(ગતાંકથી ચાલુ)
રવજી લાભશંકરને મળવા ગયો, લાભશંકરને થયું કે, પાળેલી બિલાડી, આંખો બંધ કરીનેય છેવટે દૂધ પીવા આવી ખરી! રવજીના એણે ખબરઅંતર પૂછ્યા. રવજીએ દિલ ખોલીને વાત કરી કે, બધી વાતે એ સુખી હતો, મનમાં પણ બહુ શાંતિ હતી, ફક્ત નાણાં ભીડ રહેતી હતી. અને હળવેકથી ચોકીદારની વાત એણે લાભશંકરને કરી, તાલુકા મામલતદારને લાભશંકર જો એના માટે ભલામણ કરે તો...
લાભશંકર રવજીના મોંઢે ચોકીદારની નોકરીની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યો, ‘હવે, સાવજ ખડ ખાઈને જીવવાનો, એમ ને?’
રવજીએ કહ્યું, ‘હું વળી સાવજ ક્યાંનો?’ હું એક મામૂલી માણસ, તમે મારી ભલામણ કરો તો ચોકીદારની નોકરી મને મળી જાય, અને નોકરી મળી જાય તો -’
લાભશંકરે દોંગુ દોંગુ હસીને પૂછ્યું, ‘મામલતદાર સાહેબને તમારી ઓળખાણ કઈ રીતે આપું, પગી? નોકરી માટેની તમારી લાયકાતની કઈ વાત એમને કરું?’
રવજીને થયું કે કોઈ એના ગળે ટૂંપો દઈ રહ્યું હતું. એ મૂંગો થઈ ગયો. એક નવી જિંદગી જન્મતાં જન્મતાં જ તરફડીને જાણે મૃત્યુ પામી. લાભશંકર પાસેથી ઊઠીને એ ચાલી નીકળ્યો.
લાભશંકર કહેતો હતો, ‘તોય હું મામલતદાર સાહેબને વાત તો કરીશ, પણ... એમ હેરાન થવા કરતાં...’
રવજી, વધુ કાંઈ સાંભળ્યા વિના, માથું નીચું રાખીને દૂર નીકળી ગયો. ઊંડા અંધારામાં પાણીના ધુનામાં કોઈ મોટા મગરમચ્છે એને પકડ્યો હોય એમ લાગતું હતું. મન ઘણા વખત સુધી છટપટતું રહ્યું - ધમપછાડા કરતું રહ્યું.
જ્યારે મન શાંત પડ્યું ત્યારે રવજીને થયું, આપણી મથરાવટી મેલી એમાં કોઈનો શું વાંક?
પણ એમ મન વાળ્યેથી કાંઈ મૂંઝવણ મટી જાય તેમ નહોતી, ભીંસ ચારે તરફથી લાગતી હતી. ક્યારેક ચહેરા પર લોહી ધસી આવતું હતું.
ઈશ્વર મા’રાજ, જયંતીલાલ, કાંતિ બાંઠિયો, તળશી મોહન, મનહર લાંબો, જાણે ખાઈપીને હવે રવજી પાછળ પડી ગયા હતા. જયંતીલાલ કહેતો હતો, હવે ગઢ પડું પડું થઈ રહ્યું છે! ઈશ્વર મા’રાજ કહેતો, ચોકીદારની નોકરીની ટહેલ રવજીએ નાખી. પણ બિચારો ખાલી હાથે પાછો ફર્યો!
રવજી બજારમાંથી પસાર થતો ત્યારે, કોઈ કોઈ વાર એ પણ ‘બિચારો’ ને ‘બાપડો’ સાંભળતો. એને ભગતબાપુ સાંભરી જતાઃ ‘પગી, માણસ માત્ર બિચારા છે. માણસના જનમની વાત સંભારો, મરણની વાત સંભારો તો તમને લાગશે કે ગમેતેવો રાજા-મહારાજા પણ આખરે તો બિચારો બાપડો જ છે. જન્મે ત્યારે કેટલો નબળો - મરે ત્યારે કેટલો ઓશિયાળો!
એક વાર રાત્રે ઓચિંતા કાળિયો ને આલેગભાઈ આવી ચડ્યા. રવજી એમની સાથે બે વાત કરીને વળાવવાની વેતરણમાં હતો ત્યાં પાછળ હેબતખાન અને છગનો આવ્યા. રવજીના હાથ પકડીને બોલ્યા, ‘પગી, આજની રાત સંઘર્યા વિના છૂટકો નથી. પાછળ જિલ્લાની પોલીસ પડી છે. તમારા આશરે છઈ.’
રવજી બે ઘડી ખચકાઈ ગયો, ‘ભલા માણસો, તમે એક વાત કેમ સમજતા નથી, મેં હવે બધું છોડી દીધું છે.’
‘શરણાગતને આશરો આપવાની ય બાધા લીધી છે?’
‘મને ઈમ મૂંઝવો મા...’
‘અમે મૂંઝાણા છઈ ત્યારે તો તમારી પાંહે આવ્યા છઈ. કાં મારો ને કાં તારો. તમારો ભગવાન કે’ ઈમ કરો...’
રવજી ઉતાવળો ઉતાવળો બોલ્યો, ‘ઠીક લ્યો, હાલો મારી હારે, દાનાભાઈની વાડીએ રાત પડ્યા રહેજો. તમારું કોઈ નામ નહીં લે. પણ ફરી કોઈ વાર મારા ઘરે આવશો નહીં - હું હાથ જોડું છું.’
આલેગભાઈએ રવજીના ઘરના હાલહવાલ જોયા. હેબતખાનને એણે ઈશારો કર્યો. હેબતખાને રવજીની વહુને બોલાવી, ‘તું અમારી બોન છો. અહીં આવ્યા છઈ ત્યારે કાપડાં જોગું કાંઈક આપતા જાઈ, તને ગમે ઈ આમાંથી લઈ લે.’ રવજીની વહુ સામે એણે ઘરેણાંની પોટલી ખોલી નાંખી.
રવજી હા-ના કરતો હતો. પણ હેબતખાન એને બોલવા દેતો નહોતો, ‘પગી, તમને તમારી ભક્તિ આડી આવતી હોય તો હાથેય નો અડાડશો પણ આ તો અમારી બોન - અમારા ભાણેજ.’
રવજીની વહુએ સાથે હાથ જોડીને કહ્યું, ‘ભાઈ, તમારું કાપડું મને પોગી (પહોંચી) ગયું. મારે ઈ ઘરેણાં નો ખપે.’
હેબતખાને ઘણું કહ્યું, ‘બોન, આનું બધું પાપ અમારી માથે. આ તો અમે દઈ છી ને તારે લેવાનું છે ને?’
પણ રવજીની વહુ મક્કમ રહી, ‘ઈમનો રસ્તો ઈ મારો રસ્તો. મારે કાંઈ નો જોઈ. મારે ઈ અગરાજ છે.’
રવજીનું અંતર બહુ રાજી થયું.
હેબતખાન, કાળિયો, આલેગભાઈ, છગનો બધા કહી કહીને થાક્યા. પછી રવજી સાથે દાનાભાઈની વાડીએ જવા રવાના થયા.
બે દિવસ વીતી ગયા પછી એ વાત સ્થાનકપુરમાં ઘૂમરાવા માંડી. ચૌદસિયાઓ કકળાટ કરવા લાગ્યાઃ જોયું ને, કૂતરાની પૂંછડી કોઈ દી સીધી થાય? પોટલી બાંધીને પગીને એના ભાઈબંધ આપી ગયા. જિલ્લાનો માલ હતો. હવે પગીને લીલાલહેર...
રવજીના કાને વાતો આવવા માંડી. એને ઘણું કહેવાનું મન થતું કે, ભલા માણસો મેં એક કોડીય નથી લીધી. અરે, મેં તો નથી લીધી, પણ મારા ઘરમાંથી ય કોઈએ મન નથી બગાડ્યું. તમે કાંઈક વિચાર તો કરો. પણ વિચાર કોણ કરે? અફવાને અને વિચારને શું મેળ? વાત તો વધતી જ ચાલી.
ચૌદસિયા કંપનીએ સ્થાનકપુર માથે લીધું. ઘેર ઘેર અને ઓટલે ઓટલે વાત પહોંચાડી દીધી. દુકાને દુકાને રવજી પગીની ભક્તિના તોરણ બાંધી દીધાં. રવજીને ઊંચું ઉપાડીને ચાલવા જેવું રહેવા ન દીધું. રવજી મનમાં ને મનમાં કોચવાઈ ઊઠ્યો, ભલા માણસો, મારે ત્યાં કોઈ આવે જાય... મારા આશરે આવેલાને... તમે કોઈ સમજતા કેમ નથી, હું મોઢું સંઘરું?
ચાર-પાંચ દિવસ પછી લાભશંકરે રવજીને બોલાવ્યો, ‘પગી, તે દી રાતે કોણ કોણ આવ્યા’તા?’
રવજી બોલ્યો, ‘તમે બધું જાણો છો. મને શું કામ પૂછો છો? આપણી હદમાં કાંઈ બન્યું નથી. અને મારે ત્યાં તો આશરો લેવા જ આવ્યા’તા. હું હવે ઈ વાતમાં...’
લાભશંકર તાડૂકીને બોલ્યો, ‘સતની પૂંછડી થા મા. સાચેસાચી વાત કહી દે. ખોટી બાતમી આપીશ તો તારી ચામડી ઊતરડી નાખીશ. અહીં તારી ભક્તિબક્તિ કાંઈ નહીં ચાલે.’
રવજી લાભશંકર સામે તાકી રહ્યો. લાભશંકરે એને તુંકારો કર્યો! શા માટે? શું ખૂટી ગયું હતું એનામાં?
લાભશંકર ફરીથી ગાજ્યો: ‘ભગત તારા ઘેર... અહીં પોલીસચોકીમાં સીધી વાત કરવાની સમજ્યો?’
એક પળ વીજળીનો જાણે કડાકો થયો. એ એક પળમાં રવજી જાણે બધું સમજી ગયો. વીંછીનો આંકડો જાણે એકાએક ઊંચો થયો. રવજી ઊભો થઈ ગયો, એનો અવાજ ફરી ગયો.
લાભશંકરને એણે કહ્યું, ‘તારા હાથમાં સત્તા હોય તો ખીલા મારી દેજે. તને હું કાંઈ કહેવાનો નથી. જો, જાઉં છું. હવે જોજે...’ ગુસ્સાથી એનો અવાજ ફાટી ગયો.
લાભશંકર હેબતાઈ ગયો. એટલી વારમાં તો રવજી પગી પોલીસ થાણું છોડીને ક્યાંય દૂર નીકળી ગયો.
બે દિવસ પછી સ્થાનકપુરમાં એક સાથે ત્રણ દુકાનો તૂટી. રવજી પગી તે દિવસે બહારગામ હતો. બીજે અઠવાડિયે એ સ્થાનકપુર આવ્યો ત્યારે એના શરીર પર નવાં નક્કોર કપડાં હતાં ને મોઢામાં સિગારેટ હતી.
ચૌદસિયા કંપનીનો ચેરમેન જયંતીલાલ કહેતો હતોઃ વીંછી આંકડો માર્યા વિના ક્યાં સુધી જીવી શકે? એ એનો સ્વભાવ છે. સ્વભાવ કોઈ દી બદલાતો હશે?
લાભશંકર રવજીને કહેતો હતો, ‘પગી, તમે સમજતા કેમ નથી? આપણી હદમાં થાય એ બરાબર નહીં. અડધોપડધો માલ હાજર કરાવી દો ને, બાકીનું અમે ફોડી લેશું.’
રવજી સિગારેટ પીતો પીતો માથું હલાવતો હતો. (સમાપ્ત)