શું તમને પૂરતી ઊંઘ લીધા બાદ પણ થાક લાગે છે? સતત આવું થવું નિરાશાજનક હોઈ શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સ્લીપ મેડિસિન એક્સપર્ટ ડો. શૈનન સુલિવન અનુસાર આ થાકનું કારણ જાણવું જરૂરી છે. તેના માટે ઊંઘની પેટર્ન, દવા અથવા આરોગ્ય માટેની કેટલીક સ્થિતિ પણ કારણ હોઈ શકે છે. ડો. શૈનનના મતે લાંબા સમય સુધી થાક હવે સામાન્ય થઈ ચૂક્યો છે. થાકના સ્રોતની ઓળખ તેમજ તેની સારવારની આગવી રીત છે. જે તમને વધુ સારો અહેસાસ કરાવે છે. થાક-સુસ્તીની સમસ્યા અને તેના ઉકેલ અંગે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ.
પગની માલિશ કરો, બપોર બાદ ચા-કોફી ટાળો
• રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમઃ અમેરિકાના જગવિખ્યાત મેયો ક્લિનિકમાં એન્ડોક્રિનોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. સુજૈન સેમસન અનુસાર આ વિકારથી પગમાં અસહજતા તેમજ પગને સતત હલાવવાની ઇચ્છા થાય છે. રાત્રી દરમિયાન આ લક્ષણોની તીવ્રતા વધુ હોય છે. જેનાથી અનિંદ્રા વધે છે. પગની માલિશ કરવા ઉપરાંત આલ્કોહોલ અને કેફીનથી દૂર રહેવું ફાયદાકારક છે. આયર્નની ઊણપની સારવાર પણ ફાયદાકારક રહેશે.
• સ્લીપ એપ્નિયા-અનિદ્રાઃ મેયો ક્લિનિકમાં સ્લીપ મેડિસિન એક્સપર્ટ ડો. કારા મેકકોલીના મતે આ સ્થિતિમાં ગળાના સ્નાયુઓમાં સંકોચનથી હવાનો પ્રવાહ રોકાય છે. તેના કારણે કેટલાક લોકો નસકોરાં બોલાવે છે. હાંફતા હાંફતા અડધી ઊંઘમાંથી ઊઠી જાય છે. તેની સારવાર વિયરેબલ ડિવાઇસ અને સી-પેપ મશીનથી થાય છે. અનિદ્રા પણ મોટી સમસ્યા છે. તણાવથી થનારી અનિદ્રા કેટલાક સમય માટે હેરાન કરે છે. જો લક્ષણ ત્રણ મહિનાથી વધુ દેખાય તો થેરેપી જરૂરી છે.
• હાઇપોથાઇરોઇડઃ થાઈરોડ હોર્મોનની ઊણપથી પણ સતત થાક અથવા અશક્તિનો અનુભવ થાય છે. ડો. શૈનનના મતે સતત બ્લડ ટેસ્ટ તેમજ દવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે.
• ખોટી પેટર્નઃ છેલ્લા કેટલાક દિવસમાં તમે ઊંઘના રુટિન શિડ્યુલથી ભટકી ગયા છો, કે પછી તણાવમાં છો? ડો. શૈનન કહે છે કે જો કારણ આ ન હોવા છતાં શરીરમાં થાક અને સ્ફૂર્તિનો અભાવ વર્તાતા હોય તો તે દર્શાવે છે કે ઊંઘના રૂટીનમાં ફેરફારની જરૂરિયાત છે. દરરોજ નિયમિતપણે સાત કલાક ઊંઘની અવશ્ય લો. એક જ સમયે ઊંઘવાનો અને જાગવાનો પ્રયાસ કરો. બપોર બાદ ચા-કોફી, ઊંઘવાના થોડા સમય પૂર્વે ખાવાનું તેમજ ફોન સ્ક્રોલ કરવાનું ટાળો. દિવસ દરમિયાન સક્રિય રહેશો તો ઊંઘનું રૂટિન સુધરશે.
• પોષક તત્ત્વોની ઊણપઃ હેન્રી ફોર્ડ હેલ્થમાં સ્લીપ એક્સપર્ટ થોમસ રોથ કહે છે કે તમારા શરીરમાં આયર્ન, વિટામિન-ડી અને બી-12ની ઊણપથી પણ અનિદ્રાની સમસ્યા પરેશાન કરી શકે છે. પોષક તત્વોની ઊણપ અંગે તમે ટેસ્ટ થકી જાણકારી મેળવી શકો છો અને તબીબી માર્ગદર્શનમાં આવશ્યક સપ્લીમેન્ટનું સેવન કરીને તેનો ઉકેલ પણ શક્ય છે.
• દવાઓથી પરેશાનીઃ ન્યૂરોલોજિસ્ટ ડો. સોનજા શુએટ્ઝ કહે છે કે ઊંઘની દવા, એન્ટિડિપ્રેસન્ટ, બેન્જોડાયઝેપાઈન અને એન્ટિહિસ્ટામાઇન જેવી દવાઓના કારણે પણ તમને થાક વર્તાય તેવું બની શકે છે. કેટલીક દવાઓ એવી છે જેની આડઅસર ઊંઘ બગાડે છે. આ સમસ્યાના નિવારણ માટે ડોક્ટર સાથે ચર્ચાવિચારણા કરીને ડોઝમાં કે દવામાં ફેરફાર કરી શકાય.
• જૂની બીમારીઓઃ ડાયાબિટીસ, ડિપ્રેશન, ગેસ્ટ્રો અને લોંગ કોવિડ જેવી બીમારીઓ પણ શારીરિક-માનસિક થકાવટનું મોટું કારણ હોય શકે છે. તેને ક્રોનિક ફટીગ સિંડ્રોમ કહે છે.
નિષ્ણાંત અનુસાર તેનો કોઇ નિશ્ચિત ઉપાય નથી. અલબત્ત, આ સમસ્યાના લક્ષણો અંગે જાણીને તકલીફ ઘટાડી શકાય છે. તેમ છતાં સમસ્યા દૂર ન થાય તો ડોક્ટર, ખાસ કરીને સ્લીપ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.