લંડનઃ પાર્લામેન્ટના બંને ગૃહો અને થેમ્સ નદીના તટ નજીક પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ નેતૃત્વ અને આધ્યાત્મિક ચેતના વિશે લોર્ડ્સ, સાંસદો, બિઝનેસ અગ્રણીઓ, મીડિયા અને અનુયાયીઓ સમક્ષ જ્ઞાનસભર પ્રવચન આપ્યું હતું. પોર્ટક્લીસ હાઉસના એટલી સ્યુટ્સમાં ભરચક ઓડિયન્સ સમક્ષ બે કલાકના વાર્તાલાપમાં આધ્યાત્મિકતા શું છે તે પ્રશ્ન પર ચર્ચા છેડાઈ હતી.
સ્વામીજીએ કહ્યું હતું કે આધ્યાત્મિકતા એ ભાવનાત્મક પરિપક્વતાની સાથે અખંડિતા અને ચેતનાનું સંમિશ્રણ છે. નેતૃત્વ અને સફળતા વિશે તેમણે કહ્યું હતું કે સમાજમાં વધુ અને વધુ સત્તા અને માન્યતા હાંસલ કરવા તરફ દોડવાની આ વાત છે. તમારી ટીમના આત્મવિશ્વાસને સુધારવા તેમને પૂરતો ટેકો આપવો જોઈએ. આદર્શ નેતા એવી વ્યક્તિ નથી જે કલ્પના કરે છે કે આદર્શ બનાવે છે અથવા રણનીતિઓ અને યોજનાઓ કરે છે. આદર્શ નેતા તો એ છે જે લોકોના વિકાસમાં મદદ કરે છે. કંપનીની સાચી મૂડી તમારી સાથે કામ કરતા લોકો છે અને આ મૂડીનું મૂલ્ય એ જ છે કે તેમનો પણ વિકાસ થાય અને તેમનો વિકાસ થયો હોવાની લાગણી તેઓ અનુભવે.
તેમણે દલિલ કરી હતી કે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ માત્ર વૈશ્વિક સ્પર્ધા નથી પરંતુ વૈશ્વિક યુદ્ધ છે. જો તેઓ સફળતા મેળવવી હોય તો પ્રક્રિયાઓ અને ઉત્પાદનના પરિણામોમાં પરિવર્તન આવવું જોઈએ. બિઝનેસમાં વિલિનીકરણ બીજું કશું નથી પરંતુ નાની માછલીને ખાઈ જતી મોટી માછલી છે તેવું ઉદાહરણ આપતાં તેમણે સ્પર્ધા વિશે સમજ આપી હતી. તેમણે ઓફિસના હેંગઓવર વિશે પણ કહ્યું હતું કે વાસ્તવમાં ઘણા લોકો ઘેર કામ લઈ જાય છે. તેમણે એવી રમૂજ કરી હતી કે વર્તમાન લગ્નો પણ ‘હંગઓવર’ છે, જ્યાં પતિ અને પત્ની કામ કરે છે, તેઓ ઘેર કામ લાવે છે અને જીવનમાં ઓફિસ છવાઈ જાય છે.
સ્વામીજીએ સર્જક અને સર્જન વિશે વાત કરતા કહ્યું હતું કે ઈશ્વર સર્જક છે અને તેની સામગ્રીમાંથી જે સર્જાય છે તે સર્જન છે. સર્જન ચોક્કસ વ્યવસ્થામાં છે અને દરેકના કાર્ય અને કારણ હોય છે. સર્જન અને વિનાશના નિયમો અપરિહાર્ય અને તટસ્થ છે. પરંતુ તેનું માળખું સમાન, એકબીજાથી વિરુદ્ધ અને નિષ્પક્ષ છે. જીવન કદી શ્વેત કે અશ્વેત નથી, તેનો રંગ ભૂખરો છે. સ્વામીજીએ સફળતા અને નિષ્ફળતાને એક સાથે આવકારી હતી.
સ્વામીજીએ કહ્યું હતું કે કોઈપણ સ્થિતિ સબ્જેક્ટિવ હોય છે. તેમણે પેડાનું ઉદાહરણ આપતાં કહ્યું પરિવાર કે મિત્ર દ્વારા પેંડો અપાય તો તે મિઠાઈ છે પરંતુ આ જ પેંડો મંદિરમાં અપાય તો તે પ્રસાદ બની જાય છે. મળેલી ભેટ કરતાં ભેટ આપનારનું મહત્ત્વ વધુ છે. તેમાં જથ્થો કે ગુણવત્તાનું મહત્ત્વ નથી.