‘હૂ’ની ચેતવણીઃ માર્ચ સુધીમાં યુરોપમાં કોરોનાને કારણે ૭ લાખ મોત થશે, કુલ મરણાંક ૨૦ લાખે પહોંચશે

Thursday 13th January 2022 05:12 EST
 
 

કોપનહેગન: કોરોના મહામારીનો પંજો પ્રસરી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ યુરોપમાં વધુ સાત લાખ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી છે. ૫૩ દેશોના સમૂહ યુરોપમાં આગામી માર્ચ મહિના સુધીમાં કોરોના ચિંતાજનક હદે ફેલાશે તેવી આશંકા ‘હૂ’ની યુરોપ ઓફિસે કરી છે.
ડેન્માર્કના કોપનહેગન શહેરસ્થિત ‘હૂ’ - યુરોપના ડાયરેકટર ડો. કલુજે જણાવ્યું હતું કે ચેપ સામે કોરોના રસીનું રક્ષણ ઘટી રહ્યું છે અને ૬૦ વર્ષ કરતાં વધારે વયના લોકોને બૂસ્ટર ડોઝ અગ્રતાના ધોરણે આપવાનું શરૂ કરવું જોઇએ. આજે યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની હાલત ગંભીર છે. આપણી સામે પડકારજનક શિયાળો આવી રહ્યો છે પણ આપણે આશા ન ગુમાવવી જોઇએ. તાજેતરમાં કોરોના મહામારીમાં દૈનિક મરણાંક ૪૨૦૦ સુધી પહોંચી ગયો હતો, જે સપ્ટેમ્બરના અંતે નોંધાયેલા મરણાંક કરતાં બમણો હતો. યુરોપમાં કોરોનાનો કુલ મરણાંક ૧૫ લાખે પહોંચી ગયો છે, જે માર્ચ મહિનામાં વધીને ૨૦ લાખે પહોંચી શકે છે.
યુરોપમાં કોરોના મહામારી વકરવાના ત્રણ પરિબળો છે. એક, ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ બે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયંત્રણોમાં મુક્તિ અને ત્રણ, યુરોપમાં મોટી સંખ્યામાં લોકોએ હજી રસી લીધી નથી. ‘હૂ’નું કહેવું છે કે યુરોપના ૫૩માંથી ૪૯ દેશોમાં આઇસીયુમાં જગ્યા મળવી મુશ્કેલ બનશે તો ૨૫ દેશોમાં હોસ્પિટલોમાં પણ બેડની તંગી સર્જાશે.
બીજી તરફ, જર્મનીમાં કોરોનાના કેસો વધવાને પગલે જર્મન મિલિટરીએ સૈનિકો માટે કોરોનાની રસી ફરજિયાત કરવાના ચક્રો ગતિમાન શરૂ કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જર્મન મિલિટરી બ્લોગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે લશ્કરી અધિકારીઓ અને સૈનિકોના પ્રતિનિધિઓ વચ્ચે કોરોનાની રસી આપવાની બાબતે સંમતિ સધાઇ છે.
જર્મન મિલિટરીમાં હાલ કોરોનાના ૧૩૦૦થી વધુ કેસ નોંધાયેલા છે, અને આંકડો સતત વધી રહ્યો છે. દરમિયાન અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા અમેરિકનોને કોરોનાના કેસો વધવાને કારણે જર્મની અને ડેનમાર્કનો પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. યુએસના વિદેશ વિભાગે અમેરિકનોને જર્મનીનો પ્રવાસ ન કરવા જણાવ્યું હતું અને જો પ્રવાસ કરવો જ પડે તો કોરોનાની રસી લઇને જ કરવાની સલાહ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter