વોશિંગ્ટનઃ દુનિયામાં પહેલી વખત જીવલેણ બીમારી ‘બબલ બોય’થી પીડાતા બાળકોની સારવાર જીન થેરાપીથી કરવામાં સફળતા મળી હોવાનો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો છે. ‘બબલ બોય’ બાળકોમાં એક એવી જેનેટિક બીમારી છે, જેમાં બાળકનું પ્રતિરોધક તંત્ર હોતું નથી અથવા તો તે સક્રિય નથી હોતું. જો બાળકને સારવાર વગર છોડી દેવામાં આવે તો બહુ નાની ઉંમરમાં તેનું મૃત્યુ થાય છે માટે આ બીમારીને બબલ એટલે પરપોટાની માફક અસ્થાયી હોવાના લીધે બબલ બોય નામ અપાયું છે.
સેંટ જૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલે આ જીન થેરાપીને વિકસાવી છે. ત્યાં આ બીમારીથી પીડિત દસ બાળકોની સારવાર કરાઈ. આ બાળકોની સારવાર બાદ ટી સેલ, બી સેલ અને નેચરલ ક્લિર જેવા પ્રતિરોધક સેલ (કોષ) બનવા લાગ્યા છે. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે સંશોધક એવલીના મમકાર્જે જણાવ્યું કે આ બાળકોમાં હવે વેક્સીનની અસર દેખાવા લાગી છે. દુનિયામાં હાજર ઇન્ફેકશનમાં જીવતા રહેવા તેમજ સામાન્ય જીવન જીવવા માટે તમામ પ્રતિરોધક સેલ બનવા લાગ્યા છે. આ દસ બાળકોને પ્રયોગાત્મક થેરાપી અપાઈ હતી. આ થેરાપીને હોસ્પિટલના હેમેટોલોજી વિભાગના પ્રમુખ બ્રાયન સોરેન્ટિનોએ વિકસિત કરી છે. રિસર્ચ પ્રકાશિત થાય તે પહેલા જ બ્રાયનનું નિધન થઈ ગયું.
આ થેરાપીમાં બાળકોના શરીરથી બોનમેરો લઇને તેમાં એક વાઇરસને દાખલ કરાય છે અને તેના માધ્યમથી બાળકના સ્ટેમ સેલના ડીએનએમાં આઇએલ-૨ આરજી જીનના ખરા પ્રતિરૂપમાં દાખલ કરાય છે. ત્યાર બાદ આ સેલને ફ્રીઝ કરીને તેની ગુણવત્તાની ચકાસણી કરાય છે. દર્દીના શરીરમાં તેને પુનઃ દાખલ કરતાં પહેલા તેને બે દિવસ સુધી ખાસ માત્રામાં એક દવા આપવામાં આવે છે. મોટા ભાગના કિસ્સામાં બાળકોને એક મહિનાની અંદર હોસ્પિટલમાંથી રજા આપી દેવાય છે. બબલ બોયની સારવાર શોધાવાથી આ બીમારીથી પીડિત બાળકોની માતાઓ માટે એક ખુશીના સમાચાર છે.