પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળાં છવાયેલાં હતાં તેથી આથમવા આવેલા સૂરજની રતૂમડી આભા દેખાતી નહોતી; સહેજ વાદળ આછાં હતાં ત્યાંથી રતાશની નાની શી લકીર ઘડીભર દેખાઈ ન દેખાઈ ને છવાતા જતા અંધારામાં અલોપ થઈ ગઈ; જાણે કોઈ નાગણે બટકું ભરી અંધકારના ઝેરની કોથળી ઠાલવી દીધી. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો.
પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. એ ખોલીને આંખો ઝીણી કરીને જોયું તો અંદર ચીમળાઈ ગયેલું અર્ધું જ પાન હતું. બે દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો! પ્રભાશંકરે ખૂબ કાળજીથી અર્ધા પાનના બે ભાગ કર્યા, એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો ને બીજા ટુકડા પર ચૂનો-કાથો ચોપડવા લાગ્યા. પાન મોઢામાં મૂક્યું, સાથે તમાકુની ચપટી ભરીને મોઢામાં મૂકી.
બહાર શેરીના દીવાના પ્રકાશનો એક લિસોટો આગલા ઓરડામાં પડતો હતો તેને અજવાળે ખીંટીએ ભેરવેલો કોટ લઈને પહેર્યો, ટોપી માથે મૂકી. ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની એમને ટેવ હતી. પાર્વતી ડોશી જીવતાં હતાં ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણીનો પ્યાલો લઈને હાજર રહેતાં. એવી નાનીનાની ઘણી વસ્તુ આ છેલ્લા એક વરસથી એમને જાતે જ કરી લેવી પડતી.
પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતા ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમની કોટની બાંય ઝાલીને એમને રોક્યા. એમનાથી એકાએક પુછાઈ ગયું: શું છે, હસમુખની મા?
નિસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો થઈ ગયો. પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા. તપખીરનો સડાકો લઈને, સહેજ ખોંખારો ખાઈને, ‘મકુ જે’ કહીને, પારવતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણી વાર અન્યમનસ્ક બની જતા. ત્યારે ઘણુંખરું એમની બાંય ખેંચીને બોલાવવાની પાર્વતી ડોશીને ટેવ પડી ગઈ હતી.
પ્રભાશંકરને યાદ આવ્યું: પરણ્યાને બેએક વરસ થયાં હશે. ત્યારે તો એમનાં ડોસાડોસી ઘરમાં હતાં. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતા. એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા ત્યાં આમ જ કોટની બાંય ખેંચીને એમને ઊભા રાખીને પારવતીએ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતા. સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું, બે ઘડી એકાંત મેળવીને એક-બે શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું, રાતે માબાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સૂવા જાય ત્યારે પાર્વતી પથારીને એક ખૂણે, આખા દિવસના કામથી થાકેલી, ઊંઘે ઘેરાતી આંખે, માંડ જાગતી બેઠી હોય. આમેય તે પ્રભાશંકર ચાર શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ.
મરણ આવ્યું તે દિવસે પાર્વતીએ પણ આમ જ હાથ પકડીને રોકતાં કહેલું: આજે ન જાઓ તો ન ચાલે? પણ પછી તરત જ, પ્રભાશંકર નિત્યનિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતા નહિ તે જાણીને, વાત બદલી નાખીને કહેલું: ના ના, એ તો મને અમથું જ જરા મનમાં એમ થયું લો, એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ.
આથી, બારણાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવાતાં, ઊભા રહી જઈને એકદમ એમનાથી પુછાઈ ગયું: શું છે હસમુખની મા? પણ પેલો તપખીરનો સડાકો ને ‘મકુ જે’નો ટહુકો સંભળાયા નહિ એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા: શું છે? કોટ ફાટ્યો છે એમ કહેવું છે ને? તે શું થીગડું મારું? પણ સોયદોરો ક્યાં છે?
પછી થોડી વાર અકળાતા હાથ મસળતા પ્રભાશંકર એમ ને એમ ઊભા જ રહી ગયા. પછી જાણે પાર્વતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોલ્યા: પણ તું જ કહે ને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી. વારુ, થીગડું મારું છું, પછી છે કાંઈ?
‘થીગડું’ શબ્દ ચારેક વાર ફરી ફરીને બોલ્યા, ને એમને વળી યાદ આવ્યું: એક સાથે ત્રણ-ચાર વરસ નબળાં ગયાં, ઘરખોરડાં આગમાં બળી ગયાં, જમીન તો તસુ સરખીય હતી નહીં. બાપ ઘામોટું કરતા. બહેનોને પરણાવવાની. આથી પંદર વરસની વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુનાં પડીકાં વાળવા બેસી ગયા. વર્નાક્યુલર ફાઇનલ તો પાસ કરેલી, એટલે પાંચેક વરસ રાહ જોયા પછી આખરે બહુ દૂરના અજાણ્યા ગામમાં પંદર રૂપિયાની, પ્રાથમિક શાળાના શિક્ષકની, નોકરી મળી ગઈ. ઘરખરચ, બહેનોનાં લગ્ન–આ બધું ઉપાડતાં પાંત્રીસ તો થઈ ગયાં. આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ. પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે જે વાત થઈ તે એમને યાદ આવી. એમણે કહેલું: મારી તો ઉંમર મોટી થઈ, સંસારનો ઢસરડો કરતાં મારો રસ તો બધો સુકાઈ ગયો. તને મારી જોડે ફાવશે?
પાર્વતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો: તમે જ મારે મન બધું છો, પછી મારે બીજા કશાંની શી જરૂર?
પ્રભાશંકરે ઉમેરેલું: પણ અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે. સંસાર ભોગવવા કરતાં થીગડાં મારવાનું જ કામ તારે કરવું પડશે!
પાર્વતીએ ઊલટભેર કહેલું: વારુ, તમે કહેશો તેટલાં થીગડાં મારી આપીશ. થીગડાં મારતાં હું નહિ થાકું.
પણ આજે એ ક્યાં છે? એય આખરે થાકી જ ને!
દેવ આગળ દીવો કરવા ને ફાનસ સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી, પણ જડી નહીં, પણ દીવાસળી શોધતાં એક દાબડામાંથી સોયદોરો જડ્યાં. એ લઈને પ્રભાશંકર ઓટલે ગયા. શેરીના દીવાને અજવાળે એમણે કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી નીચે સંઘરેલાં ગાભાચીંથરાંમાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એનો રંગ કોટના રંગને મળતો નહોતો આવતો. પણ એવું કપડું ક્યાંથી લાવવું? આ કોટનેય હસમુખ જેટલાં વરસ થયાં. મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલાં કપડાંમાંથી મણિશંકર એ લઈ આવેલો.
દીવાને અજવાળે પ્રભાશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તોને!
એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીંતના પોપડા ઊખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો.
પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું: ‘કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે?’ પેલા કિશોરે કહ્યું: ‘હા, દાદા.’
કિશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું: ‘ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપ ને!’
મનુએ કહ્યું: ‘દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે.’
પ્રભાશંકર હસીને બોલ્યા: ‘વાતો તો તારાં દાદીને કહેતાં આવડતી, હું તો...’
એમને વચ્ચેથી જ અટકાવીને મનુ બોલ્યો: ‘ના દાદા, એમ બહાનું કાઢો તે નહિ ચાલે, દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે. એમાંથી એક તો કહો.’
પ્રભાશંકર હાર્યા. એમણે કહ્યું: વારુ, તું દોરો પરોવી આપ, એટલે વાર્તા કહું.
મનુએ ઝટ દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે પેલા કપડાનો ટુકડો જોડીને જેવા સૂઝે તેવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો.
પ્રભાશંકરે વાર્તા શરૂ કરી: ઘણાં ઘણાં વરસ પહેલાંની વાત છે...
મનુએ પૂછ્યું: ‘ કેટલાં? સો, બસો...’
પ્રભાશંકરે કહ્યું: ‘ના, હજારેક વરસ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો. એને એક રાજકુમાર. એનું નામ ચિરાયુ. બાળપણથી જ એ ભારે ફૂટડો. જે એને જુએ તે એના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈજોઈને રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય...
મનુએ પૂછ્યું: ‘એ તે કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજારાણી આંસુ પાડે!’
પ્રભાશંકરે કહ્યું: ‘હા ભાઈ, એ આવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજારાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને! આથી એમને દુ:ખ થાય ને આંસુ આવે...’
મનુએ હોંકારો પૂરતા કહ્યું: ‘હં, પછી?’
પ્રભાશંકરે વાત આગળ ચલાવી:
‘આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતાં જાય છે. રાજકુમાર સોળ વરસનો થયો. વર્ષગાંઠ આખા રાજમાં ધામધૂમથી ઉજવાઈ. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર, મોટા વડની છાયામાં, એઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયાં. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું: ‘મહારાજ, અમારી એક ઇચ્છા પૂરી કરશો?’
સિદ્ધ પુરુષે પૂછ્યું: ‘શી ઇચ્છા છે, બોલો?’
રાણી બોલી: ‘અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવો ને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઇચ્છા છે.’
સિદ્ધ પુરુષે કહ્યું: ‘વારુ, એક વાર બરાબર વિચાર કરી લો.’
રાજાએ કહ્યું: ‘મહારાજ, અમે તો રાતદિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહિ.’
સિદ્ધ પુરુષે કહ્યું: ‘વારુ, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહિ કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહિ. એની કાયા સહેજ પણ કરમાશે નહિ.’
રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલાં ઘેલાં થઈ ગયાં. એમણે લળીને સિદ્ધ પુરુષની ચરણરજ માથે ચઢાવી.
સિદ્ધ પુરુષે પછી કહ્યું: ‘પણ એક વાત છે. જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે. પછી એ મોટું ને મોટું થતું જશે.’
આ સાંભળીને રાજા અને રાણીનાં મોઢાં પર ચિંતાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા: ‘અમારા વહાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહિ જ આવે, પણ ન કરે નારાયણ ને –’
રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું: ‘હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય?’
સિદ્ધ પુરુષે કહ્યું: ‘સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે.’
રાજા-રાણી એકીસાથે પૂછી ઊઠ્યાં: ‘કેમ?’
સિદ્ધ પુરુષ બોલ્યા: ‘એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલાં વરસ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે. એ બધાં વરસો આપનારે એ વરસો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વરસો કશાય કલંક વગરનાં હોવાં જોઈએ.’
આ સાંભળીને રાજા-રાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા. પણ પછી તરત કહ્યું: ‘ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે.’
સિદ્ધ પુરુષે કહ્યું: ‘હજુ એક વાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છીદ્ર પડશે તો એકસાથે બધાં વીતેલાં વરસોની અસર એની કાયા પર થશે; અને જ્યાં સુધી એને સાંધી નહિ લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી એ મરશે નહીં.’
રાજા-રાણીને હવે કશું સાંભળવું જ નથી, એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું . સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજા-રાણી તો રાજમહેલમાં આવ્યાં. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતોને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ થયો.
મનુએ પૂછયું: ‘પછી?’
પ્રભાશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા:
‘પછી તો વરસ પછી વરસ વીતતાં જાય છે, રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયાં, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટડો સોળ વરસનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજશોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે, ને એ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે. આનો કાંઈ પાર જ ન રહ્યો. એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠાં હતાં. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ. રાજા-રાણી આથી બહુ ઉદાસ થઈ ગયાં. આથી એમનાથી બોલાઈ ગયું: ‘આના કરતાં તો જુવાની નહિ હોય તે સારું...’
ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું, ને કાણું પડતાંની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી, અને શરીરે પરુ દૂઝતાં ઘારાં ઊભરાઈ ઊઠ્યાં. એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાસવા લાગ્યાં. ચિરાયુ તો પડતોઆથડતો રાજા-રાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો: ‘મને બચાવો, મને બચાવો.’
રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બખિયા ભરે, પણ વસ્ત્ર તો સંધાય જ નહિ. પછી રાજાએ સાંધવાનો પ્રયત્ન કર્યો, પણ વસ્ત્ર સંધાય જ નહિ. રાજા-રાણી પાપમુક્ત થોડા જ હતાં! પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો, પણ ફોકટ!
આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલાં કલંક વગરનાં વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની આ દશા જોઈ ને મરણશરણ થયાં. પછી ચિરાયુ તો નીકળી પડ્યો...
મનુએ પૂછયું: ‘પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?’
પ્રભાશંકર બોલ્યા: ‘એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કે કોઈક વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચિંથરેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે ને બોલે છે: થીગડું મારી આપશો. પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતાં આખરે ચાલ્યો જાય છે.’
મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહિ. પછી કશોક વિચાર આવતાં એની આંખ ચમકી ઊઠી ને એ બોલી ઊઠ્યો: ‘દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મટશે, ખરું ને?’
પ્રભાશંકરે કહ્યું: ‘હા.’
મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા. પછી બખિયો ભરતાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ, એટલે સોયદોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા.•