રાત્રે સૂઈને સવારે એકદમ ઉઠતી વખતે કે બપોરે સૂતા પછી ઓચિંતા ઉઠતી વખતે મોટી ઉંમરની વ્યક્તિઓ (ખાસ કરીને સ્ત્રીઓ)ને એકાદ મિનિટ માટે આંખે અંધારા આવે છે કે ચક્કર આવે છે અને જો નજીકમાં કઈ પકડી લેવાનો આધાર ના હોય તો પડી પણ જવાય અને શરીરને ઇજા થાય અથવા હાથના, પગના કે કમરના હાડકાં પણ તૂટી જાય એવું બને અને કોઈ કારણ વગર હેરાન થઈ જાઓ. આવું ના થાય માટે સવારે કે બપોરે ઊંઘમાંથી જાગો ત્યારે એકદમ પથારી કે સોફામાંથી ઊભા થતાં પહેલા નીચે બતાવેલી ‘સેવન અપ’ કસરત કરીને ઊભા થશો તો ચક્કર નહિ આવે અને પડી નહીં જાઓ અને તમારા શરીરને કોઈ-નુકસાન નહીં થાય.
સવારે સાત વાગે ઉઠીને પથારીમાં કરવાની કસરત એટલે ‘સેવન અપ એક્સરસાઇઝ’
સેવન અપ એક્સરસાઇઝ કઇ રીતે થાય?
(દરેક કસરત બે વખત કરવી)
• સૌપ્રથમ આળોટવાની ક્રિયા. રાત્રે સૂઈ ગયા પછી સવારે તમારી આંખ ઊઘડે કે તરત પલંગ કે ખાટલામાંથી તરત ઊભા થવાને બદલે ઉઠો કે તરત ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ એમ આળોટવાની ક્રિયા કરો.
• બેઠા થઈ ફરી સૂઈ જવાની ક્રિયા કરો. સૂતા હો તે સ્થિતિમાંથી (જરૂર લાગે તો બન્ને હાથે ટેકો લઈને) બેઠા થાઓ અને પછી સૂઈ જાઓ.
• આ પછી પથારીમાં પગ લાંબા કરીને બેસો. બાદમાં બેઠા હો તે સ્થિતિમાં બન્ને હાથ ઊંચા કરો. ઊંચા કરેલા હાથ ધીરે ધીરે નીચે લાવો અને તે જ વખતે કમરેથી વળી બન્ને હાથની આંગળીઓને પગની આંગળીઓને અડાડો.
• પથારીમાં સૂતા હો તે સ્થિતિમાં રહીને કમરથી બન્ને પગ કાટખૂણે ઊંચા કરો અને પછી પાછા નીચે મૂકી દો.
• પથારીમાંથી બેઠા થઈને બન્ને પગ ખાટલાથી નીચે જમીન પર મૂકી ઊભા થાઓ અને પાછા બેસી જાઓ.
• પથારીમાંથી ઊભા થઈ દિવાલથી થોડા દૂર ઊભા રહો અને બન્ને હાથ દીવાલ ઉપર ટેકવો. પછી દિવાલને ધક્કો મારતા હો તે રીતે બન્ને હાથ કોણીએથી વાળો. પછી કોણીએથી હાથ સીધા કરીને મૂળ સ્થિતિમાં આવો.
• બન્ને હાથ ફેલાવીને ઊભા રહીને કમરેથી ગોળ ફરો. આ સમયે બન્ને હાથ પણ ગોળ ફેરવો.
સૂચનાઃ બે કસરત વચ્ચે ૨૦થી ૨૫ વખત ઊંડા શ્વાસ લેવાની ક્રિયા (પ્રાણાયામ) અવશ્ય કરશો. • જો તમને કમરની કોઈ તકલીફ હોય તો બધી જ કસરત શરૂઆતમાં ધીમે ધીમે કરશો. • તમારી ઉંમર ૮૦થી વધારે હોય તો આ કસરત સાચવીને ધીરે ધીરે કરશો.