ પરીક્ષણો થયેલા છે. આ ટેસ્ટીંગના પરિણામોના આધારે જ જે તે દેશની સરકાર વેક્સિનને લીલી ઝંડી આપી રહી છે.
• આપ બન્ને નિષ્ણાત તબીબ છો વેક્સિનેશનનો આપનો કેવો અનુભવ રહ્યો? કોઇ સાઇડ ઇફેક્ટ કે બીજી કોઇ તકલીફ?
કોઇ તકલીફ નથી... કીડીએ ચટકો ભર્યો હોય તેવું લાગે. સાઇડ ઇફેક્ટ કે એવા કોઇ પ્રોબ્લેમ નથી, બધું રૂટિન યથાવત્ ચાલે છે. હા, કોઇકને ઇન્જેક્શનની જગ્યાએ થોડોક દુઃખાવો થઇ શકે. તો કોઇકને વળી બીજા દિવસે શરીર તૂટવાની, સાધારણ તાવ આવવાની કે માથું દુઃખવા જેવી સામાન્ય તકલીફ થઇ શકે છે, પરંતુ આમાં કંઇ ચિંતા જેવું નથી. વેક્સિનેશન પછીના ૪૮ કલાકમાં આવી સામાન્ય અસરો થઇ શકે છે.
• વેક્સિનેશન બાદ કદાચ કોઇ આડઅસર જણાય તો શું કરવું જોઇએ?
તમારા જીપી કે ફેમિલી ડોક્ટરની સલાહ લો...
• વેક્સિન કોણે લેવી જોઇએ? અને કોણે નહીં?
દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઇએ... સિવાય કે પ્રેગનન્ટ સ્ત્રી, બ્રેસ્ટ ફિડીંગ કરાવતી સ્ત્રી, કોઇ એલર્જી ધરાવતી વ્યક્તિ કે પછી તાજેતરમાં કોરોના પોઝિટિવ જાહેર થયેલી વ્યક્તિએ. આ ચાર પ્રકારના લોકોને બાદ કરતાં સહુ કોઇએ રસી લેવી જ જોઇએ તેવું અમારું સ્પષ્ટ માનવું છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે કેન્સર પેશન્ટ કે ડાયાલિસીસ કરાવતી વ્યક્તિએ કોરોના વેક્સિન લેવાનું ટાળવું જોઇએ, પણ આ બધી વાતો તથ્યહીન છે. હા, કોઇ ચોક્કસ તબીબી કારણસર તમારા જીપી કે ફેમિલી ફિઝિશ્યને તમને વેક્સિનેશન માટે મનાઇ ફરમાવી હોય તો વાત અલગ છે.
• વેક્સિનેશન બાદ કોઇ ચોક્કસ કાળજી લેવી જરૂરી છે?
ના, કોઇ વિશેષ કાળજીની જરૂર નથી. બસ, તન-મનની તંદુરસ્તી માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ જાળવો અને પૌષ્ટિક ભોજન જમો.
• તમે શું ભલામણ કરશો, દરેકે વેક્સિન લેવી જ જોઇએ?
અચૂકપણે... લેવી જ જોઇએ. હંમેશા યાદ રાખો કે કોરોના વેક્સિન લેવાનું તમારા જ નહીં, તમારા પરિવાર અને સમાજના હિતમાં પણ છે.
• છેલ્લો પ્રશ્ન, વેક્સિનેશન માટે વારો આવે ત્યાં સુધી વ્યક્તિએ કઇ વાતે કાળજી લેવી જોઇએ?
માસ્ક - સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સીંગ... વેક્સિનેશન માટે વારો આવે ત્યાં સુધી જ નહીં, વેક્સિન લીધા પછી પણ આ ત્રણેય બાબતનું કાળજીપૂર્વક પાલન કરવાનું છે. અંતમાં, અમે ગુજરાત સમાચારના વાચકોને એટલું જ કહીશુંઃ સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter