દિવાલમાં ચણાયેલો માણસ

નવલિકા

મોહમ્મદ માંકડ Tuesday 22nd November 2022 06:09 EST
 
 

રવજી પગીને ભગતબાપુ ઉપર ભારે આસ્થા હતી. રવજીનો ચહેરો એવો હતો કે, આંખ ફરે ત્યાં ભલભલા ધ્રુજી જાય પણ ભગતબાપુ પાસે રવજી પાળેલા જાનવર જેવો ડાહ્યો બની જતો. ભગતબાપુની આંખોમાં અજબ વશીકરણ હતું. પરંતુ એક દિવસ, શિવના દહેરામાં ભગતબાપુના પગે હાથ મૂકીને રવજીએ બાધા લીધી કે, ‘હવે કોઈ જાતના વકરમ (વિકર્મ) નઈ કરું ને સીધી લીટીએ રળી ખાઈશ.’ ત્યારે ઘડીભર ભગતબાપુ પણ આંચકો ખાઈ ગયા. પછી આંખો સ્થિર કરીને બોલ્યા, ‘પગી, એ બહુ અઘરું છે.’
‘બાપુ, મારું મન ઈમ કે’સે કે, હવે બસ. બઉ બાંધ્યા - હવે છૂટી જાવું છે.’
‘પણ આગલી આંટીઘૂંટી પડી ગઈ હોય એનું શું?’
‘તમે આશીર્વાદ આપો બાપુ.’
‘હું તો સાધુ છું - સિદ્ધ પુરુષ નથી.’
‘પણ મારે મન તો તમે ભગવાન જ છો.’
‘ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે - તમને બળ આપે.’ ભગતબાપુએ આશીર્વાદ આપ્યા. ‘જેસલ પીરનું સમરણ રાખજો... બીજું તો શું કહું, પણ બહુ અઘરું વ્રત છે. લીધું જ છે તો ટકાવી જાણજો.’
ભગતબાપુ તો એમનો મુકામ ઉપાડીને બીજે ગામ ઊપડી ગયા. સાધુ તો ચલતા ભલા. ગમે ત્યારે આવી ચડે ને ગમે ત્યારે ઊપડી જાય. સ્થાનકપુરમાં અવારનવાર આવે, અને ક્યારેક બે વરસ સુધી મોઢું પણ ન દેખાડે. કોઈને ક્યારેય ચેલો બનાવે નહીં ને કંઠી બાંધે નહીં. કોઈ બહુ પાછળ લાગે તો કહે કે, ભગવાનનું નામ લ્યો, ને ભજન કરો. એથી વિશેષ કાંઈ નહીં. રવજી પગીની સ્થાનકપુર પંથકમાં બહુ રાડ, પણ ભગતબાપુ ઉપર એને ભારે આસ્થા. એટલે રવજીની બાધાની વાત સ્થાનકપુરમાં ફેલાણી ત્યારે માણસો અવનવી વાતો કરવા લાગ્યા.
સ્થાનકપુરની પ્રખ્યાત ચૌદસિયા કંપની, તળશી મોહનની દુકાને ભેગી થતી. એ મિટિંગમાં ઈશ્વર મા’રાજે સૌથી પહેલાં રવજી પગીની બાધાની વાત કરી.
ચૌદસિયા કંપનીના ચેરમેન જયંતીલાલે એ વાત ઉપર ટીકા કરતાં કહ્યું, ‘કોલસાને ઊજળા કરવા હોય તો કેટલા પાણીએ ધોવા જોઈએ?’
બધા હસી પડ્યા.
મનહર લાંબો બોલ્યો, ‘ભાઈ, આ તો માણસના મનની વાત છે. મન ફરી જાય તો... જેસલ જગનો ચોરટો પલમાં કીધો પીર...’
‘ભગતબાપુએ પગીને જેસલ પીરનું જ સ્મરણ રાખવાનું કીધું છે.’ ઈશ્વર મા’રાજે વચ્ચે કહ્યું.
કાન્તિ બાઠિયાએ હળવેકથી કહ્યું, ‘અલ્યા, સીધી લીટીએ રળી ખાવું એમાં વળી અઘરું શું?’
મનહર લાંબો તરત જ એની વિરુદ્ધ પડ્યો, ‘તને એમાં ખબર ન પડે. રવજી પગી સીધી રીતે રળી ખાય તો આખા મહિનામાં કેટલું કમાઈ શકે? તું વાણિયાનો દીકરો - તને ખબર ન પડે. રવજી પગી ડાબા હાથનો ખેલ બંધ કરે તો ભૂખે મરી જાય.’
તળશી મોહને આંખ મીંચકારીને પૂછ્યછયુંઃ ‘વાણિયા સીધી રીતની કમાણી કરતા હશે?’
જયંતીલાલે આખરી વાણી ઉચ્ચારી, ‘મનહર સાચું કહે છે. ધંધામાં સાચુંખોટું તો બધાં કરે, પણ રવજીને તો ફક્ત ડાબા હાથની કમાણી જ છે. એને આવી સતની પૂંછડી થવાની શી જરૂર? એવી તે કઈ ભક્તિ એને આંટો લઈ ગઈ છે? આજ સુધી ગુંડા તરીકે નામના મેળવી, હવે ભગત તરીકે નેજો ફરકાવવો હશે, પણ... જવા દો ને યાર, ગમે એટલા પાણીએ ધોવો તોય -’
‘એને જેસલ પીર થવું હશે!’ ઈશ્વર મા’રાજે કહ્યું.
‘ના, રવજી પીર.’ તળશી મોહન હસ્યો.
અને તે દિવસથી ચૌદસિયા કંપનીના સભ્યો રવજી પગીની જાસૂસી કરવા લાગ્યા. આમ તો ગામમાં રવજી પગીથી સૌ ડરતા હતા એટલે ઉઘાડા છોગે એની વાત થઈ શકે તેમ નહોતી, છાની-છપની તપાસ ને છાની છાની ટીકાઓનો રસ ચૌદસિયા કંપનીના સભ્યો માણવા લાગ્યા.
રવજી પગીની બાધાની વાત સ્થાનકપુરમાં બીજા લોકોએ સાંભળી ત્યારે ઘણા રાજી થયા. મોહન સવાણી, ટપુ મેઘજી, કામસ દાઉસ જેવા ખેડૂતોએ નિરાંત જાહેર કરી, ‘અલ્યા, હવે સીમચોરી ઘટશે!’
હરગોવિંદ ઉજમશી જેવા વેપારીએ કહ્યું, ‘પગી સાચો હોય તો એણે આજ સુધી જેનો જેનો માલ લીધો હોય એને પાછો પહોંચાડી દેવો જોઈએ.’
- હરગોવિંદને એવો વહેમ હતો કે, એની દુકાનમાં બે વરસ પહેલાં ચોરી થઈ હતી એનો માલ રવજીએ સગેવગે કર્યો હતો.
આંબલીવાળા ચોકમાં રાત્રે માણસો ભેગા થતા, એમાં પણ રવજીની વાતની ચર્ચા થતી. કોઈ સારું કહેતા - કોઈક ટીકા કરતા, ઈશ્વર મા’રાજ ક્યારેક એ મંડળીમાં પહોંચી જાય તો કહેતો, ‘આ બધો સ્મશાન વૈરાગ છે, જયંતીલાલ કહે છે કે, બિલાડીના નહોર અંદર ક્યાં સુધી રહેવાના છે?’
યુસુફમિયાં અને માનસિંહ જેવા પોલીસવાળાઓ કહેતા, ‘રવજીને બહુ છેડવો નહીં, જે રસ્તે જતો હોય એ રસ્તે જવા દેવો.’
રવજીને પોતાના નવા રસ્તાની મુશ્કેલીઓની ખબર ધીમે ધીમે પડવા લાગી. થોડો સમય તો બધું ઠીક ચાલ્યું, પણ ત્રણ છોકરાં ને એક બૈરી, ચાર જણાંને ખેંચવાનો ભાર ધીમે ધીમે એને લાગવા માંડ્યો. સવારમાં ઊઠીને એ ભગવાનનું ભજન કરતો, પછી ગામમાં જતો. ગમે તે મજૂરીનું કામ કરવાની પણ એની તૈયારી હતી, પણ કોઈ એને એવું કામ આપવા તૈયાર નહોતા. રવજી હિંમત પાનવાળાની દુકાનના ઓટે બેસતો, બીડીઓ પીતો, ભગતબાપુને સંભારતો, સંસારનું ગાડું કેવી રીતે ખેંચવું એના ઘોડા દોડાવતો.
એક દિવસ છગનો અને હેબતખાન મળી ગયા. હેબતખાને કહ્યું, ‘વીરપુરમાં એક ખોજાને ત્યાં...’
‘મેં ઈ બધું છોડી દીધું છે.’ રવજીએ કહી દીધું. છગનો બોલ્યો, ‘ઈ તો ઠીક હવે પણ આમ જોવો, આ તો આકડે મધ, ને માખીયું વિનાનું, ભાઈના સમ. એક વાર હા પાડો એટલી વાર.’
‘મેં બધું છોડી દીધું છે. ભગતબાપાના પગે હાથ મૂકીને બાધા લીધી છે.’
‘પ્રાસત (પ્રાયશ્ચિત) કરજો. ઈનો રસ્તો વાંહેથી નીકળી જાશે. આવો મોકો ફરીથી હાથમાં નઈ આવે.’ હેબતખાને કહ્યું.
છગનો બોલ્યો, ‘અલ્યા કાકા, હા ભણી દે.’
પણ રવજીએ સાફ ના પાડી દીધી. ‘હું માંડ માંડ બહાર નીકળ્યો છું, હવે ઈમાં પડવા નથી માંગતો.’
હેબતખાન અને છગનો બેય નિરાશ થઈને ચાલ્યા ગયા. જતાં જતાં હેબતખાન તો કહેતો ગયો, ‘રવજી, વાઘ ગમે એવો ડાહ્યો થઈ જાય તોય ખડ ખાઈને જીવી ન શકે. તું કાંઈ ગાવડી નથી. તારું લોહી ગરમ છે. ભક્તિબક્તિનું તારું કામ નંઈ.’
હેબતખાનની મુલાકાતની વાત ચૌદસિયા કંપનીમાં પણ પહોંચી. જયંતીલાલે કહ્યું, ‘કેમ મારી વાત સાચી ને?’
‘પણ રવજીએ તો ચોખ્ખીચટ ના પાડી.’ ઈશ્વર મા’રાજે કહ્યું.
‘જોઈએ હવે. નવીનવેલી વહુ જેમ એની ના કેટલા દી?’ જયંતીલાલ હસ્યો, બીજા પણ હસી પડ્યા.
એક વાર ઓચિંતા ભગતબાપુ આવી ચડ્યા. છગન ને હેબતખાનની મુલાકાતની વાત ભગતબાપુ પાસે પણ પહોંચી. ભગતબાપુએ રવજીને ટકોર કરી, ‘દરિયો તરનારો ક્યારેક કાંઠે આવીને ડૂબી જાય છે હોં!’
રવજીને ખોટું એટલું લાગ્યું કે ભગતબાપુને કોઈકે અડધી વાત જ કરી હતી. ભગતબાપુ પાસેથી એને શાબાશીના બે શબ્દ સાંભળવાની ઝંખના હતીઃ શાબાશ પગી, તમે વેણ પાળ્યું, લાલચમાં લપસ્યા નહીં!
પણ ભગતબાપુએ તો ચેતવણી આપી, ‘પગી, સોબતથી બચવું બહુ અઘરું છે રસ્તામાં એકલો પથ્થર પડ્યો હોય, ને દીવાલના ચણતરમાં પથ્થર હોય, એ બંનેમાં ફેર છે. સંસારના ચણતરમાંથી ચસકવું સહેલું નથી.’
રવજીએ નીચી મૂંડીએ બધું સાંભળી લીધું.
ભગતબાપુએ કહ્યું, ‘હું તો કહું છું કે, એ બંધન બધાં કાપી જ નાંખવા. મળવા-હળવાનું જ બંધ કરી દેવું. મળવાનું થાય તો બીજાની ગંધ આપણનેય લાગે’
રવજીએ માથું હલાવીને હા પાડી દીધી.
ભગતબાપુ ગયા પછી પણ ઘણા દિવસ રવજીને ચેન ન પડ્યું. માણસો જાણે એની પાછળ પડી ગયા હતા. કોઈને હળેમળે, કોઈની સાથે સંબંધ રાખે, એમાં બીજાને શું? પણ ભગતબાપુની વાતો વાજબી હતી. ભગતબાપુએ એના હિતની જ વાત કરી હતી. સીધા રસ્તે જવું હોય તો સીધા માણસોની સોબત જ રાખવી જોઈએ.
- પણ રવજીને એવા સીધા માણસો જડતા નહોતા.
રસ્તા ઉપર ચાલતાં ભરતિયા ગાડાની જેમ સમય વજનદાર ગતિથી ખસતો હતો. રવજી પગી ધીમે કચડાતો હતો. શિયાળાની ટાઢ અને ઉનાળાની ગરમીનો નવો અનુભવ એને થતો હતો. જૂના કામ એણે છોડી દીધાં હતાં, પણ નવું કોઈ કામ એને મળતું નહોતું. કુટુંબનો ભાર એને ખેંચવાનો હતો. દિવસે દિવસે એને માણસોની માણસાઈની બૂરી પિછાન થતી જતી હતી. એ કોઈ સાધુ ફકીર હોત – એકલદોકલ પથ્થર જેવો - તો જુદી વાત હતી, પણ એ તો સંસારના ચણતરમાં જડાઈ ગયેલો પથ્થર હતો. હવે એ કરવટ બદલવા માગતો હતો, રૂખ બદલવા ઈચ્છતો હતો, પણ એ શક્ય નહોતું. બહુ મુશ્કેલ હતું, બહુ અઘરું હતું.
ક્યારેક જૂની ઈચ્છાઓ જોર કરી જતી. ઘરમાં તંગી વધતી જતી હતી. સારી ચીજવસ્તુઓ, વાસણો, વેચાઈ ગયાં. બૈરી અને છોકરાં ઉઘાડાં થવા લાગ્યાં. રવજીએ બીડી છોડી દીધી. માણસો સાથેની બેઠઊઠ ઓછી કરી નાખી. ઘરમાં ક્યારેક એની નજર ફરતી તો ઘર ખાવા દોડતું. એક વાર, માત્ર એક જ વાર, બીજાં પાસેથી લૂંટીઝૂંટીને એ ઘર ભરી દેવાનું એને મન થઈ જતું. છગનો, હેબતખાન, આલેગભાઈ, કાળિયો, જૂના સાથીદારો સાંભરી જતાં... પણ પછી ભગતબાપુને સંભારીને એ પોતાના મનને મનાવી લેતો, ઘરમાંથી જે ગયું હતું એનો અફસોસ છોડી દેતો - સારું થયું એટલો ભાર ઓછો થયો! ભગતબાપુની વાત એને સાંભરી જતી, જે વાળ કપાઈ ગયા, એનો અફસોસ શું? એ રૂપાળા હોય કે બરછટ હોય, કાળાં હોય કે ધોળા હોય, એની તે વળી ગણતરી હોતી હશે? એટલો બોજો ઓછો...
એ દિવસોમાં સ્થાનકપુરના પોલીસથાણામાં લાભશંકર હવાલદાર બદલાઈને આવ્યો. લાભશંકર રવજીનો જૂનો ભાઈબંધ. અગાઉ એક વાર સ્થાનકપુરમાં રહી ગયો હતો. સારી કમાણી કરી ગયો હતો. એ વખતે રવજીની હાક વાગતી હતી. લાભશંકર રવજીને ઓળખી ગયો હતો અને રવજીએ લાભશંકરને પિછાની લીધો હતો. એકબીજાને આડેપગે આવવાને બદલે, દોસ્તી બાંધવામાં બંનેને વધુ સલામતી લાગી હતી. લાભશંકરે રવજી સાથે પોલીસ-દોસ્તી બાંધી હતી. રવજી વેણનો સાચો હતો. લાભશંકરની હદમાં ગુના ઓછા બનતા અને રવજીને લીધે કેટલીક કાયમી કમાણી લાભશંકરને મળતી હતી. લાભશંકર સ્થાનકપુરમાંથી બદલાઈને ગયો ત્યારે જશ અને જર, બેય સારા પ્રમાણમાં લઈને ગયો. હવે ફરીથી એ સ્થાનકપુરમાં બદલાઈને આવ્યો હતો.
રવજીને લાભશંકરના ખબર મળ્યા, પણ એને મળવા જવાનું મન ન થયું. ભગતબાપુ કહેતા હતા, એ બધા સંબંધ કાપી જ નાખવા, હળવા મળવાનું જ બંધ કરી દેવું... ભગતબાપુની વાત સાચી હતી. હવે રવજી લાભશંકરને શું કામનો હતો? પછી મળવા જઈનેય શું?
લાભશંકરે પોલીસથાણું સંભાળ્યા પછી રવજીના ખબર પૂછ્યછયા, યુસુફમિયાંએ કહ્યું, ‘પગી તો હવે ભક્તિમાં પડી ગયો છે.’ અને રવજીની બાધાની વાત માંડીને કરી.
એ વાત સાંભળીને લાભશંકર દોંગુ હસ્યો. યુસુફમિયાંને એણે પૂછયું, ‘બાર મહિનામાં કેટલા મહિના તમારે રોજા હોય?’
યુસુફમિયાંએ સહેજ અટકીને કહ્યું, ‘એક મહિનો.’
‘કોઈ બારેય મહિના રોજ રાખે તો?’
યુસુફમિયાં લાભશંકરની ટકોર સાંભળીને હસી પડ્યો.
લાભશંકરને મળવાની ઈચ્છા રવજીને નહોતી પણ એક વાર એવી જરૂરત ઊભી થઈ. સ્થાનકપુરના સરકારી ગોદામ ઉપર ચોકીદારની જરૂર હતી. રવજીને એની ખબર પડી. એને થયું કે, જો લાભશંકર તાલુકાના મામલતદારને એની ભલામણ કરે તો ચોકીદારની નોકરી કદાચ એને મળી જાય...
- અને ચોકીદારની નોકરી મળી જાય તો?
- અરે, એક વાર નોકરી મળી જાય, ગમેતેવી આછી પાતળી નોકરી મળી જાય તો તો રંગ રહી જાય! રવજી આ સંસારસાગર તરી જાય! પછી, પાછું વળીને જોવાનું મન પણ એને ન થાય.
(આવતા સપ્તાહે સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter