વોશિંગ્ટનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (‘હૂ’)એ યુવાનોને ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ તમને પણ સકંજામાં લઈ શકે છે અને તેમણે સમૂહમાં એકત્ર થઈને આ મહામારી વૃદ્ધોમાં ફેલાય તે પ્રક્રિયામાં મદદરૂપ ન થવું જોઈએ. અમેરિકી યુવાનો વસંતોત્સવની ઉજવણી દરમિયાન દરિયાકિનારે રેતમાં પાર્ટીનું આયોજન કરીને સમૂહમાં ધમાલ-મસ્તી કરી રહ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વહેતી થતાં આવી પ્રવૃત્તિની ભારે ટીકા થઈ રહી છે. આ ટીકા વચ્ચે ‘હૂ’એ ચેતવણી ઉચ્ચારી છે કે યુવાનો કોરોના વાઇરસ સામે અજેય છે તેવું નથી. તેણે યુવાનોને સ્થાનિક તબીબો પાસેથી સલાહ મેળવીને સમૂહમાં એકત્ર થવાનું ટાળવા અનુરોધ કર્યો હતો. ‘હૂ’એ જણાવ્યું હતું કે, ‘કોરોના વાઇરસનો સૌથી વધુ ભોગ વૃદ્ધ લોકો બનતા હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે યુવાનો અજેય છે. કોરોના વાઇરસ સામે તમે અજેય નથી. વાઇરસ તમને સપ્તાહો સુધી હોસ્પિટલમાં રાખી શકે છે કે તમને હણી પણ શકે છે.’