લંડનઃ જો વ્યક્તિમાં વિટામીન-ડી ઓછું હોય તો કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ થવાનું જોખમ વધી જતું હોવાનું તારણ અભ્યાસના આધારે રજૂ થયું છે.
અભ્યાસમાં યુરોપના ૨૦ દેશોમાં કોવિડ-૧૯નો સંક્રમણ દર અને મૃત્યુદરની સરખામણીએ વિટામિન-ડીનું પ્રમાણ ઓછું હોય એ દેશોમાં કોવિડ-૧૯ના સંક્રમણનો દર અને મૃત્યુદર બંનેનું પ્રમાણ ઊંચુ જોવા મળ્યું હતું. જોકે આ અભ્યાસ હજુ પ્રાથમિક સમીક્ષા હેઠળ છે અને અન્ય વિજ્ઞાનીઓ તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. ઉપરાંત આ અભ્યાસમાં તારણ માટે વિટામિન-ડીનું કોઈ સીધું જોડાણ હોય એવું પુરવાર થયું નથી.
વિટામિન-ડી સંદર્ભે બે અભ્યાસ
બે અલગ અલગ અભ્યાસમાં કોરોના સામે વિટામિન-ડીની અસરકારકતા જાણવા મળી છે. વિટામીન-ડીની ઊણપ હોય તો કોરોના વાઇરસ સામેની સુરક્ષા ઓછી થાય છે. આ તારણ રજૂ કરતો પહેલો અભ્યાસ ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ધ યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્જલિઆના વિજ્ઞાનીઓએ કર્યો હતો. આ અભ્યાસમાં જણાવાયું છે કે અમે સાર્સ કોવ-૨ સંક્રમણ સામે સુરક્ષા સામે વિટામિન-ડી લેવાની ભલામણ કરીએ છીએ. આ તારણને બીજો એક અભ્યાસ પણ ટેકો આપે છે, જેમાં પણ વિટામીન-ડી કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિની હાલત સુધારતું હોવાનું જણાવાયું છે.
ડબ્લિનની ટ્રિનિટી કોલેજના હાલના અભ્યાસ બાદ યુનિવર્સિટી ઓફ ગ્રેનેડા દ્વારા દસ અઠવાડિયા સુધી થયેલા પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે પુખ્ત વયની જે વ્યક્તિઓએ વિટામિન-ડીનું સપ્લિમેન્ટ લીધું હતું તેમને છાતીનું સંક્રમણ પણ ૫૦ ટકા ઘટી ગયું હતું.
વિટામિન-ડીનો મહત્ત્વનો સ્રોત સૂર્યપ્રકાશ
વિટામીન-ડી ખાસ કરીને માછલી અને મશરૂમમાંથી વધુ પ્રમાણમાં મળે છે. ઉપરાંત તમે સૂ્ર્યપ્રકાશમાં રહો તો તમારી ચામડી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી વિટામિન-ડી બનાવી લે છે.
રોજિંદા આહારમાં વિટામિન-ડી
તાજેતરમાં એક આઈરિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત લેખમાં વિટામિન-ડીનો રોજિંદા આહારમાં ઉમેરો કરવા સલાહ અપાઇ હતી. આ લેખ અનુસાર કે વિટામિન-ડીના અભાવથી શ્વાસ સંબંધિત રોગો વધવાની શક્યતા રહે છે. કોરોનાની અસરથી બચવા માટે દરરોજ ૨૦થી ૨૫ માઇક્રોગ્રામ વિટામિન-ડી લેવું જરૂરી છે.