આપણે ઘણી વખત ફરિયાદ સાંભળીએ છીએ કે ‘નસ ચઢી ગઈ છે...’ સમસ્યા ભલે સામાન્ય જણાતી હોય, પણ તેના કારણો અનેક છે. નસ ચઢી જવાની સમસ્યામાં મુખ્યત્વે પગની પિંડીનો સ્નાયુ (કાફમસલ) ખેંચાય, ટાઈટ થઈ જાય. વ્યક્તિને દુઃખાવો એટલો બધો થાય કે ચીસ પડાઈ જાય. પગની જમીન પર મુકી શકાય જ નહીં. મોટા ભાગે રાત્રે સૂતા હોય ત્યારે ઊંઘી ગયા હો ત્યારે આ સમસ્યા થાય છે. થોડુંક પણ હલનચલન કરવા જઈએ તો પણ દુઃખે. કળ વળે ત્યારે પગ ધીરે ધીરે છૂટો થાય અને ઓછામાં ઓછો એક કલાક તો દુઃખાવો રહે.
આ સમસ્યા માટે અનેક કારણો જવાબદાર છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે જે સ્નાયુને પૂરતું લોહી પહોંચતું ના હોય ત્યાં ગોટલો ચડી જાય. બીજું કારણ લોહી ઓછું (એનિમિયા) હોય. ત્રીજું કારણ શરીરમાં શક્તિની ડિમાન્ડ (માગણી) વધારે જગાએ હોય. આજના જમાનામાં ચિંતા કોને ના હોય? જ્યારે જ્યારે ચિંતા હોય, ટેન્શન હોય. કોઈ પ્રકારનો અજંપો હોય, મનમાં ગુસ્સો, નારાજગી, અફસોસ ખૂબ પ્રમાણમાં હોય ત્યારે તમારા મગજના કોષને વધારે શક્તિની જરૂર હોય છે. ચોથું કારણ, વ્યક્તિએ પોતે જ ઊભું કરેલું હોય છે. જ્યારે જ્યારે શરીરને નુકસાન કરનારા બિનજરૂરી પદાર્થો ખોરાક, પાણી અને હવારૂપે તેમજ તમાકુ, દારૂ, કેફીન (વધારે પડતી ચા, કોફી, કોલા, ચોકલેટ), કેફી પદાર્થો અને બિનજરૂરી દવાઓ તમારા શરીમાં દાખલ થાય છે ત્યારે પણ તમારા લિવર, કિડની, ફેફસાં અને આંતરડાંને આ બધા ઝેરી પદાર્થોને બહાર કાઢી નાખવા ખૂબ શ્રમ કરવો પડે છે. આથી તે બધા જ અંગ શરીરમાં રહેલી શક્તિનો ઉપયોગ કરવા માંડે છે. તેથી પણ નસ ચઢી જાય છે.
નસ ચઢવાની સમસ્યાનું પાંચમું કારણ પણ સાવ સમાન્ય અને સમજી શકાય તેવું છે. વારસામાં તમને મળ્યો હોય કે મોટી ઉંમરે થયો એવો ડાયાબિટીસ હોય તો ખાધેલા ખોરાકમાંથી સાકરરૂપે મળેલી શક્તિ પેશાબ વાટે તમારા શરીરની બહાર સાકરરૂપે નીકળી જાય છે. આ શક્તિની શરીરને જરૂર છે, પણ તે બહાર નીકળી જાય છે. આમ સ્નાયુને તે શક્તિ ના મળતાં તે ખેંચાઈ જાય.
સ્નાયુ ખેંચાવાની ક્રિયાને મેડિકલ ભાષામાં ‘ક્રેમ્પ્સ’ કહેવાય. આનું કારણ ન્યુરાઇટીસ છે. આ ન્યુરાઇટીસ ગમે તે વ્યક્તિને ગમે તે ઉંમરમાં થઈ શકે છે. ન્યુરાઇટીસમાં સ્નાયુ ખેંચાય તેવી જ રીતે ‘પગ ખોટા પડી જવા’, ‘ગાદી પર ચાલતા હોય તેવું લાગે’, હાથ- પગ કે હાથ-પગની આંગળીઓ બહેરી થઈ ગઈ હોય કે સૂન પડી ગઈ હોય તેવું લાગે. મગજ ઓચિંતું કામ કરતું બંધ થઈ ગયું હોય તેમ લાગે, અંગ ખોટા પડી ગયા હોય તેવું પણ લાગે.
સમસ્યાનું નિવારણ શું?
• હિમોગ્લોબીન સો ટકા રાખો. ૧૧ ગ્રામ (૭૭ ટકા)થી ઓછું હોય ત્યારે આયર્નની ગોળીઓ, ફોલીક એસિડની ગોળીઓ ડોક્ટરની સલાહ અનુસાર લો. હિમોગ્લોબીન વધારવા માટે પ્રોટીન પણ જોઈશે. આથી દિવસ દરમિયાન ક્રીમ કાઢી નાખેલું દૂધ લગભગ ૫૦૦ મિ.લી. ઓ. દૂધ ના ભાવે તો છાસ, દહીં કે પનીરનો ઉપયોગ કરો.
• નિયમિત ધીરે ધીરે વધારતા રહીને તમને ગમતી કસરત કરો. વોકિંગ, રનિંગ, સાઇકલિંગ, સ્વિમીંગ, દાદરા ચઢવા કે ઊતરવા, પગથિયા ચઢવા-ઊતરવા, લાફિંગ કલબની કસરતો, આસનો (ફ્લેક્સિબિલિટી), મસ્ક્યુલર (હેલ્થ કલબ કે અખાડાની) કસરત રોજ ૪૦ થી ૬૦ મિનિટ કરો.
• ખોરાકમાં પૂરતું પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી સાથે તાજા ફળો અને લીલા શાકભાજી લો. રોજ બેથી અઢી લિટર પાણી પીવાનું રાખો.
• મનને સતત પ્રવૃત્તિશીલ રાખો જેથી માનસિક તણાવ ઓછો થશે.
નસ ચઢી જાય (સ્નાયું ખેંચાઈ જાય) એવું ના થાય તેમ ઇચ્છતા હો તો ઉપરની બધી બાબતોનું ધ્યાન રાખો અને અમલમાં મૂકો.